કેદારનાથઃ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક, શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ

કેદારનાથઃ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક, શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ


– કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે અને તે ઉત્તરાખંડમાં સ્થિત 4 ધામોમાંથી એક છે તથા આદિ શંકરાચાર્યે જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો

નવી દિલ્હી, તા. 05 નવેમ્બર, 2021, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના દર્શન માટે પહોંચ્યા છે. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો અને ત્યાર બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને ત્યાંના વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. 

વડાપ્રધાને કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આદિ શંકરાચાર્યે જ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આદિ શંકરનો જન્મ કેરળ ખાતે થયો હતો. 

વડાપ્રધાન મોદી જ્યારે કેદારનાથ ખાતે પૂજા કરી રહ્યા હતા તે સમયે ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં પણ પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યો હતો. 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં કેદારનાથ ધામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ જોયું હતું. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. તે ઉત્તરાખંડમાં સ્થિત 4 ધામોમાંથી એક છે. આદિ શંકરાચાર્યે જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વર્તમાન કેદારનાથ મંદિર પાંડવોના મંદિરની બાજુમાં સ્થિત છે. 

ઉત્તરાખંડના રાજ્યપાલ રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ ગુરમીત સિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી દેહરાદુન એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીને રીસિવ કરવા માટે ગયા હતા. 

Share: