ઝારખંડમાં ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની રેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત

ઝારખંડમાં ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની રેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત

image : Twitter

ઝારખંડના ગિરિડીહમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક બસ બ્રિજની રેલિંગ તોડીને 50 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. જેમાં 6 લોકોનાં મૃત્યુ થવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતકાંક વધવાની આશંકા છે.  માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસમાં ફસાયેલા મુસાફરો અને નદીમાં ડૂબી ગયેલા લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે.

આ બસ રાંચીથી ગિરિડીહ જઈ રહી હતી 

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત બસ રાંચીથી ગિરિડીહ જઈ રહી હતી. બસ ગિરિડીહ-ડુમરી રોડ પર પહોંચતા જ બેકાબૂ થતાં પુલની રેલિંગ તોડીને 50 ફૂટ નીચે નદીમાં પડી હતી. આ ઘટના અંગે પુલ પરથી પસાર થતા અન્ય લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ તરત જ લોકોને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઘણા લોકો ફસાયા હતા 

બસમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા અને ઘણા મુસાફરો નદીમાં ડૂબી ગયા હતા. 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. પોલીસ અને બચાવ ટીમ સ્થાનિકો સાથે મળીને બચાવ કામગીરી કરી રહી છે. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

Share: