કર્ણાટકઃ યેદિયુરપ્પાનું CM પદેથી રાજીનામુ, ભાવુક થઈને કહ્યું- હું હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું

કર્ણાટકઃ યેદિયુરપ્પાનું CM પદેથી રાજીનામુ, ભાવુક થઈને કહ્યું- હું હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું


– સોમવારે કર્ણાટકમાં ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઈ રહી છે

નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર

કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત હલચલ તેજ બની છે. સોમવારે બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. આજે જ કર્ણાટકમાં ભાજપની સરકારને 2 વર્ષ પૂરા થયા છે અને તેવા સમયે રાજીનામુ આપવામાં આવતા સૌ કોઈની નજર ભાજપ હવે રાજ્યની કમાન કોને સોંપશે તેના પર અટકી છે. 

બી.એસ. યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત સાથે જ પોતાને કર્ણાટકના લોકો માટે ઘણું કામ કરવાનું છે તેમ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણે સૌએ મહેનત સાથે કામ કરવું જોઈએ અને પોતે હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે તેમ પણ કહ્યું હતું. 

સોમવારે કર્ણાટકમાં ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઈ રહી છે અને બી.એસ. યેદિયુરપ્પા પણ સવારથી અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. 

બી.એસ. યેદિયુરપ્પા દ્વારા રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં પણ હલચલ તેજ થઈ છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટક પ્રભારી અરૂણ સિંહ સાથે ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ ઓબ્ઝર્વરના નામની જાહેરાત કરવામાં આવશે અને ત્યાર બાદ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. 

દિલ્હીમાં મોદી, નડ્ડા સાથે મુલાકાત

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના રાજકારણને લઈ લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો લગાવાઈ રહી હતી. તાજેતરમાં જ બી.એસ. યેદિયુરપ્પાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી. ત્યારથી યેદિયુરપ્પા પોતાનું પદ છોડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી હતી. 

જ્યારથી યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો તેજ બની હતી ત્યારથી લિંગાયત સમુદાયના લોકોનું બી.એસ. યેદિયુરપ્પાને મળવાનું ચાલુ હતું. તેવામાં આ મુલાકાતોને કેન્દ્રીય નેતૃત્વને આપવામાં આવી રહેલા એક મેસેજ તરીકે જોવામાં આવી રહી હતી. જોકે બાદમાં યેદિયુરપ્પાએ સ્પષ્ટતા કરી હતી કે જો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે તો પોતે રાજીનામુ આપી દેશે. 

ઉલ્લેખનીય છે કે, 2018ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી પરંતુ તે સરકાર એક જ વર્ષ ચાલી શકી હતી અને બાદમાં ભાજપે બી.એસ. યેદિયુરપ્પાની આગેવાનીમાં પોતાની સરકાર બનાવી લીધી હતી. 

Share: