ટોક્યો ઓલમ્પિકઃ હોકીમાં ભારતીય મહિલા ટીમ બ્રોન્ઝ ચુકી પણ રચી દીધો ઈતિહાસ

ટોક્યો ઓલમ્પિકઃ હોકીમાં ભારતીય મહિલા ટીમ બ્રોન્ઝ ચુકી પણ રચી દીધો ઈતિહાસ


– પુરૂષ ટીમે ગુરૂવારે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને 41 વર્ષ બાદ ઓલમ્પિક મેડલ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો 

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ, 2021, શુક્રવાર

ભારતીય મહિલા હોકી ટીમનું ઓલમ્પિકમાં પહેલી વખત મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. શુક્રવારના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતને રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ ગ્રેટ બ્રિટને 4-3થી માત આપી હતી. ગુરજીત કૌરે ભારત માટે સૌથી વધારે ગોલ કર્યા હતા. ગુરજીત (25 અને 26મી મિનિટ) ઉપરાંત વંદના કટારિયાએ 29મી મિનિટે સ્કોર કર્યો હતો. ગ્રેટ બ્રિટન માટે ઈલેના રાયરે 16મી, સારા રૉબર્ટસને 24મી, હોલી પિયરને વેબે 35મી અને ગ્રેસ બાલ્સડને 48મી મિનિટે ગોલ કર્યો હતો. 

પુરૂષ ટીમે ગુરૂવારે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને 41 વર્ષ બાદ ઓલમ્પિક મેડલ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા બાદ શુક્રવારે દેશની ખુશી બમણી નહોતી કરી શકી અને બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઈ હતી. જોકે તેમ છતાં ટીમના વખાણ થઈ રહ્યા છે. 

પહેલા ક્વાર્ટરમાં ગ્રેટ બ્રિટને ભારતીય ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું. રમતની બીજી મિનિટે જ ગ્રેટ બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ સવિતા પૂનિયાએ શાનદાર બચાવ કરીને ગોલ ન થવા દીધો. 

Share: