કલ્યાણ સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કરનારા AMUના વાઈસ ચાન્સેલરની ટીકા, કેમ્પસમાં લાગ્યા પોસ્ટર્સ

કલ્યાણ સિંહના અવસાન અંગે શોક વ્યક્ત કરનારા AMUના વાઈસ ચાન્સેલરની ટીકા, કેમ્પસમાં લાગ્યા પોસ્ટર્સ


– પોસ્ટરમાં લખ્યું હતું કે, કલ્યાણ સિંહ ન ફક્ત બાબરી ધ્વસ્તના અપરાધી હતા પણ તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કર્યું હતું અને આ રીતે શોક વ્યક્ત કરીને કુલપતિએ અલી બિરાદરીનું અપમાન કર્યું 

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અવસાનને લઈ શોક વ્યક્ત કરનારા અલીગઢ યુનિવર્સિટીના કુલપતિની ટીકા થઈ રહી છે. સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં એએમયુના કુલપતિ તારિક મંસૂરની નિંદા કરતા પોસ્ટર્સ પણ ચોંટાડવામાં આવ્યા હતા. તેમાં લખવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પૂર્વ સીએમના અવસાન અંગે આ રીતે શોક સંવેદના વ્યક્ત કરવી તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારૂ છે. તે એએમયુની પરંપરા અને સંસ્કૃતિની પણ વિરૂદ્ધ છે.

પોસ્ટરમાં આગળ લખ્યું હતું કે, કલ્યાણ સિંહ ન ફક્ત બાબરી ધ્વસ્તના અપરાધી હતા પણ તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ રીતે શોક વ્યક્ત કરીને કુલપતિએ અલી બિરાદરીનું અપમાન કર્યું છે. અલીગઢ આંદોલન ન્યાય અને નિષ્પક્ષતામાં વિશ્વાસ રાખે છે. જોકે, યુનિવર્સિટી પ્રશાસને મંગળવારે તે પોસ્ટર્સ દૂર કરાવી દીધા હતા. 

શરારતી તત્વોનું કારનામુ

યુનિવર્સિટીના પ્રોક્ટર પ્રો. વસીમ અલીના કહેવા પ્રમાણે આ હરકત કોઈ શરારતી તત્વ દ્વારા કરવામાં આવી છે. કોરોનાના કારણે હાલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ નથી અને આખુ કેમ્પસ ખાલી છે. કોઈ શરારતી તત્વએ કેમ્પસમાં 2-3 જગ્યાએ આ પ્રકારના પોસ્ટર ચોંટાડવાની હરકત કરી છે. હાલ આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે અને જાણ થતાં જ તે પોસ્ટર દૂર કરી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા મુદ્દે તેમણે જણાવ્યું કે, તે પ્લેટફોર્મ પર કોઈ પણ વ્યક્તિ પોતાનો વિચાર રજૂ કરી શકે છે. જો તે કાયદાની હદમાં આવતું હશે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

Share: