જાણો બાળકોના વેક્સિનેશન સાથે સંકળાયેલા 10 મહત્વના સવાલોના જવાબ

જાણો બાળકોના વેક્સિનેશન સાથે સંકળાયેલા 10 મહત્વના સવાલોના જવાબ


– કોરોનાના કારણે બાળકોના જેટલા પણ મૃત્યુ થયા છે તેમાંથી 75 ટકા મૃત્યુ આ એજ ગ્રુપમાં થયા

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી, 2022, સોમવાર

આજથી દેશમાં કોરોના સામેની એક મોટી લડાઈ શરૂ થઈ ગઈ છે. દેશના 15થી 18 વર્ષની ઉંમરના 7.50 કરોડ કિશોરોને આજથી કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉંમરના લોકો માટે અલગથી વેક્સિનેશન સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. 2007 કે તેના પહેલા જન્મેલા બાળકો રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકે છે. બાળકોને હાલ ભારત બાયોટેકની કોવેક્સિન જ આપવામાં આવશે. 

1. આજથી કોને વેક્સિન અપાશે?

આજથી 15થી 18 વર્ષની ઉંમરના કિશોરોને કોરોના વેક્સિન લગાવવામાં આવશે. વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 

2. કઈ રીતે કરાવવું રજિસ્ટ્રેશન?

Cowin એપ પર. આ એપ દ્વારા વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ માટે આધાર કાર્ડ, 10મા ધોરણની માર્કશીટ, શાળાના આઈકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. 

3. રજિસ્ટ્રેશન કોણ કરાવી શકે?

એવા તમામ કિશોરો જેઓ 2007ના વર્ષ પહેલા જન્મ્યા છે તેમના માટે પહેલી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના અધ્યક્ષ ડો. આરએસ શર્માના કહેવા પ્રમાણે બાળકો પોતાના માતા-પિતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. એક નંબર પરથી એક જ પરિવારના 4 લોકોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. 

4. ઓનલાઈન રજિસ્ટ્રેશન ન થયું હોય તો શું?

જો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન થયું હોય તો ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે. ડો. આરએસ શર્માના કહેવા પ્રમાણે બાળકો પોતાના માતા-પિતા સાથે જઈને વેક્સિનેશન સેન્ટર પર જ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યાં પણ આધાર કાર્ડ, 10મા ધોરણની માર્કશીટ કે સ્કુલનું આઈડી સાથે લઈ જવા પડશે. 

5. કઈ વેક્સિન અપાઈ રહી છે?

હાલ ભારત બાયોટેકની કોવેક્સિન જ આપવામાં આવશે. તેનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. ઝાયડસ કેડિલાની Zycov-Dને પણ સરકારની મંજૂરી મળી ગઈ છે પરંતુ તે હાલ 15થી 18 વર્ષના વેક્સિનેશન પ્રોગ્રામમાં નહીં આપવામાં આવે. એવું કહેવાય છે કે, Zycov-D આ સપ્તાહ દરમિયાન વેક્સિનનો 1 કરોડ ડોઝ પૂરો પાડશે પરંતુ તે હાલ વયસ્કોને જ આપવામાં આવશે. 

6. ક્યાંથી લઈ શકાશે વેક્સિન?

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સલાહ આપી છે કે, આ એજ ગ્રુપના કિશોરોનું વેક્સિનેશન સેન્ટર વયસ્કો કરતા અલગ રાખવામાં આવે જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય. જો અલગ વેક્સિનેશન સેન્ટર ન બનાવી શકાય તો કિશોરોની લાઈન અલગ રાખવામાં આવે. દિલ્હીમાં 159, ગુજરાતમાં આશરે 3500, મુંબઈમાં 9, રાજસ્થાનમાં 3456 વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. 

7. વેક્સિન સેન્ટર પર શું થશે?

વયસ્કો માટે જે પ્રક્રિયા હતી તે કિશોરોમાં પણ લાગુ પડશે. વેક્સિન લીધા બાદ અડધા કલાક સુધી સેન્ટર પર જ રોકાવું પડશે. જો કોઈ મુશ્કેલી અનુભવાય તો ત્યાં રહેલા ડોક્ટર કે નર્સ સંભાળ લેશે. બાળકોનું મોનિટરિંગ કરવામાં આવશે. જો અડધા કલાકમાં કોઈ અસર ન દેખાય તો ઘરે જઈ શકાશે. 

8. વેક્સિનની સાઈડ ઈફેક્ટ થશે?

વેક્સિન લીધા બાદ તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઈન્જેક્શન લીધું હોય તે જગ્યાએ સોજો જેવી સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ જોવા મળે છે. જોકે હજુ સુધી વેક્સિન બાદ કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ સામે નથી આવી. 

9. વેક્સિન કેટલી સુરક્ષિત છે?

વેક્સિન જ એકમાત્ર એવો ઉપાય છે જેનાથી કોરોનાથી ઘણી હદ સુધી બચી શકાશે. ભારત બાયોટેકે ગત વર્ષે 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ કરી હતી. ટ્રાયલમાં આ વેક્સિન અસરકારક સાબિત થઈ છે. કોવિડ ટાસ્ક ફોર્સ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એનકે અરોડાના કહેવા પ્રમાણે ટ્રાયલ દરમિયાન બાળકોને વયસ્કોની સરખામણીએ માંસપેશીઓનો દુખાવો ઓછો નોંધાયો હતો. તેમને સોજાની ફરિયાદ પણ ઓછી આવી. સાથે જ બાળકોમાં વયસ્કોની સરખામણીએ વધારે એન્ટીબોડી બન્યા. 

10. બાળકો માટે વેક્સિનેશન, શું બાળકો જોખમમાં છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના કહેવા પ્રમાણે એવો કોઈ ડેટા નથી જેનાથી કહી શકાય કે, 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકોમાં કોરોનાનું કોઈ જોખમ નથી. ડો. એનકે અરોડાએ જણાવ્યું કે, 15થી 18 વર્ષના કિશોરોમાં વેક્સિનેશન શરૂ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી કોરોનાના કારણે બાળકોના જેટલા પણ મૃત્યુ થયા છે તેમાંથી 75 ટકા મૃત્યુ આ એજ ગ્રુપમાં થયા છે. 

Share: