×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છત્તીસગઢમાં ભૂકંપ : અડધો કલાકમાં 4.9 અને 3.8ની તીવ્રતાના 2 આંચકા, લોકો રસ્તા પર દોડી આવ્યા

રાયપુર, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

છત્તીસગઢમાં આજે અડધો કલાકમાં ભૂકંપના 2 આંચકા આવ્યા છે. ભૂકંપ આવતા જ લોકો ઘરો અને ઓફિસોમાંથી તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. મળતા અહેવાલો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 અને 3.8 આંકવામાં આવી છે. પ્રથમ ભૂકંપ આવ્યાના 25 મિનિટ બાદ બીજો ભૂકંપ આવતા લોકો ભયભીત થઈ ગયા છે. ઉપરા ઉપરી 2 ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અગાઉ 24 માર્ચે અંબિકાપુરના સોનપુરમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉત્તર છત્તીસગઢ ભૂકંપનું ફોલ્ટ ઝોન

ભૂકંપની દ્રષ્ટિએ ઉત્તર છત્તીસગઢ અતિ સંવેદનશીલ છે. ઉત્તર છત્તીસગઢ ભૂકંપના ફોલ્ટ ઝોન હોવાનું પણ કહેવાય છે. આજે સાંજે 8.4 કલાકે પ્રથમ ભૂકંપનો જોરદાર આંચકા આવ્યો હતો, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા... ત્યારબાદ લોકો ઘરમાં પાછા ફર્યા તો ફરી ભૂકંપની આંચકો આવ્યો. 8.26 કલાકે આફ્ટરશોકની તીવ્રતા અગાઉના ભૂકંપ કરતા ઓછી હતી. સતત 2 ભૂકંપ આવતા લોકો ઘરમાં જવાથી પણ ડરી રહ્યા છે.

ભૂકંપની કેન્દ્ર બિન્દુ અંબિકાપુર

પ્રાથમિક અંદાજ મુજબ ભૂકંપની કેન્દ્ર બિન્દુ અંબિકાપુરથી ચાર કિલોમીટરના વિસ્તારમાં હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 આંકવામાં આવી છે. જ્યારે આફ્ટરશોકની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 હોવાનું કહેવાય છે. રાજ્યના સરગુજા જિલ્લા ઉપરાંત સૂરજપુર, બલરામપુર તેમજ કોરિયા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.