કર્ણાટક ચૂંટણી : એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ પણ JDS કિંગમેકરની ભૂમિકામાં આવી શકે

કર્ણાટક ચૂંટણી : એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ પણ JDS કિંગમેકરની ભૂમિકામાં આવી શકે

બેંગાલુરુ, તા.10 મે-2023, બુધવાર

કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં રેકોર્ડ 65.69 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે હવે પરિણામો પહેલાની ઉત્સુકતા જોવા મળી રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવવા 113 બેઠકો જીતવી જરૂરી છે. ત્યારે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના સર્વે જાહેર થવાના શરૂ થયા છે. 224 વિધાનસભા બેઠકમાંથી કોને કેટલી સીટો મળશે તે અંગેના એક્ઝિટ પોલના સર્વે સામે આવ્યા છે. કર્ણાટકમાં કોણ જીતશે કમળ, પંજો કે જેડીએસ ? તેની ચર્ચા ચોમેર થવા લાગી છે. શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? એક્ઝિટ પોલના તારણ મુજબ કર્ણાટકમાં કોની સરકાર બનશે? ત્યારે જોઈએ એક્ઝિટ પોલના સર્વે મુજબ કયા પક્ષને કેટલી બેઠકો મળવાની સંભાવના છે. 

એક્ઝિક પોલ અનુસાર કર્ણાટકમાં આ વખતે જનતાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. બીજી તરફ ભાજપ પણ એક્ઝિટ પોલ પ્રમાણે આગળ હોવાનું કેટલાક સર્વેમાં સામે આવ્યું છે, પરંતુ જેડીએસ આ વખતે પણ કિંગમેકરની ભૂમિકા ભજવે તેવી સ્થિતિ એક્ઝિટ પોલના તારણોમાં જોવા મળી રહી છે. આજે 65.69 ટકા મતદાન થયું છે, જે છેલ્લી પાંચ ચૂંટણીઓ કરતા ઓછું છે, જેનાથી નિષ્ણાંતોનું એવું માનવું છે કે, આ વખતે એકપણ રાજકીય પાર્ટીને બહુમત મળવાની શક્યતાઓ નથી. બીજી તરફ રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીની રેલીઓ તથા ભાજપની એન્ટીઈન્કમબન્સીને જોતા લોકોમાં કોંગ્રેસ તરફી ઝુકાવ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. આજે આવેલા એક્ઝિટ પોલમાં ભલે કોંગ્રેસ આગળ હોય, પરંતુ પરિણામના દિવસે જેડીએસ કિંગ મેકર બની શકે છે અને કોના પક્ષમાં બેસે તે મહત્વનું રહેશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી Exit Poll-2023

ઝી ન્યૂઝ

  • ભાજપ – 79-94
  • કોંગ્રેસ – 103-118
  • જેડીએસ – 25-33
  • અન્ય – 2-5

TV9 ભારત

  • ભાજપ – 88-98
  • કોંગ્રેસ – 94-108
  • જેડીએસ – 24-32
  • અન્ય – 0-4

રિપબ્લિકન ટીવી

  • ભાજપ – 85-100
  • કોંગ્રેસ – 94-108
  • જેડીએસ – 24-32
  • અન્ય – 2-6

ન્યૂઝ એક્સ-જન કી બાત

  • ભાજપ – 94-117
  • કોંગ્રેસ – 91-106
  • જેડીએસ – 14-24
  • અન્ય – 0-3

કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

કર્ણાટકમાં 2615 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2430 પુરૂષો, 184 મહિલાઓ અને 1 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદારો નોંધાયા છે, જેમાંથી 11.71 લાખ મતદારોએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. રાજ્યમાં 2.66 કરોડ પુરૂષો અને 2.63 કરોડ મહિલાઓ છે. જ્યારે 5.71 લાખથી વધુ વિકલાંગ મતદારો અને 80 વર્ષ અને તેથી વધુ વયના 12.15 લાખ વરિષ્ઠ નાગરિકોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં 16000થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે.

કર્ણાટકમાં 65.69% મતદાન, રામનગરમમાં સૌથી વધુ 78.22% મતદાન

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધી 65.69% મતદાન નોંધાયું છે. રાજ્યના રામનગરમ જિલ્લામાં સૌથી વધુ 78.22 ટકા મતદાન નોંધાયું હતું. આ જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠકો છે.

કર્ણાટકમાં 10મી મેએ ચૂંટણી, 13 મીએ પરીણામ

કર્ણાટકમાં 10મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે 13મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. 

કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24મેના રોજ સમાપ્ત થશે

કર્ણાટકમાં મતદાન પૂર્ણ થયું છે.  24મી મે પહેલા 13 મેએ પરિણામ આવી જશે. કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે. જો કે કોઈ પક્ષને બહુમતી મળી નથી.

Share: