×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડાબેરીઓ-કોંગ્રેસની કેરળમાં 'કુશ્તી', ત્રિપુરામાં 'દોસ્તી' : મોદી


- 16મીએ ત્રિપુરામાં ચૂંટણી પૂર્વે વડાપ્રધાને સભા સંબોધી

- કેરળમાં ડાબેરીઓની સરકાર હોવાથી કોરોનામાં વધુ લોકો મોતને ભેટયા, ત્રિપુરામાં ભાજપ હોવાથી બચી ગયા, વિપક્ષ ગરીબોના ઉદ્ધાર માટે સુત્રો તો ઘણા આપે છે પણ તેમનું કલ્યાણ નથી કરવા માગતો  : વડાપ્રધાન

- રાજ્યનો વિકાસ જાળવી રાખવો હોય તો 'ડબલ એન્જિન' સરકારને જીતાડો અને કોંગ્રેસ-ડાબેરીની 'બેધારી તલવાર'ને જાકારો આપો

અગરતલા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં એક રેલીને સંબોધતા કોંગ્રેસ અને ડાબેરી બન્ને પક્ષોને આડેહાથ લીધા હતા. ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ ગઠબંધન કર્યું હોવાથી મોદીએ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ આમને સામને કુશ્તી કરે છે પણ ત્રિપુરામાં પોતાના ફાયદા માટે એક સાથે આવ્યા છે. કેટલાક અન્ય પક્ષો પણ વિપક્ષના આ ગઠબંધનને સાથ આપી રહી છે.  વડાપ્રધાન મોદીએ ત્રિપુરાના ગોમતી જિલ્લાના રાધાકિશોરપુરમાં એક જંગી ચૂંટણી રેલીને સંબોધી હતી. 

વડાપ્રધાને કહ્યું હતું કે જે પક્ષો કુશાસન માટે જાણીતા છે તે જ ત્રિપુરામાં ચૂંટણી જીતવા માટે એક થઇ ગયા છે. હું તમને જણાવી દઉ કે આ એજ પક્ષો છે કે જે કેરળમાં સામસામે કુશ્તી લડી રહ્યા છે અને ત્રિપુરામાં દોસ્તી કરીને બેઠા છે. વિપક્ષ માત્ર જનતાના મતના ભાગલા પાડવા માગે છે. કેટલાક નાના પક્ષો પણ ચૂંટણી પરીણામોની રાહ જોઇ રહ્યા છે કે જેથી તેમને પોતાના હિતો સંતોષવા મળી જાય. 

મોદીએ સાથે જ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને ડાબેરીઓએ આદિવાસીઓમાં ભાગલા પાડયા છે જ્યારે ભાજપે આદિવાસીઓની સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે કેન્દ્ર સરકારે બજેટમાં એક લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કોરોના મહામારી સામે સરકારની કામગીરીને યાદ કરતા મોદીએ દાવો કર્યો હતો કે ડાબેરી પક્ષોનું શાસન છે તે રાજ્ય (કેરળ)માં અનેક લોકો કોરોનાથી મોતને ભેટયા. જોકે ત્રિપુરા સુરક્ષીત રહ્યું કેમ કે ભાજપે અહીંયા બહુ જ મહેનતથી કામ કર્યું હતું. ત્રિપુરામાં લોકોને મતદાન કરીને ડબલ એન્જિન સરકાર બનાવવા માટે મોદીએ અપીલ કરી હતી. 

મોદીએ કહ્યું હતું કે રાજ્યનો વિકાસ જાળવી રાખવો હોય તો ડબલ એન્જિન સરકાર (કેન્દ્ર-રાજ્ય બન્નેમાં ભાજપ)ને જ મત આપજો અને સાથે તેમણે કહ્યું હતું કે ડબલ એજ્ડ સ્વોર્ડ (બેધારી તલવાર) કોંગ્રેસ અને ડાબેરીઓથી લોકોએ સાવચેત રહેવુ જોઇએ. કેમ કે આ બન્ને પક્ષો લોકોના હિત માટેની યોજનાઓને અટકાવવા માગે છે. કોંગ્રેસ અને ભાજપ માત્ર ગરીબોનું શોષણ કરવામાં જ માને છે. ગરીબોના ઉદ્ધાર માટે તેમની પાસે અનેક સુત્રો છે પણ ગરીબોનો ઉદ્ધાર તેવો કરવા જ નથી માગતા. અગાઉ જ્યારે ત્રિપુરામાં ડાબેરીઓનું શાસન હતું ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો હતો, જોકે ભાજપની સરકારે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થાનું શાસન ઉભુ કર્યું અને ડાબેરીઓનું ડોનેશનનું કલ્ચર ખતમ કરી નાખ્યું. નોંધનીય છે કે ત્રિપુરામાં ૧૬મી તારીખે મતદાન થશે અને બીજી માર્ચે પરીણામો જાહેર કરવામાં આવશે.