કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ મચાવી તોડફોડ, ઘટના CCTVમાં કેદ થઈ

કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ મચાવી તોડફોડ, ઘટના CCTVમાં કેદ થઈ

image : Twitter

કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં આવેલા એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પર જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા.

ઘટના સીસીટીવીમાં કેદ થઈ

આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું. જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવ્યા છે. વાદળી પાઘડી પહેરેલ વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવે છે અને ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી જાય છે.

નિજ્જરની આ વર્ષે હત્યા થઈ હતી

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ  આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું. હરદીપ નિજ્જરને કેનેડાના સરેમાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. 

અગાઉ પણ મંદિરો પર હુમલા થયા છે

આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં ઘણી વખત સામે આવ્યા છે, જ્યારે મંદિરો પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં ઓન્ટારિયો પ્રાંતમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 

Share: