ટોક્યો ઓલિમ્પિક: ભારત સાત મેડલ સાથે 48 માં સ્થાને, સમાપન સમારોહમાં બજરંગે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું

ટોક્યો ઓલિમ્પિક: ભારત સાત મેડલ સાથે 48 માં સ્થાને, સમાપન સમારોહમાં બજરંગે ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું

ટોક્યો, 8 ઓગસ્ટ 2021 રવિવાર

ટોક્યોમાં 17 દિવસ સુંધી યોજાયેલા ‘ઓલિમ્પિક રમતોત્સવ’ રવિવારે એટલે કે, 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો. મેડલો પ્રાપ્ત કરવાની દ્રષ્ટીએ ભારત એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે 48 માં ક્રમે રહ્યું. બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ આજના સમાપન સમારોહમાં તિરંગો પકડીને ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું.

ઉદઘાટન સમારોહમાં ખેલાડીઓએ પરંપરાગત પોશાક પહેર્યો હતો, જ્યારે તેઓ સમાપન સમારોહમાં ટ્રેક સૂટ પહેરેલા જોવા મળ્યા હતા. સમાપન સમારોહમાં માત્ર થોડા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટોક્યો ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરી કોમ ભારતના ધ્વજવાહક હતા.

રમતોનાં આ મહા કુંભમાં 205 દેશો, 33 રમતો, 339 ઇવેન્ટ્સ અને 11 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટુકડી (128) ટોક્યો પહોંચી હતી, જેણે કુલ 18 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ કેટલાક મેડલ સુધી પહોંચવાથી ચૂકી ગયા પરંતુ કેટલાક વિજયી બન્યા અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું.

પીએમ મોદીએ જાપાન સરકારનો આભાર માન્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક સુરક્ષિત રીતે યોજવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય ટુકડીએ જીતેલા મેડલોએ દેશને ગૌરવ અપાવ્યું છે અને તે જ રીતે નવી પ્રતિભાઓને ઓળખવા માટે ગ્રાસરૂટ લેવલ પર રમતોને વધુ લોકપ્રિય બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવાનો સમય આવી ગયો છે.

Share: