×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટોક્યોનું ઓલિમ્પિકને 'સાયોનારા' : ઓવર ટુ પેરિસ


રંગારંગ રજૂઆત અને લેસર શો સાથે પૂર્ણાહુતિ સમારંભ યોજાયો : હવે 2024માં ફ્રાન્સમાં આયોજન

અમેરિકા 39 ગોલ્ડ સાથે મોખરે, ચીન 38 સાથે બીજા ક્રમે : ભારતને 48મું સ્થાન, કોરોનાના ભય વચ્ચે સૌથી પડકારજનક ઓલિમ્પિક પાર પડયો : આઈઓસીના પ્રમુખ

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકનો પૂર્ણાહૂતિ સમારંભ આજે ભારે ભાવૂક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના પ્રમુખ થોમસ બાચે તેને સમાપ્ત થયેલ જાહેર કર્યો હતો. થોમસ બાચે કહ્યું હતું કે ઓલિમ્પિકના ઈતિહાસનો આ સૌથી પડકારજનક ઓલિમ્પિક હતો. તેમણે જાપાનના નાગરિકો અને વિશ્વભરના એથ્લીટ્સનો આભાર માન્યો હતો.

જાપાનના નાગરિકોએ પણ ભારે અફડાતફડી સર્જે તે હદે કોરોનાના કેસ બહાર ન આવતા રાહતનો દમ લીધો હતો. જાપાનના વડાપ્રધાન સુગાએ પણ વિશ્વના દેશોનો આભાર માની મક્કમ મનોબળ તેમજ ખમીરની પ્રશંસા કરી હતી. હવે પછીનો 2024નો ઓલિમ્પિક પેરિસમાં યોજાશે. ભાગ લેનાર 205 દેશો અને રેફ્યુજી ટીમમાંથી 93 દેશોને કોઇ ને કોઇ મેડલ મળ્યા હતા.

પ્રત્યેક દેશના કેટલાક ખેલાડીઓ અને ઓફિસિયલ્સને રોકાવા જણાવાયું હતું. અગાઉથી જ નક્કી કરાયા પ્રમાણે પૂર્ણાહૂતિ સમારંભમાં ભારતીય કાફલાનું નેતૃત્વ બજરંગ પૂનિયાએ કર્યું હતું. 90થી વધારે દેશના મેડલ વિજેતામાંના ઘણા ખેલાડીઓ અને ઓફિસિયલ્સો વારાફરતી કૂચ કરીને સ્ટેડિયમમાં એકત્રિત થયા હતા. તેઓ એકદમ હળવા અને ખુશમિજાજ જણાતા હતા. તેમના મેડલ કેમેરામેન સમક્ષ બતાવી ફ્લાઇંગ કિસ કરતા હતા.

એકદમ ઔપચારિક વાતાવરણ રખાયું હતું. કોરોનાના પ્રતિબંધને લીધે ખેલાડીઓ ટોક્યોના જનજીવનની ઝલક ન હતા લઇ શક્યા તેથી તેનો અનુભવ થાય તે હેતુથી સ્ટેડિયમમાં જ તે રીતનાં દ્રશ્યો, જનજીવન અને લીલાછમ ઘાસ ધરાવતા પાર્ક ખડા કરવામાં આવ્યા હતા જ્યાં નાગરિકો રોજીંદા જીવનની જેમ સાયકલિંગ કરતા હોય તેવો નજારો પણ હતો. જાપાનના જાણીતા ગાયકવૃંદ અને બેન્ડ પણ સ્ટેજ પર રંગત કરાવતું હતું.

પરંપરા પ્રમાણે આ જ કાર્યક્રમના ભાગ રૂપે મહિલા અને પુરૂષ વિભાગના મેરેથોન ઈવેન્ટમાં ત્રણ વિજેતાને અનુક્રમે થોમસ બાચ અને વાઇસ પ્રેસિડેન્ટ અનિતા દ્વારા મેડલ એનાયત કરાયા હતા. ઢળતી સાંજે મશાલની જ્વાળા પણ શમી રહી હતી તે દરમ્યાન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ વિધિવત રીતે 2024ના ઓલિમ્પિકનો ફ્લેગ ટોક્યોના મેયરને અર્પણ કર્યો હતો તે સાથે જ સમગ્ર પેરિસમાં પણ ઉજવણી અને વેલકમ ઓલિમ્પિકના બેનરથી વાતાવરણ ઉર્જાસભર બની ગયું હતું.

અગાઉથી નિર્ધારિત થયા પ્રમાણે 2024માં પેરિસ, 2028માં લોસ એંજલસ અને 2032માં બ્રિસ્બેનમાં ઓલિમ્પિક યોજાનાર છે. અમેરિકા 39 ગોલ્ડ સાથે મેડલ્સની યાદીમાં મોખરે રહ્યું છે જ્યારે ચીન 38 સાથે બીજા ક્રમે છે. ભારત 1 ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ સાથે 48માં ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની મહિલા સ્વિમર એમ્પા મેકેઓન 4 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ સાથે સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડી બની છે. અમેરિકાના સ્વિમર ડ્રેસલે પાંચ ગોલ્ડ જીત્યા હતા. કેન્યાના કિપચોગેએ સતત બીજી ઓલિમ્પિકમાં મેરેથોનનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.