કાણાવાળો ફુગ્ગો, સોપારીબાજ, ગેંગસ્ટરઃ શિવસેનાએ રાણે પર ભરપૂર માછલા ધોયા

કાણાવાળો ફુગ્ગો, સોપારીબાજ, ગેંગસ્ટરઃ શિવસેનાએ રાણે પર ભરપૂર માછલા ધોયા

મુંબઈ,તા.તા.25 ઓગસ્ટ 2021,બુધવાર

કેન્દ્ર સરકારના મંત્રી નારાયણ રાણે દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના નિવેદન પર મહારાષ્ટ્રમાં ઘમાસાણ મચી ગયુ છે.

શિવસૈનિકોએ મચાવેલા ઉત્પાત વચ્ચે રાણેની ગઈકાલે આ નિવેદન બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પણ મળી ગયા છે. જોકે શિવસેનાના મુખપત્ર સામનામાં હવે રાણે સામે આગ ઝરતો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

જેમાં લખવામાં આવ્યુ છે કે, શિવસેનાના સહારે રાજકારણમાં આગળ આવેલા રાણે શિવસેના છોડ્યા બાદ ચાર વખત લોકસભા અને વિધાનસભા હાર્યા છે. રાણે એક કાણા વાળા ફુગ્ગા જેવા છે.જેમાં ગમે તેટલી હવા ભરવામાં આવે પણ તે ઉપર નહીં જાય. ભાજપે આવા ફુગ્ગાને ફુલાવવાનુ નક્કી કર્યુ છે. કેટલાક લોકો રાણેને દેડકાની ઉપમા આપે છે. રાણે નોર્મલ છે કે એબ્નોર્મલ તેની તપાસ થવી જોઈએ.

શિવસેનાએ વધુમાં કહ્યુ છે કે, પીએમ મોદી પોતે પોતાને ફકીર અને પ્રધાન સેવક ગણે છે પણ રાણે કહે છે કે, હું સામાન્ય માણસ નથી પણ મંત્રી છું. સંસ્કાર સાથે નારાયણ રાણેને કોઈ લેવા દેવા નથી. રાણે કેન્દ્રીય મંત્રી ભલે બન્યા હોય પણ તેમનુ વર્તન ગેંગસ્ટર જેવુ છે.

આ લેખમાં કહેવાયુ છે કે, મહારાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં સામેલ બે મંત્રીઓ મજાકનો વિષય બની ગયા છે. એક મંત્રી રાવ સાહેબ દાનવેએ પીએમ મોદીની તુલના બળદ સાથે કરી હતી અને બીજા મંત્રી રાણે બેફામ નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કાનની નીચે આપીશ… તેવુ કહીને રાણેએ મુખ્યમંત્રીપદનુ  અપમાન કર્યુ છે. આવા નકામા માણસને ભાજપે દત્તક લીધો છે. આ મામુલી વ્યક્તિને શિવસેનાએ મંત્રી પદ આપ્યુ હતુ અને એ પછી આ જ વ્યક્તિએ શિવસેનાના પીઠમાં ખંજર ભોંક્યુ હતુ. શિવસેના પર કિચડ ઉછાળવાના ઈનામ તરીકે રાણેને મંત્રીપદ અપાયુ છે.

સામનામાં ચેતવણી આપવામાં આવી છે કે, ભાજપ ભલે રાણેના નિવેદન બદલ હાથ અધ્ધર કરી દે પણ આવા સુપારીબાજોની મહારાષ્ટ્રમાં આરતી ઉતારવામાં નહીં આવે અને આ પ્રકારના નિવેદનો સહન નહીં કરી લેવાય.

Share: