કંગાળ પાકિસ્તાને ઇસ્લામાબાદ સ્થિત PM નિવાસસ્થાનને ભાડે આપવાની કરી ઘોષણા

કંગાળ પાકિસ્તાને ઇસ્લામાબાદ સ્થિત PM નિવાસસ્થાનને ભાડે આપવાની કરી ઘોષણા

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2021 સોમવાર

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું પાકિસ્તાન હવે જાણે સંપૂર્ણપણે નાદાર થઈ ગયું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખાડામાં ગઈ છે, અને તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે હવે પાડોશી દેશે પણ પોતાનું વડાપ્રધાન નિવાસ ભાડે આપવાની જાહેરાત કરી છે. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું સત્તાવાર નિવાસસ્થાન ભાડે આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

હકીકતમાં, ઓગસ્ટ 2019 માં, પાકિસ્તાનના શાસક પક્ષે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પીએમ ઇમરાન ખાને આ નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. પરંતુ હવે સરકારે યુનિવર્સિટી બનાવવાની યોજના મુલતવી રાખી છે.

એક રિપોર્ટ અનુસાર, આ યોજનાને સ્થગિત કર્યા બાદ હવે પીએમ આવાસ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાએ અહીં તેના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાનની ફેડરલ સરકારે હવે સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો માટે પીએમ નિવાસસ્થાન ભાડે આપવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઇસ્લામાબાદમાં પીએમ ઇમરાન ખાનનું આ નિવાસસ્થાન રેડ ઝોનમાં આવે છે.

પીએમ નિવાસસ્થાન પર નજર રાખવા અને ભાડે આપવા માટે બે સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ નિવાસસ્થાનની અંદર આયોજિત કાર્યક્રમો દરમિયાન પીએમ હાઉસ સંબંધિત શિસ્ત અને જાળવણી પર દેખરેખ રાખશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ફેડરલ કેબિનેટ ટૂંક સમયમાં જ પીએમના નિવાસસ્થાનથી થતી આવકની ચર્ચા કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. બજારમાં મૂડી રોકાણના અભાવે મોંઘવારી વધી રહી છે. આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સરકારે કર્મચારીઓને લોન લઈને પગાર ચૂકવવો પડે છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર ખાધ વધી છે, કારણ કે નિકાસમાં ઘટાડો અને આયાતમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને છે. મે મહિનામાં દેશમાં ફુગાવાનો દર 10.9 ટકાની ટોચ પર હતો.

Share: