ખેડૂતોના મૃત્યુના 'ઝીરો' રેકોર્ડ પર ભડક્યું કોંગ્રેસ, ખેડૂત નેતાએ કહ્યું- અમે ડેટા આપી દઈશું

ખેડૂતોના મૃત્યુના 'ઝીરો' રેકોર્ડ પર ભડક્યું કોંગ્રેસ, ખેડૂત નેતાએ કહ્યું- અમે ડેટા આપી દઈશું


– કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, તોમર સાહેબ, નિષ્ફળતા છુપાવવા માટે આટલું મોટું જુઠાણુ! 

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર, 2021, બુધવાર

કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં એવો દાવો કર્યો હતો કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. કેન્દ્ર સરકારના આ નિવેદન પર ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ ખેડૂતોના મૃત્યુ મામલે કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. 

દોઆબા કિસાન કમિટીના સ્ટેટ ચીફ જંગવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા છે. જો તેઓ એમ કહી રહ્યા છે કે, ખેડૂતોના મૃત્યુનો ડેટા નથી તો એ ખોટું છે. તેમ છતાં પણ જો સરકાર કહે છે તો અમે તેમને વળતર માટે ખેડૂતોના મૃત્યુનો આંકડો આપીશું. 

કોંગ્રેસે સાધ્યું નિશાન

નરેન્દ્ર સિંહ તોમરના આ દાવા પર કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે. કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, તોમર સાહેબ, નિષ્ફળતા છુપાવવા માટે આટલું મોટું જુઠાણુ! જ્યારે સચ્ચાઈ એ છે કે, 2020માં 10,677 ખેડૂતોએ આત્મહત્યા કરી. 4,090 ખેડૂતો એવા હતા જેમના પોતાના ખેતર છે જ્યારે 639 ખેડૂતો જે કોન્ટ્રાક્ટ પર જમીન લઈને ખેતી કરતા હતા. 5,097 ખેડૂતો એવા હતા જે બીજાના ખેતરોમાં કામ કરતા હતા. છેલ્લા 7 વર્ષોમાં 78,303 ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે. 

લોકસભામાં સરકારનો જવાબ

હકીકતે લોકસભામાં સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર પાસે એવો કોઈ ડેટા છે કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપશે. સરકાર આ અંગેની જાણકારી આપે. આ સવાલના જવાબમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિતમાં કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતના મૃત્યુનો કોઈ જ રેકોર્ડ નથી. તેવામાં મૃતક ખેડૂતોને નાણાંકીય સહાય આપવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. 

Share: