'ઉદ્ધવ ઠાકરેને મરાઠાઓથી નફરત, એકનાથ શિંદેના કારણે જ શિવસેના બચી'

'ઉદ્ધવ ઠાકરેને મરાઠાઓથી નફરત, એકનાથ શિંદેના કારણે જ શિવસેના બચી'


– ઉદ્ધવ ઠાકરે પર બાલાસાહેબ ઠાકરેના વિચારો સાથે બેઈમાની કરવાનો અને તેમની પીઠમાં છરો ઘોંચવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ

મુંબઈ, તા. 03 સપ્ટેમ્બર, 2022, શનિવાર

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવાએ સરકાર બદલી નાખી છે અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી છે. આ બધા વચ્ચે ટીમ શિંદેના નેતા અને પૂર્વ મંત્રી રામદાસ કદંબે ખૂબ જ ચોંકાવનારા દાવાઓ કર્યા છે. 

રામદાસ કદંબ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે એક સમયે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેને છોડીને આખી શિવસેના ભાજપમાં જોડાવા માટે તૈયાર બેઠી હતી. આ સાથે જ તેમણે શિવસેનાના પ્રમુખ પર તેઓ બાલાસાહેબ ઠાકરેના આદર્શો પ્રમાણે ચાલવાના બદલે શરદ પવારની વાત માનતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 

NCPનું કોઈ મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા હતી

રામદાસ કદંબે જણાવ્યું કે, ‘અજીત પવાર સવારે 7:00 વાગ્યે મંત્રાલયમાં બેસતા હતા. શરદ પવાર સવારે 6:00 વાગ્યાથી કામ શરૂ કરી દેતા હતા. તેમણે મંત્રાલયમાં બેસીને એનસીપીના અનેક પૂર્વ ધારાસભ્યોને કરોડો રૂપિયાનું ફંડ આપ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે, એનસીપીનું કોઈ મુખ્યમંત્રી બને.’

કદમે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે કશું સાંભળવા તૈયાર નહોતા. શિવસેનાના તમામ ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા હતા. આ સાથે જ તેમણે એકનાથ શિંદેના કારણે જ બાલાસાહેબની શિવસેના બચી હોવાનો દાવો કર્યો હતો. 

ઉદ્ધવ ઠાકરેને મરાઠાઓથી નફરત

રામદાસ કદમે એવો આરોપ લગાવ્યો કે, ઉદ્ધવ ઠાકરે મરાઠાઓથી નફરત કરે છે. તેઓ માત્ર મરાઠા નેતાઓનો ઉપયોગ કરતા હતા. તેમને મરાઠી માણસ આગળ વધે તે પસંદ નહોતું. તેમણે ઉદ્ધવ ઠાકરે પર બાલાસાહેબ ઠાકરેના વિચારો સાથે બેઈમાની કરવાનો અને તેમની પીઠમાં છરો ઘોંચવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ એકનાથ શિંદે સાચી રીતે બાલાસાહેબના વિચારો પર કામ કરી રહ્યા છે તેમ પણ કહ્યું હતું. 

તેઓ પોતાને માલિક અને બીજાને નોકર સમજે છે

રામદાસ કદમે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે જ્યાં-જ્યાં સભા રકશે ત્યાં પોતે પણ સભા કરશે. પોતે સાચું દેશદ્રોહી અને દગાબાજ કોણ છે તે સત્ય લોકોને કહેશે તેમ પણ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે 3 વર્ષ સુધી તેમને બોલવા ન દીધા. ઉદ્ધવ ઠાકરે પોતાને માલિક અને બાકીનાઓને નોકર સમજે છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. 

Share: