ટ્વિટરે હવે મહારાષ્ટ્ર અને રાજસ્થાન કોંગ્રેસનાં એકાઉન્ટ પણ લોક કર્યા, મંત્રી થોરાટ સામે પણ કાર્યવાહી

ટ્વિટરે હવે મહારાષ્ટ્ર અને રાજસ્થાન કોંગ્રેસનાં એકાઉન્ટ પણ લોક કર્યા, મંત્રી થોરાટ સામે પણ કાર્યવાહી

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી અને તેના ઘણા વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ લોક કરવાનાં મામલે હંગામો મચ્યો છે, ત્યારે પણ ટ્વિટરે તેની કાર્યવાહી ચાલુ રાખી છે. મહારાષ્ટ્રના ગૃહ અને આઈટી રાજ્ય મંત્રી સતેલ પાટીલે દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસ અને વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટના ટ્વિટર હેન્ડલને માઈક્રોબ્લોગિંગ સાઈટ દ્વારા લોક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ સમિતિનાં એકાઉન્ટને પણ લોક કરી દેવામાં આવ્યું છે.

એક પછી એક ટ્વિટ કરીને પાટીલે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ડરી ગઈ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના ઈશારે નાચી રહ્યું છે. કોલ્હાપુરનાં કોંગ્રેસી નેતાએ ટ્વિટ કર્યું, “હું કોંગ્રેસ નેતાઓના ટ્વિટર એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવાની નિંદા કરું છું. તે સ્પષ્ટ છે કે ભાજપ સરકાર ડરી ગઈ છે અને તેમની ઈચ્છા પૂરી કરવા માટે ટ્વિટરનો હાથ મરોડી રહ્યા છે.

પાટીલે કહ્યું કે રાહુલ ગાંધી ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસ અને મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટના ખાતા પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “જે પણ ફાસીવાદ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, ભાજપ તેને ચૂપ કરી દે છે.” દિલ્હીમાં બાળકી પર બળાત્કાર બાદ હત્યાના કેસમાં પીડિતાનાં પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવા માટે તેમનું એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું હતું. આ પછી, કોંગ્રેસ પાર્ટી અને તેના ઘણા વરિષ્ઠ નેતાઓએ આ જ ફોટો શેર કર્યો અને તેમનું પણ એકાઉન્ટ બ્લોક કરવાનો પડકાર ફેંક્યો હતો.

Share: