×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દરોડાઓ બાદ 5 વર્ષ માટે PFI ઉપર પ્રતિબંધ, અન્ય 8 સંગઠનો સામે પણ એક્શન


- દરોડા દરમિયાન NIAને ટેરર ફન્ડિંગ, ટેરર મોડ્યુલ તૈયાર કરવા, સિમી સહિતના અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવા સહિતના અનેક અન્ય ગંભીર આરોપો સાથે સુસંગત દસ્તાવેજો હાથ લાગ્યા

નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2022, બુધવાર

ગૃહ મંત્રાલયે દેશમાં 5 વર્ષ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મુકી દીધો છે. અનેક રાજ્યો દ્વારા PFI પર પ્રતિબંધની માગણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના અનેક ઠેકાણે દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને પીએફઆઈ વિરૂદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હતા. 

8 સહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ

ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન ઘોષિત કર્યું છે. તે સિવાય અન્ય 8 સહયોગી સંગઠનો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈ ઉપરાંત રિહૈબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વીમેન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવાસહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

તાબડતોબ દરોડા બાદ એક્શન

રાષ્ટ્રીય તપાસ એજન્સી, ઈડી અને રાજ્યોની પોલીસે સાથે મળીને 22મી સપ્ટેમ્બરના રોજ પીએફઆઈ સામે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડાઓ પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 106 લોકોની ધરપકડ કરાઈ હતી. બીજા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 247 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા તો અમુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને પીએફઆઈ સામે પૂરતા પુરાવાઓ હાથ લાગ્યા છે. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય સમક્ષ કાર્યવાહી માટેની માગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.