કોરોના સંકટમાં અનાથ થયેલા બાળકો માટે રાજ્ય સરકારે કરી આ મહત્વની ઘોષણા, જાણો વિગત

કોરોના સંકટમાં અનાથ થયેલા બાળકો માટે રાજ્ય સરકારે કરી આ મહત્વની ઘોષણા, જાણો વિગત

ગાંધીનગર, 9 જુલાઇ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોના કહેર દરમિયાન પોતાના માતા પિતા ગુમાવનારા અનાથ બાળકો માટે ગુજરાત સરકારે મહત્વની ઘોષણા કરી છે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં આયોજીત થયેલા ‘મોકળા મને’ સંવાદ કાર્યક્રમમાં સરકારનાં નિર્ણયની જાહેરાત કરી છે. 

CM  રૂપાણીએ કહ્યું કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ હવે બાળકોને 21 વર્ષની વય સુધી માસિક રૂ. 4,000ની આર્થિક મદદ કરવામાં  આવશે. પહેલા આ યોજનામાં વય મર્યાદા 18 વર્ષની હતી, તે હવે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે.

કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાત બાદ માતા-પિતાનું મોત કોરોનાથી થયું છે કે, અન્ય કારણથી તે અંગે ભારે મુંઝવણ હતી. અને સહાય માટે અનેક દસ્તાવેજ રજૂ કરવા પડતા હોવાથી યોજના અંગે સવાલો થઇ રહ્યાં હતા. ત્યારે આ અંગે નાયમ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોના કાળમાં અનાથ થયેલા તમામ બાળકોને સહાય મળશે. અને આ સહાય માટે મરણનું કારણ દર્શાવવું જરૂરી નથી. મરણ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુનો ઉલ્લેખ જરૂરી નહીં હોય તો પણ સહાય આપવામાં આવશે.

જ્યારે પુખ્ત વયના કે જેમનો અભ્યાસ ચાલુ હશે તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. 6000ની સહાય અપાશે. 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના હેઠળ દર મહિને રૂ. 6000ની સહાયનો લાભ મળશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.

Share: