ગાલવાનઃ ચીને નવા વર્ષ પર લહેરાવ્યો પોતાનો ઝંડો, રાહુલે કહ્યું- મોદીજી હવે તો ચૂપકીદી તોડો

ગાલવાનઃ ચીને નવા વર્ષ પર લહેરાવ્યો પોતાનો ઝંડો, રાહુલે કહ્યું- મોદીજી હવે તો ચૂપકીદી તોડો


– આ ઝંડો ખૂબ ખાસ છે કારણ કે, આ જ ધ્વજ એક સમયે થિયાનમાન ચોક પર લહેરાવવામાં આવ્યો હતોઃ શેન સિવેઈ

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી, 2022, સોમવાર

નવા વર્ષે ચીન સાથેના સંબંધો સામાન્ય થાય તેવી આશા રાખી રહેલા ભારતને ફરી એક વખત ઝાટકો વાગ્યો છે. ચીને ફરી એક વખત ગાલવાન ઘાટી પર પોતાનો દાવો કર્યો છે. 

ગત 1 જાન્યુઆરી, 2022ના રોજ એક ઉશ્કેરણીજનક કાર્યવાહીમાં ચીને પોતાના કબજામાં રહેલી ગાલવાન ઘાટી પર પોતાનો રાષ્ટ્રીય ઝંડો લહેરાવ્યો હતો. ત્યાર બાદ ચીનના સરકારી મીડિયા ઉપરાંત તેની પ્રોપેગેન્ડા મશીનરીએ તે વીડિયો જોરશોરથી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું હતું. 

ગાલવાન ખાતે ચીનની આ કરતૂતની અસર નવી દિલ્હીમાં જોવા મળી હતી. વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને સવાલ કર્યો હતો કે, પીએમ મોદી ગાલવાન મુદ્દે પોતાની ચૂપકીદી ક્યારે તોડશે?

ડબલ ગેમ રમવા માટે ચીન કુખ્યાત

ડબલ ગેમ રમવા માટે કુખ્યાત ચીને નવા વર્ષના પ્રસંગે પૂર્વીય લદ્દાખના ડેમચોક અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાં ભારતીય સૈનિકોને ભેટ આપી હતી. આ કારણે એવું લાગી રહ્યું હતું કે, બંને દેશ વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ આખરે પીગળી રહ્યો છે. જોકે થોડા કલાકોમાં જ ચીનની અસલીયત સામે આવી ગઈ હતી. 

ગ્લોબલ ટાઈમ્સે ગાલવાન ખાતે ચીની સૈનિકો દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો તેની પ્રશંસા કરતા લખ્યું હતું કે, ‘ગાલવાન ઘાટીમાં, જ્યાં લખ્યું હતું કે કદી એક ઈંચ જમીન પણ ન છોડશો, 1 જાન્યુઆરીના રોજ PLAના જવાનોએ ચીની જનતાને સંદેશો આપ્યો.’

ગાલવાન મુદ્દે શેખી, થિયાનમાન ચોકનો ઉલ્લેખ

આ કાર્યક્રમનો વીડિયો ટ્વિટર પર શેર કરીને ચીનના સરકારી મીડિયા સાથે સંકળાયેલા શખ્સ શેન સિવેઈએ લખ્યું હતું કે, ‘વર્ષ 2022ના પહેલા દિવસે ગાલવાન ઘાટી પર ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. આ ઝંડો ખૂબ ખાસ છે કારણ કે, આ જ ધ્વજ એક સમયે થિયાનમાન ચોક પર લહેરાવવામાં આવ્યો હતો.’

ઉલ્લેખનીય છે કે, થિયાનમાન ચોક ચીનમાં આવેલી એ જગ્યા છે જ્યાં ચીને એક સમયે લોકશાહીના સમર્થક વિદ્યાર્થીઓ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. તે ઘટનામાં અગણિત લોકો માર્યા ગયા હતા. 

વીડિયો વાયરલ થયા બાદ હોબાળો

શેન સિવેઈ દ્વારા ટ્વિટ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગયો હતો. આ સાથે જ ભારતની વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ગાલવાન પર આપણો તિરંગો જ સારો લાગે છે. ચીનને જવાબ આપવો જોઈએ. મોદીજી, ચૂપકીદી તોડો!

Share: