ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ફરજિયાત, વધતા કેસોને લઇ સરકારનો મહત્વનો નિર્ણય

ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ફરજિયાત, વધતા કેસોને લઇ સરકારનો મહત્વનો નિર્ણય

કોરોનાના વધતા ભય વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે, 1 જાન્યુઆરી, 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરી પહેલા તેમનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ છ દેશોમાંથી આવતા મુસાફરો માટે 1 જાન્યુઆરીથી નેગેટિવ RT-PCR રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત રહેશે. કેન્દ્રએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ગઈ કાલે સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે, હવે પછીના 40 દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે જાન્યુઆરીમાં ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી શકે છે.

થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકારે એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈ કાલે અધિકારીએ જણાવ્યું હતું કે, 6000 લોકોની તપાસમાં 39 લોકો પોઝિટિવ મળ્યા છે.

એક અધિકારીના કહેવા મુજબ, “ભૂતકાળમાં એવું બન્યું છે કે પૂર્વ એશિયામાં કોરોનાનો ભોગ બન્યાના 30-35 દિવસ પછી ભારતમાં રોગચાળાની નવી લહેર આવી હતી. આ એક વલણ રહ્યું છે. જો કે આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, આ ચેપની તીવ્રતા ઓછી છે. જો કરોનાની નવી લહેર આવશે તો પણ મૃત્યુ દર અને ચેપગ્રસ્ત લોકોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો હશે. ચીન અને દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

Share: