×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનનું બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધી ભારતમાં પાણી યુદ્ધ છેડવાનું કાવતરું!


નવી દિલ્હી/હોંગકોંગ, તા.૨૪

વિશ્વના સૌથી ઊંચા વિસ્તાર પર આવેલી યારલંગ ઝાન્ગબાઓ નદી પર યારલંગ ઝાન્ગબાઓ બંધ બાધીને ભારતમાં પાણી યુદ્ધ છેડવાનું ચીને કાવતરું ઘડયું છે. આ નદી તિબેટમાં થઈને ભારતમાં પ્રવેશતા બ્રહ્મપુત્રા નદી બની જાય છે. ચીનના આ બંધથી ભારત જ નહીં દક્ષિણ એશિયાના દેશમાં જળસંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજીબાજુ લદ્દાખ સરહદે સંઘર્ષ વચ્ચે ભારત અને ચીન સૈન્યે સપ્ટેમ્બર ૨૦૨૦માં કરેલી સંધી તોડીને ચીને ચૂપચાપ એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કરી લીધો છે.

ચીને યારલંગ ઝાન્ગબાઓ નદી પર એક વિશાળ ડેમ બનાવવાની યોજના બનાવી છે. આ નદી તિબેટ થઈને ભારતમાં પ્રવેશતાં બ્રહ્મપુત્રા નદી બની જાય છે અને તે આગળ જઈ બાંગ્લાદેશમાં થઈને સમુદ્રમાં ભળી જાય છે. ચીને ભારત અથવા બાંગ્લાદેશ સાથે જળ વહેંચણી મુદ્દે કોઈપણ ચર્ચા અથવા કરાર કર્યા વિના યારલંગ ઝાન્ગબાઓ બંધ પર વિશાળ બંધ બનાવવાની તેની યોજનામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે તેમ એશિયા ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે.

એશિયા ટાઈમ્સમાં બેર્ટીલ લિન્ટરે લખ્યું છે કે ચીને આ વિશાળ બંધ અંગે કોઈ ટેકનિકલ વિગતો જાહેર કરી નથી, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આ બંધ યાંગત્ઝે નદી પરના થ્રી ગોર્જીસ બંધ કરતાં વિશાળ હશે અને ચીનમાં વીજળીના વિતરણ માટે ત્રણ ગણી વીજળી પેદા કરશે. આ વિશાળ બંધ બાંધવા પાછળનો ચીનનો મૂળ આશય નીચાણવાળા વિસ્તારો એટલે કે ભારત અને બાંગ્લાદેશમાં પાણીની અછત ઊભી કરવાનો છે. 

ભારત જ નહીં બાંગ્લાદેશે પણ ચીનના આ બંધનો વિરોધ કર્યો છે. ચીન આ નદી પર વિશાળ બંધ બાંધશે તો ભારતની સાથે દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશોમાં પણ પાણીના પુરવઠા પર અસર થશે. ચીને મેકોન્ગ નદી પર ૧૧ મોટા બંધ બાંધ્યા છે, જેથી તેના જળપ્રવાહમાં અગાઉથી નોટિસ આપ્યા વિના અનિયમિતતા રહેતી હોવાથી મ્યામાંર, લાઓસ, થાઈલેન્ડ, કમ્બોડિયા અને વિયેતનામમાં અનેક વખત મુશ્કેલીઓ સર્જાઈ છે. યારલંગ ઝાન્ગબાઓ નદી પર બંધ બન્યા પછી ભારત, બાંગ્લાદેશમાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. વધુમાં ચીન આ બંધનો ઉપયોગ રાજકીય કટોકટીના સમયમાં યુદ્ધના સાધન તરીકે કરે તેવી પણ આશંકા છે.

દરમિયાન લદ્દાખ સરહદે ચાલી રહેલા સંઘર્ષને પગલે ભારત અને ચીનના સૈન્યે સપ્ટેમ્બર ૨૦૨૦માં વાસ્તવિક નિયંત્રણ રેખા પર વધુ સૈનિકો નિયુક્ત નહીં કરવા કરાર કર્યા હતા. પરંતુ ચીને આ સંધી તોડીને ચૂપચાપ એલએસી નજીક તણાવવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કર્યો છે. તાજેતરમાં ગ્રાઉન્ડ રિયાલિટી તપાસમાં એ બાબતનો ખુલાસો થયો છે કે ચીની સૈન્યે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ની છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો પછી કરેલા કરારનો ભંગ કરીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હોવાથી ભારતે પણ તકેદારીના પગલાં રૂપે જવાનોને ખડકી દીધા છે. 

લદ્દાખના પર્વતોમાં હાલ તાપમાન માઈનસ ૩૦ ડિગ્રી જેટલું નીચું છે, પરંતુ બંને દેશોમાંથી કોઈએ સૈનિકોની નિયુક્તિમાં ઘટાડો નથી કર્યો. શીયાળાના કારણે અહીં હાલ સ્થિતિ શાંત છે, પરંતુ તણાવ હજી પણ જળવાઈ રહ્યો છે. એવામાં ચીનના પગલાં તેના ઈરાદાઓ પર શંકા ઉપજાવે છે.