×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્રના નિર્ણય બાદ ગુજરાત સરકારનો યુ-ટર્ન, રૂપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં ધો. 12ની પરીક્ષા કરી રદ્દ


- ધો.12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ થઈ

તા. 02 જૂન, 2021, બુધવાર

ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું તે અંગે વિચારણા કરી હતી. અંતે રાજ્ય સરકારે બુધવારની કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કર્યો હતો અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી છે.

6.92 લાખ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા

કેન્દ્રની મોદી સરકારે જે રીતે પરીક્ષા રદ્દ કરી છે તેને અનુલક્ષીને ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ થઈ છે. ધો.12 સાયન્સના 1 લાખ 40 હજાર અને સામાન્ય પ્રવાહના 5 લાખ 52 હજાર મળીને કુલ 6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.

ગઈકાલે ટાઈમટેબલ જાહેર કરાયું

તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 લાખ મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઈથી કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવનાર હતી. ગુજરાતના વાલી મંડળે CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો હતો. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરે તેવી માંગણી કરી હતી.

પરીક્ષા રદ કરવા વાલી મંડળની માંગ

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે સીએમની અધ્યક્ષતામાં બેઠક બોલાવી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચારવિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી હતી. CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડલના પ્રમુખ ભાસ્કર પટેલે આવકાર્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો ત્યારે બીજી તરફ પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. એવામાં રાજ્ય સરકાર પણ મહામંડળ દ્વારા અગાઉ આપેલા વિકલ્પ પર વિચારે એવી વિનંતી કરી હતી. વાલીઓ ચિંતિત બન્યા હતાં અને કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.

સરકારે વિદ્યાર્થીઓને વેક્સિન આપવા અંગે પણ કરી હતી વિચારણા

ગુજરાત સરકાર ધોરણ-12ના બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા અંગે વિચારણા કરી રહી હતી અને આ હેતુસર વેક્સિનેસન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી હતી. વેક્સિનેશન ઝુંબેશ હેઠળ ધોરણ-12 અને ધોરણ-10ની પરીક્ષામાં રીપિટ થનારા 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 6 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે તેમ પણ સામે આવ્યું હતું. 

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18 વર્ષથી વધુ વય જૂથના તમામ વિદ્યાર્થીઓના જિલ્લાવાર ડેટાનું એનાલિસીસ કરવામાં આવ્યું છે. વેક્સિનના ઉપલબ્ધ જથ્થાને આધારે આ વિદ્યાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકાર વેક્સિનેસન ઝુંબેશ હાથ ધરવા માટે સહાય કરવા- સમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે.