ચીન લદ્દાખથી અરૂણાચલ સુધી નિયંત્રણ રેખા નજીક કોંક્રિટ કેમ્પ બનાવી રહ્યું છે

ચીન લદ્દાખથી અરૂણાચલ સુધી નિયંત્રણ રેખા નજીક કોંક્રિટ કેમ્પ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૫

ભારત સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ચીનના સૈન્યે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક કોંક્રિટ કેમ્પ ઊભા કર્યા છે, જેથી ભારત સાથેના વિવાદાસ્પદ સ્થળો પર ચીની સૈનિકો ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી શકશે. વરિષ્ઠ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ચીનનો એક સ્થાયી કેમ્પ તો સિક્કિમની ઉત્તરે નાકુ લા વિસ્તારની સામે કેટલીક મિનિટોના અંતરે જ છે. આ સ્થળે ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં પણ બંને સૈન્ય સામસામે આવી ગયા હતા. વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીનના સ્થાયી માળખાથી ભારતની ચિંતા વધી ગઈ છે અને ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાની આશંકા વધી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીન ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફ્રન્ટલાઈન મોરચાઓ નજીક સૈનિકોને ગોઠવવા માટે સ્થાયી કોંક્રિટના માળખા ઊભા કરી રહ્યું છે. ઉપરાંત આ વિસ્તારમાં ચીને રસ્તાઓ પણ હાઈટેક બનાવી દીધા છે. જેથી યુદ્ધના સંજોગોમાં ચીની સૈન્ય ખૂબ જ ઝડપથી સરહદ પર પહોંચી શકશે. પૂર્વીય લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં આ આધુનિક ઈમારતોનું નિર્માણ ચીનના ઈરાદાઓ પર શંકા ઊપજાવે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઈમારતોની મદદથી ચીની સૈન્ય શિયાળામાં ફોરવર્ડ વિસ્તારોમાં વિપરિત વાતાવરણની સ્થિતિમાં તેમના સૈનિકોને પાછા ખેંચવા સંબંધિત સમસ્યા પણ દૂર કરી શકશે.

ભારત સાથે ગયા વર્ષે ગલવાન ઘાટીના સંઘર્ષ પછી ચીને ફોરવર્ડ પોસ્ટ પર હજારો સૈનિકોની નિયુક્તિ કરી હતી, પરંતુ અત્યંત આકરા શિયાળાના સમયમાં પૂર્વીય લદ્દાખમાં તેણે તેના ૯૦ ટકા સૈનિકો બદલવા પડયા હતા. સરદીય વિસ્તારોમાં સ્થાયી માળખા ઊભા કરીને ચીન લાંબા સમય સુધી સરહદ પર ટકી રહેવા માગતું હોવાનો આશય દર્શાવે છે.

પૂર્વીય લદ્દાખમાં બંને દેશ વચ્ચેના સંઘર્ષ પછી લગભગ ૧૧ સૈન્ય વાટાઘાટોના પગલે ચીન પેંગોંગ સરોવર વિસ્તારમાંથી તેના સૈનિકો અને ટેન્કો પાછી ખેંચવા સંમત થયું હતું અને તેણે તેના સૈનિકોને તિબેટ વિસ્તારમાં રુટોગ શહેરમાં ખસેડયા હતા. ચીન આ વિસ્તારોમાં પણ કોંક્રિટ ઈમારતો ઊભી કરી રહ્યું છે તેમ સૂત્રોએ કહ્યું હતું.

સરહદી મોરચા પર લાંબા સમય સુધી સંઘર્ષ માટેની તૈયારીઓની સાથે ચીને ભારત સાથે વાટાઘાટોની પણ તૈયારી દર્શાવી છે. પૂર્વીય લદ્દાખમાં ચીની સૈન્યની વર્તમાન હિલચાલ લાંબા સમયના સંઘર્ષની સંભાવનાઓથી દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે તેવી ભારતની સ્પષ્ટ વાત પછી ચીને ગુરુવારે જણાવ્યું હતું કે, તે આ વિવાદના પરસ્પર સ્વીકૃત ઉકેલ માટે તૈયાર છે. દુશાન્બેમાં બુધવારે એસસીઓ કોન્કલેવ દરમિયાન વ્યક્તિગત બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી અને સ્ટેટ કાઉન્સિલર વાન્ગ યીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિમાં કોઈપણ એકપક્ષીય ફેરફાર ભારત સ્વીકારશે નહીં. પૂર્વીય લદ્દાખમાં સંપૂર્ણ શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ચીન સાથે દ્વિપક્ષીય સંબંધો વિકસી શકે તેમ નથી.

જયશંકર સાથેની બેઠક પછી ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે તેમની વેબસાઈટ પર એક નિવેદનમાં જણાવ્યું કે, ગલવાન વેલી અને પેંગોંગ સરોવર વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખેંચી લીધા પછી સરહદે એકંદરે તણાવપૂર્ણ સ્થિતિમાં ઘટાડો થયો છે. જોકે, ભારત અને ચીન વચ્ચે હજી પણ દ્વિપક્ષીય સંબંધો સુધર્યા નથી. જોકે, ચીન વાટાઘાટો મારફત ઈમર્જન્સી પ્રતિભાવની જરૂર હોય તેવા મુદ્દાઓ પર બંને પક્ષે સર્વસંમતીથી સ્વિકૃત ઉકેલ શોધવા તૈયાર છે.

Share: