×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ, જેડીએસ કિંગમેકર બનશે


- એક્ઝિટ પોલનો વરતારો : કર્ણાટકમાં ભાજપને બહુમત નહીં મળે

- કુલ છમાંથી પાંચ એક્ઝિટ પોલે કોંગ્રેસને સૌથી મોટો પક્ષ જાહેર કર્યો, કેટલાકમાં પંજાને બહુમતનું પણ અનુમાન

- કર્ણાટકમાં સાંજ સુધીમાં 70 ટકા મતદાન, નારાયણ મૂર્તિ, દેવેગૌડા, નિર્મલા સિતારામન, બસાવરાજે મત આપ્યો

- ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ સરકાર કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનની બની હતી

બેંગલુરૂ : ૨૨૪ બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને શનિવારે પરીણામો જાહેર કરવામાં આવશે. જોકે તે પહેલા જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સૌથી મોટો પક્ષ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ક્રમે ભાજપ અને ત્રીજા ક્રમે જેડી(એસ) રહેશે. એટલે કે ભાજપને કર્ણાટકમાં બહુમત ન મળે તેવુ અનુમાન છે. જેડી(એસ) કિંગમેકર સાબિત થશે અને જેને સમર્થન આપશે તેની સરકાર બની શકે છે તેવો દાવો મોટા ભાગના એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. જોકે કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમત મળશે તેવું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.

કર્ણાટકમાં વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકો પર મતદાન થયું છે, તેથી જે પક્ષ ૧૧૩ બેઠકો મેળવશે તેની સરકાર બનશે. પરીણામો  પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ પર નજર કરીએ તો ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયાએ કોંગ્રેસને ૧૨૨થી ૧૪૦ બેઠકો સાથે બહુમત આપી છે, જ્યારે ભાજપને ૬૨થી ૮૦ બેઠકો અને જેડી(એસ)ને ૨૦-૨૫ બેઠકો મળવાનું અનુમાન છે. ન્યૂઝ ૨૪-ટૂડેના ચાણક્ય દ્વારા પણ કોંગ્રેસને ૧૨૦ બેઠકો સાથે બહુમત આપવામાં આવી છે, જ્યારે ભાજપને ૯૨ અને જેડી(એસ)ને ૧૨ બેઠકો મળવાનું અનુમાન છે. ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પક્ષ જનતા દળ (સેક્યૂલર)નું ચોક્કસ પરીણામ શનિવારે જાહેર કરવામાં આવશે. 

એબીપી ન્યૂઝ-સી વોટરના એક્ઝિટ પોલમાં દાવો કરાયો છે કે કોંગ્રેસ ૧૦૦થી ૧૧૨ બેઠક મેળવશે જે બહુમતની નજીક છે. જ્યારે ભાજપ ૮૩થી ૯૫, જેડી(એસ)ને ૨૧થી ૨૯ બેઠકો, રિપબ્લિક ટીવી-પી એમઆરક્યૂનું અનુમાન છે કે કોંગ્રેસને ૯૪થી ૧૦૮ બેઠક, ભાજપને ૮૩થી ૯૫ અને જેડી(એસ)ને ૨૪થી ૩૨ બેઠક મળી શકે છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ પણ કોંગ્રેસને ૧૧૦-૧૨૦, ભાજપને ૮૦થી ૯૦ બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરી રહ્યું છે. 

ગત ૨૦૧૮માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૦૪ બેઠકો મળતા સૌથી મોટો પક્ષ બન્યો હતો, જ્યારે કોંગ્રેસને ૮૦ અને જેડી(એસ)ને ૩૭ બેઠકો મળી હતી. એટલે કે ગત ચૂંટણીમાં કોઇ પક્ષને બહુમત નહોતી મળી તેથી બાદમાં કોંગ્રેસ અને જેડી(એસ)એ મળીને સરકાર બનાવવાની તૈયારી હાથ ધરી હતી. જોકે બીએસ યેદિયુરપ્પાએ બાદમાં ગઠજોડથી ભાજપની સરકાર માટે બહુમત હોવાનો દાવો કર્યો હતો પણ વિશ્વાસમત પ્રાપ્ત કરે તે પહેલા ત્રણ જ દિવસમાં તેમણે રાજીનામુ આપી દેવુ પડયું હતું. તેથી બાદમાં કોંગ્રેસ અને જેડી(એસ)ની સરકાર બની ગઇ હતી અને જેડી(એસ)ના કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા.  કોંગ્રેસ અને જેડી(એસ)નું ગઠબંધ લાંબુ નહોતુ ચાલ્યું અને ૧૭ ધારાસભ્યોના રાજીનામા પડતા ૧૪ મહિનામાં જ સરકાર જતી રહી હતી, તેથી બાદમાં ભાજપે સરકાર બનાવી હતી.  

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૭૦ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન રામાનાગરા મત વિસ્તારમાં ૭૮.૨૨ ટકા નોંધાયું હતું. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડા, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામણ (કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ), કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, મુખ્યમંત્રી બસાવરાજ બોમ્માઇ, પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા, સિદ્ધારામૈયા, ઉધ્યોગપતિ એન આર નારાયણ મૂર્તીએ મતદાન કર્યું હતું. ચૂંટણીના પરીણામો શનિવારે જાહેર કરવામાં આવશે.