જીવ બચાવવો હોય તો મહિલાઓ ઘરોમાં જ રહે : તાલિબાનનું ફરમાન

જીવ બચાવવો હોય તો મહિલાઓ ઘરોમાં જ રહે : તાલિબાનનું ફરમાન


– મહિલાઓનું સન્માન જાળવવાની વાતો કરનારા તાલિબાને અસલી રંગ દેખાડયો

– અફઘાનિસ્તાનથી આવવા માગતા લોકો માટે ઇ-વિઝા સિસ્ટમ ફરજિયાત : ભારતની નવી ગાઇડલાઇન જાહેર

– મહિલાઓનું સન્માન કરવું જોઇએ તેવું અમે શીખ્યા જ નથી : તાલિબાનની વિચિત્ર દલિલ

– અફઘાનિસ્તાનથી ભારત આવેલા 16 લોકોને કોરોના

નવી દિલ્હી : તાલિબાને અમેરિકાને ધમકી આપી છે કે ૩૧મી ઓગસ્ટ સુધીમાં પોતાના સૈનિકોને પરત બોલાવી લે અને અફઘાનિસ્તાન ખાલી કરી દે નહીં તો આકરો જવાબ અપાશે. આ ધમકીને પગલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે ૩૧મી સુધીમાં અમે અફઘાનિસ્તાનથી બધા જ જવાનોને પરત બોલાવી શકીએ પણ તાલિબાને સીધા રહેવું પડશે. બીજી તરફ તાલિબાને એક ફરમાન જાહેર કરીને મહિલાઓને ઘરોમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.  

તાલિબાને અગાઉ કહ્યું હતું કે અમે મહિલાઓને ઘણી છુટ આપીશું, જોકે હવે એક ફરમાન જારી કરીને કહ્યું છે કે મહિલાઓ ઘરોમાં જ રહે, તાલિબાનના પ્રવક્તા હુલ્લાએ પણ કહ્યું હતું કે મહિલાઓ પોતાનો જીવ બચાવવો હોય તો ઘરોની બહાર ન નિકળવું. અન્ય એક તાલિબાની પ્રવક્તાએ વિચિત્ર દલિલ કરતા કહ્યું હતું કે મહિલાઓનું સન્માન કરતા અમે તાલિબાની લડાકાઓને નથી શીખવ્યું તેથી તેઓ મહિલાઓની સાથે ખરાબ વર્તન કરી શકે છે માટે મહિલાઓને ઘરોમાં રહેવાનું કહીએ છીએ, અમે કામ કરતી મહિલાઓને ઘરોમાં જ તેમનો પગાર પહોંચતો કરી દઇશું. 

નોંધનીય છે કે અમેરિકાના હાલ ૫૮૦૦ જેટલા જવાનો અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર છે.  એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે ૩૧મી ઓગસ્ટ સુધીમાં અમારે જવાનોને પરત બોલાવી લેવાના છે પણ તે તાલિબાનના સહકાર પર નિર્ભર રહેશે તેમ બાઇડેને કહ્યું હતું. તેમણે અન્ય એક ખતરો વ્યક્ત કરતા કહ્યું હતું કે હાલ અફઘાનિસ્તાનમાં આઇએસ સક્રિય થઇ ગયું છે અને ગમે ત્યારે એરપોર્ટ પર હુમલા કરી શકે છે અને અમેરિકન નાગરિકો તેમજ સૈન્યને નિશાન બનાવી શકે છે. ગોળીબારની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. 

બીજી તરફ અફઘાનિસ્તાનના નાગરિકો અંગે ભારત સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે દરેક અફઘાનિસ્તાની નાગરિકોએ ભારત આવવું હોય તો ઇ-વિઝા સિસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે. હાલમાં જ સરકારે અફઘાનિસ્તાનના નાગરિકો માટે ઇ-ઇમર્જન્સી એક્સ-મિસ્ક વિઝાની કેટેગરી જાહેર કરી છે. હાલમાઁં જ અફઘાનિસ્તાનથી ભારત આવેલા ૧૬ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે તેમને ક્વોરન્ટાઇન કરાયા છે. દરમિયાન  તાલિબાન તેને સમર્થન આપનારા દેશોની સાથે બેઠક યોજવા લાગ્યું છે. ચીને તાલિબાનને સમર્થન આપ્યું હતું અને હવે કાબુલમાં તાલિબાન સાથે બેઠક પણ યોજાઇ ગઇ છે. ચીને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કાબુલમાં તાલિબાન સાથે અમારી પહેલી બેઠક યોજવામાં આવી હતી. 

દરમિયાન બ્રિટને તાલિબાનને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની સરહદો સીલ કરીને દેશને વિશ્વથી વિખુટો કરી દેવામાં આવશે તો ગંભીર પરીણામો આવશે. સાથે અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની સરહદોને ખુલ્લી રાખવામાં આવે નહીં તો શરણાર્થીઓનું સંકટ પેદા થઇ શકે છે. હાલ તાલિબાને અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે ૩૧મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જેને પગલે જે પણ દેશોના નાગરિકો અફઘાનિસ્તાનમાં ફસાયા છે તેમની મુશ્કેલી વધી શકે છે.

Share: