×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલન સામે પ્રશ્નાર્થ : સંગઠનોમાં તડાં

- તોફાન બાદ તંગદિલી વધતાં ખેડૂતોએ પહેલી ફેબુ્રઆરીની સંસદ કુચને રદ કરી :  દિલ્હી પોલીસની 22 એફઆઇઆરમાં 37 ખેડૂત નેતાઓ સહિત અનેક સામે ગુના દાખલ, 200ની અટકાયત

- અમારો કોઇ જ હાથ નહીં, હિંસા આચરનારા ખેડૂતો નહીં પણ ઉપદ્રવીઓ, તેમની સામે પગલા લેવામાં આવે : ખેડૂત નેતાઓ


નવી દિલ્હી, તા.27 જાન્યુઆરી 2021, બુધવાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતોએ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડનું આયોજન કર્યું હતું. જોકે પરેડમાં હિંસાની ઘટનાઓ સામે આવતા હવે ખેડૂત સંગઠનોમાં પણ ફાટા પડી રહ્યા છે. બે ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે તેઓ ખુદને આ આંદોલનથી અલગ કરે છે અને જે પણ લોકો હિંસા પાછળ જવાબદાર હોય તેની સામે પગલા લેવામાં આવે. 

ખેડૂત નેતા વીએનસિંહ અને ચિલ્લા બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના નેતા ભાનુ પ્રતાપસિંહે જાહેરાત કરી છે કે તેઓ કૃષિ કાયદા સામેના ધરણા પૂર્ણ કરે છે. આ બન્ને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. વીએનસિંહે કહ્યું હતું કે જે કઇ પણ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયું તેનાથી બહુ જ દુ:ખ થયું છે, જે પણ લોકો જવાબદાર હોય તેની સામે પગલા લેવામાં આવે. જ્યારે ભાનુપ્રતાપે કહ્યું હતું કે હું દિલ્હીની ઘટનાથી આઘાતમાં છું, માટે ૫૮ દિવસથી ચિલ્લા બોર્ડર પર જે ધરણા અમે કરી રહ્યા હતા તેને સમેટીએ છીએ. સાથે આ ખેડૂત નેતાઓેએ એવો પણ સવાલ કર્યો હતો કે આટલી હિંસક ઘટનાઓ સામે આવી છતા સરકારે તેમને રોક્યા કેમ નહીં? દિલ્હીમાં ૪૧ જેટલા ખેડૂત સંગઠનો આંદોલન ચલાવી રહ્યા છે તેમાંથી આ બન્ને સંગઠનોએ પોતાનું સમર્થન પરત લઇ લીધુ છે. દરમિયાન યુપી બોર્ડર પર લાગેલા લંગર હટાવવામાં આવી રહ્યા છે, આંદોલન નબળુ પડી રહ્યું હોવાનો દાવો કેટલાક રિપોર્ટ કરી રહ્યા છે. જ્યારે દિલ્હી હિંસા દરમિયાન એક ખેડૂતનું મોત નિપજ્યું હતું, જોકે આ મોત પોલીસની ગોળી વાગવાથી નહીં પણ અકસ્માત દરમિયાન ઘવાતા થયું હતું.   

બીજી તરફ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ સહિત અનેક સામે એફઆઇઆર દાખલ કરી છે. સાથે દાવો કર્યો છે કે આ હિંસામાં ૬ બસો, પાંચ પોલીસ વાહનોને ભારે નુકસાન થયું અને દિલ્હીના આઇટીઓ સહિતના વિસ્તારોમાં થયેલી હિંસામાં સામેલ ૨૦૦ લોકોની અટકાયત કરાઇ છે. સાથે જ વિવિધ ઘટનાઓને લઇને ૨૨ જેટલી એફઆઇઆર દાખલ કરાઇ છે. હિંસામાં સામેલ લોકોને ઓળખવા માટે વીડિયો, તસવીરો, સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ લેવાઇ રહી છે. સમયપુર બદલી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆરમાં ૩૭ ખેડૂત નેતાઓના નામ પણ સામેલ છે. જેમાં આઇપીસીની વીવીધ કલમો ૧૪૭, ૧૪૮ (હિંસા), ૩૭૦ (હત્યાનો પ્રયાસ), ૧૨૦બી (કાવતરા બદલ સજા) લગાવવામાં આવી છે. જોકે ખેડૂત નેતાઓનું કહેવંુ છે કે હિંસામાં તેમનો કોઇ જ હાથ નથી, જેઓએ હિંસા ભડકાવી તેઓ ખેડૂતો નહીં પણ ઉપદ્રવી છે અને તેમની સામે પગલા લેવા અમે પણ માગણી કરીએ છીએ. 

દરમિયાન દિલ્હીની વિવિધ સરહદોએ ધરણા પર બેઠેલા ખેડૂતોએ પહેલી ફેબુ્રઆરીએ બજેટ દિવસ નિમિત્તે સંસદ તરફ પગપાળા કુચ કરવાની જાહેરાત કરી હતી પણ દિલ્હીમાં પરેડ દરમિયાન જે હિંસાની ઘટનાઓ સામે આવી તે બાદ હવે સંસદ તરફ કુચ કરવાની આ જાહેરાત પરત લેવામાં આવી છે. આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના એક મુખ્ય સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાના એક નેતાએ કહ્યું હતું કે દિલ્હીની હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમે હવે પહેલી ફેબુ્રઆરીની સંસદ કુચને હાલ પુરતા રદ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન કેટલાક લાલ કિલ્લા પર ચડી ગયા હતા, જેમાં એક ખાલી થાંભલા પર આ ટોળામાંથી કેટલાકે ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. આ સમગ્ર મામલામાં હવે ભાજપના સાંસદ સન્ની દેઓલના એક સમયના નજીક અને ભાજપના નેતાઓને આત્મીયતાથી મળનારા પંજાબના એક્ટર દીપ સિધુનું પણ નામ સામે આવી રહ્યું છે. એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારા ટોળામાં દીપ સિંધુ પણ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં દીપ સિંધુનો હાથ છે અને તે ખેડૂત નથી, તેની સામે પગલા લેવામાં આવે. 

ટ્રેક્ટર પરેડમાં હિંસા ફેલાવનારા 550 એકાઉન્ટ ટ્વિટરે સસ્પેન્ડ કર્યા

૭૨માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં ખેડૂતોએ એક વિશાળ ટ્રેક્ટર પરેડ કાઢી હતી. જોકે આ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ ક્યાંક સામે આવી હતી. આ હિંસા દરમિયાન ટ્વિટરે બુધવારે ૫૫૦થી વધુ એકાઉંટને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં હિંસા અંગે અફવાઓ ફેલાવવા સહીતની પોસ્ટ, ફોટો, વીડિયો શેર કરવામાં આવ્યા હતા. 

ટ્વિટરે કહ્યું હતું કે અમે હિંસા, દુર્વ્યવહાર, ધમકી આપતી કે ઉશ્કેરનારી પોસ્ટ મુકવાનો પ્રયાસ કરનારા એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. આવા લોકો નિયમોને તોડીને દેશ માટે એક જોખમ ઉભુ કરી રહ્યા છે. આ પહેલા પણ હિંસાની ઘટનાઓ જ્યારે પણ દેશમાં ઘટી છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાવાતી હોય છે. જેને પગલે સરકારે પણ સોશિયલ મીડિયાને આવા એકાઉન્ટ ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. 

લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવનારા દીપ સિંધુ પર ભાજપ એજન્ટ હોવાનો આરોપ

૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં પંજાબના દીપ સિધુનું નામ સામે આવી રહ્યું છે, લાલ કિલ્લા પર તેની હાજરીનો વીડિયો પણ વાઇરલ થયો છે. એવામાં હાલ એ ચર્ચા ચાલી રહી છે કે દીપ સિધુ ખરેખર છે કોણ? 

સોશિયલ મીડિયા પર દીપ સિધુની ભાજપના સાંસદ સની દેઓલ, ગૃહ પ્રધાન અમિત શાહ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તસવીરો વાઇરલ થઇ રહી છે. દીપ સિધુ પર હિંસા ભડકાવવા અને ધાર્મિક ઝંડો ફરકાવવાનો ખેડૂતોએ પણ આરોપ લગાવ્યો છે. સાથે તેને ભાજપનો એજંટ પણ કહેવામાં આવી રહ્યો છે. 

દીપ સિધુએ આ પહેલા ભાજપના સાંસદ સની દેઓલ માટે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. જોકે સની દેઓલે વિવાદ બાદ પોતાને દીપ સિંધુથી અલગ કરી લીધો છે. દીપ સિધુ વિરુદ્ધ દેશ વિરોધી પ્રવૃત્તિ બદલ અગાઉ તપાસ એજન્સીઓએ નોટિસ પણ જારી કરી હતી. દીપ સિધુ શરૃઆતમાં વકીલ હતો, બાદમા એક્ટિંગમાં આવ્યો અને ૨૦૧૫માં પ્રથમ પંજાબી ફિલ્મ રમતા જોગીમાં કામ કર્યું. તે ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા દિલ્હી ગયો હતો અને ધરણા પર પણ બેઠો હતો. જોકે ખેડૂતોએ તેના પર ભાજપનો એજંટ હોવાનો આરોપ લગાવી ખુદને અલગ કરી લીધા હતા. હાલ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાનો તેના પર આરોપ લાગી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ આરોપ લગાવ્યો છે કે દીપ સિધુ ભાજપનો એજંટ છે. 

ટ્રેક્ટર પરેડ અને હિંસાનો ઘટનાક્રમ

૭.૩૦-૯.૩૦ : સિંધુ, તીકરી, ગાઝીપુર સરહદેથી હજારો ખેડૂતો નિશ્ચિત રુટ પર પરેડ માટે નિકળ્યા.

૧૦-૧૨ : સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર પાસે એક ખેડૂત ટોળા સાથે પોલીસનું ઘર્ષણ, પોલીસે ટીયર ગેસના શેલ છોડયા, લાઠીચાર્જ કર્યો.

૧૨-૦૨ : મોટી સંખ્યામાં ગાઝીપુરના ખેડૂતો આઇટીઓ પહોંચ્યા, પોલીસ બેરિકોડ તોડયા, પોલીસે લાઠીચાર્જ કર્યો. લાલ કિલ્લા તરફ જતા અટકાવાતા ઘર્ષણ થયું.

૨.૩૦ : લાલ કિલ્લા પર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા, પોલીસે લાઠીચાર્જ કરી વિખેરવાનો પ્રયાસ કર્યો. 

૪.૩૦ : ખેડૂત નેતાઓએ કહ્યું હિંસામાં અમારો હાથ નથી, અસામાજિક તત્વોએ હિંસા આચરી. પોલીસે અનેકની અટકાયત કરી.

૫.૦૦ : ખેડૂત સંગઠનોના મુખ્ય સંયુક્ત મોર્ચાએ નિવેદન જારી કરી કહ્યું કે અમે ટ્રેક્ટર પરેડને પૂર્ણ કરીએ છીએ, દિલ્હી સરહદે આંદોલન ચાલુ રહેશે.

ખેડૂતોને બદનામ કરવા હિંસા કરાવાઇ, તપાસ થવી જોઇએ : સુપ્રીમમાં બે અરજી

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા દરમિયાન એક ખેડૂતનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર હિંસાની ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ થઇ છે અને સમગ્ર મામલાની પેનલ દ્વારા તપાસ થાય તેવી માગણી કરાઇ હતી. 

એક અરજીમાં દલીલ કરનારા વકીલ વિશાલ તિવારીએ દાવો કર્યો હતો કે ખેડૂતોના આંદોલન સામે એક કાવતરુ ઘડવામાં આવ્યું છે, જેના ભાગરુપે જ આ હિંસા કરાવવામાં આવી છે માટે તેની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ. તેમણે માગ કરી છે કે જે પણ લોકો આ હિંસામા સામેલ હોય તેની સામે એફઆઇઆર દાખલ થવી જ જોઇએ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. બે મહિનાથી શાંતી પૂર્વક ખેડૂતોના કૃષિ કાયદા સામે ધરણા ચાલી રહ્યા હતા, અચાનક ૨૬મી જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડમાં આયોજન પૂર્વક હિંસા કરાવવામાં આવી છે અને તેની પાછળ જે પણ લોકોનો હાથ હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. અન્ય એક અરજી એમએલ શર્મા દ્વારા કરાઇ હતી અને તેમણે દાવો કર્યો હતો કે ખેડૂતોના આંદોલનને હાની પહોંચાડવા માટે કાવતરા પૂર્વક દિલ્હીની પરેડ દરમિયાન હિંસા કરાવવામાં આવી છે.