×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એડવર્સ ઇવેન્ટ રિપોર્ટિંગ કમિટિનું પ્રાથમિક તારણ, જીગ્નેશનું મોત રસીથી નથી થયુ

વડોદરા,તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૧,રવિવાર

કોરોનાની રસી મુક્યાના ચાર કલાક બાદ વડોદરાના સફાઇ કર્મચારી એવા ૩૦ વર્ષના જીગ્નેશ સોલંકીના મૃત્યુ સંદર્ભે એસએસજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના નિષ્ણાંતોની એડવર્સ ઇવેન્ટ રિપોર્ટિંગ કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટિ મૃત્યુના સાચા કારણ અંગે તપાસ કરશે. 

હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરના અધ્યક્ષપદે  બનેલી આ કમિટીમાં ફાર્માકોલોજી, મેડિસિન, કાર્ડિઓલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, પલ્મોનરી સહિતના ૮ નિષ્ણાંતો એડવર્સ ઇવેન્ટ રિપોર્ટિંગ કમિટિમાં સામેલ કરાયા છે. ડો.રંજન ઐયરે કહ્યું હતું કે 'આવી કોઇ અસામાન્ય ઘટના બને ત્યારે તેની તપાસ માટે આ કમિટિનું ગઠન થાય છે. કમિટિએ  જીગ્નેશની મેડિકલ હિસ્ટ્રી મેળવી લીધી છે. તેણે શહેરની ખાનગી હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૬માં હાર્ટ એટેકની સારવાર કરાવી હતી તેના રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. રિપોર્ટ મુજબ તેના હૃદયના વાલ્વની પમ્પિંગ ક્ષમતા એટલે લોહી પરિભ્રમણ કરવાની તાકાત માત્ર ૩૨ ટકા હતી. તેને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જે બાદ તેણે દવાઓ રેગ્યુલર લેવી જોઇએ અને નિયમિત તપાસ કરાવવી જોઇએ તેના બદલે તે દવા પણ લેતો નહતો અને રેગ્યુલર તપાસ પણ કરાવતો ન હતો.

રસીની આડઅસર થવાની હોત તો શરૃઆતના અડધો કલાકમાં જ તેનુ રિએક્શન આવી જાત. ચાર કલાક પછી અસર થઇ છે એટલે પ્રાથમિક તબક્કે એવુ કહી શકાય કે જીગ્નેશના મોત માટે રસી જવાબદાર નથી તેમ છતાં અમે પેનલ પોસ્ટમોર્ટમનો નિર્ણય કર્યો છે. સોમવારે સવારે પોસ્ટમોર્ટ થશે જે બાદ સાચુ કારણ જાણી શકાશે.