ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર પણ અસરકારક છે આ વેક્સિન, ICMRના અભ્યાસમાં થયો ખુલાસો

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર પણ અસરકારક છે આ વેક્સિન, ICMRના અભ્યાસમાં થયો ખુલાસો


– હાલ ભારત ઉપરાંત 16 દેશોમાં કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ છે. આઈસીએમઆરના અભ્યાસમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનનું નિર્માણ ભારત બાયોટેકે ICMR સાથે મળીને જ કર્યું છે. 

ICMRના કહેવા પ્રમાણે કોવેક્સિન ફક્ત ડેલ્ટા વેરિએન્ટ પર જ નહીં પરંતુ તેના મ્યુટેશન AY.1 એટલે કે, ડેલ્ટા પ્લસ પર પણ કારગર છે. ઉલ્લેખનીય છે કે, ડેલ્ટા વેરિએન્ટ હાલ વાયરસ ઓફ કન્સર્નની શ્રેણીમાં છે. 

ડેલ્ટા વેરિએન્ટને લઈ અનેક દેશ ચિંતામાં

WHO દ્વારા કોરોના વાયરસના 8 વેરિએન્ટને અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમાંથી 4 વાયરસ ઓફ ઈન્ટ્રેસ્ટ છે અને 4 વાયરસ ઓફ કન્સર્ન. ડેલ્ટા વેરિએન્ટને વાયરસ ઓફ કન્સર્ન એટલે કે VOI કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. વાયરસ ઓફ કન્સર્ન એટલે કે આ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ચિંતાનો વિષય છે. તેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાનો સમાવેશ થાય છે. ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળી આવ્યો હતો. 

હાલ ભારતમાં ડેલ્ટા પ્લસના 70થી વધારે કેસ સામે આવ્યા છે. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે જુલાઈ 2021માં જ સંશોધનનો અંતિમ ડેટા રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોવેક્સિન કોરોના વિરૂદ્ધ 77.8 ટકા પ્રભાવશાળી છે. હાલ ભારત ઉપરાંત 16 દેશોમાં કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. તેમાં બ્રાઝિલ, ફિલિપાઈન્સ, ઈરાન, મેક્સિકો વગેરેનો સમાવેશ થાય છે. 

Share: