ઓલિમ્પિકમાં મીરાબાઈએ ઈતિહાસ રચ્યો વેઈટલિફ્ટિંગમાં ભારતને સૌપ્રથમ સિલ્વર

ઓલિમ્પિકમાં મીરાબાઈએ ઈતિહાસ રચ્યો વેઈટલિફ્ટિંગમાં ભારતને સૌપ્રથમ સિલ્વર


ઓલિમ્પિકમાં ભારતને પહેલી વખત ‘ફર્સ્ટ ડે, ફર્સ્ટ મેડલ’ : વેઈટલિફ્ટિંગમાં 21 વર્ષ બાદ મહિલાએ જ મેડલ અપાવ્યો

ચાનુએ 49 કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં કુલ 202 કિગ્રા વજન ઊંચકીને બીજો ક્રમ હાંસલ કર્યો : ચીનની હોઉ ઝિહુઈએ 210 કિગ્રા વજન ઊંચકીને ગોલ્ડ મેળવ્યો

ભારતને છેલ્લે 2000ના સીડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ અપાવ્યો હતો

ટોક્યો : ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં કુલ મળીને 202 કિગ્રા વજન ઊંચકીને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની સાથે અનોખો ઈતિહાસ રચી દીધો હતો. ભારતે આ સાથે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની મેડલ ટેલીમાં સિલ્વર સાથે શરૂઆત કરી દીધી છે.

ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે સૌપ્રથમ વખત વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે આ ઈવેન્ટમાં ભારતને 21 વર્ષના લાંબા ઈંતજાર બાદ મેડલ હાંસલ થયો હતો. છેલ્લે વર્ષ 2000ના સીડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

મીરાબાઈની જીત પર આખો દેશ આફરીન થઈ ઉઠયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના રાજનેતાઓ, રમતવીરો, બોલીવૂડ સેલિબ્રિટીસ સહિતના દિગ્ગજોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતે આ સાથે સૌપ્રથમ વખત ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે મેડલ જીત્યો હતો. મીરાબાઈની ઈવેન્ટમાં ચીનની હોઉ ઝિહુઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કુલ 210 કિગ્રા વજન ઉંચક્યું હતુ, અને નવો ઓલિમ્પિક રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે ઈન્ડોનેશિયાની એઈસાહ વિન્ડી સાન્ટિકાએ 194 કિગ્રા વજન ઉંચકીને બ્રોન્ઝ હાંસલ કર્યો હતો. 

ટોક્યોના સિલ્વર સાથે મીરાબાઈએ પાંચ વર્ષ પહેલા રિયોમાં મળેલી નિષ્ફળતાનું કલંક પણ મીટાવી દીધું હતુ. રિયો ઓલિમ્પિકમાં મીરાબાઈના તમામ લિફ્ટમાં ફોલ્ટ નોંધાતા તે બહાર થઈ ગઈ હતી.  જોકે, આ વખતે તેણે શાનદાર દેખાવ કરતાં સિલ્વર સફળતા મેળવીને નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો હતો. મીરાબાઈ વર્ષ 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

વેઈટલિફ્ટિંગ 48 કિગ્રા વજન વર્ગમાં ટોપ થ્રી  

ખેલાડી

દેશ

વજન ઊંચક્યું

મેડલ

હોઉ ઝિહુઈ

ચીન

210 કિગ્રા

ગોલ્ડ

મીરાબાઈ ચાનુ

ભારત

202 કિગ્રા

સિલ્વર

એઈસાહ સાન્ટિકા

ઈન્ડોનેશિયા

194 કિગ્રા

બ્રોન્ઝ


મીરાબાઈની સિદ્ધિ બાદ ભારતીય ખેલાડીઓનો જુસ્સો બુલંદ

ઓલિમ્પિકમાં ભારતને હજુ પાંચેક મેડલ જીતવાની આશા

શૂટિંગ, કૂસ્તી, ટેનિસ, હોકી અને બોક્સિંગના ભારતના ખેલાડીઓ પર નજર

મીરાબાઇ ચાનુએ ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ ઐતિહાસિક સિલ્વર મેડલ ભારત માટે જીતી લઇને ભારતના અન્ય રમતોના ખેલાડીઓમાં પણ મેડલ જીતવાનું જોમ જગાડી દીધું છે. હવે ભારત માટે આવતીકાલથી બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ તેના મેડલ મિશનનો પ્રારંભ કરશે. જો કોઇ ચમત્કાર ન થાય તો ભારતને ગોલ્ડ મેડલ જીતવાની તક પી.વી. સિંધુ જ ધરાવે છે. 

સિલ્વર કે બ્રોન્ઝ વ્યક્તિગત શૂટિંગમાં મનુ ભાકર, કુસ્તીમાં બજરંગ પૂણીયા અને મહિલામાં વિનેશ ફોગાટ, બોક્સિંગમાં મેરી કોમ અને અમીત પંચાલ છે. મેન્સ હોકીની ટીમ પણ ઓસ્ટ્રેલિયા, જર્મની અને નેધરલેન્ડ જેવી મજબૂત ટીમ હોવા છતાં સિલ્વર કે બ્રોન્ઝ મેડલ જીતવા માટે સમર્થ મનાય છે. તેવી જ રીતે સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી મહિલા ડબલ્સમાં ચંદ્રક જીતી શકે છે.

Share: