×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાબુલઃ પંજશીર પર કબજાની ઉજવણી કરી રહ્યા હતા તાલિબાની, હવાઈ ફાયરિંગમાં અનેક લોકોના મોત


- ઓપરેશન રૂમમાં જગ્યા ન હોવાના કારણે એક વ્યક્તિનું ઈમરજન્સી રૂમમાં ઓપરેશન કરવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સ્થિતિ કેટલી હદે ખરાબ છે તે કોઈનાથી અજાણ્યું નથી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અફઘાનિસ્તાન છોડવા પ્રયત્નો કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ક્યારે જીવ જતો રહે તેની કોઈને ખબર નથી. ગત રાતે પણ આવી જ એક ઘટના બની હતી. પંજશીર પ્રાંત પર કબજાના દાવા બાદ તાલિબાની આતંકવાદીઓ હવાઈ ફાયરિંગ કરીને મજા માણી રહ્યા હતા. 

એક અહેવાલ પ્રમાણે તાલિબાનની આ ઉજવણી દરમિયાન બાળકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને કેટલાય લોકો ઘાયલ થયા. તાલિબાનનો દાવો છે કે, તેણે પંજશીર પ્રાંતને પોતાના કબજામાં લઈ લીધું છે. જોકે રેઝિસ્ટેન્સ ફોર્સીઝ (વિદ્રોહી જૂથો) આ દાવાને નકારી રહ્યા છે. સાથે જ તેમણે તાલિબાનને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો પણ કરી રહ્યા છે. 

તાલિબાનના ફાયરિંગ બાદ ત્યાંની હોસ્પિટલ્સમાં લોકો અનેક ઘાયલોને લઈને સારવાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર્સ ભરાયેલા દેખાયા હતા. ભારે મહેનતથી લોકોને હોસ્પિટલ્સમાં સારવાર આપવામાં આવી હતી. એવી એક તસવીર પણ સામે આવી હતી કે, ઓપરેશન રૂમમાં જગ્યા ન હોવાના કારણે એક વ્યક્તિનું ઈમરજન્સી રૂમમાં ઓપરેશન કરવામાં આવ્યું. 

ઉલ્લેખનીય છે કે, પાછલા અનેક દિવસોથી પંજશીર પ્રાંતમાં અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ તાલિબાન સામે મોરચો માંડીને બેઠા છે. શરૂઆતના અમુક દિવસો સુધી તાલિબાન અને મસૂદ વચ્ચે વાતચીતનો દોર ચાલ્યો પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. ત્યાર બાદ તાલિબાને પંજશીર પર કબજો જમાવવા માટે પોતાના ફાઈટર્સને મોકલી દીધા.