×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ તો પોલીસ સ્ટેશન છે કે પછી કોઇ રિકવરી સ્ટેશન…?? : ગુજરાત હાઇકોર્ટ


- ખોટી રીતે કલમો ઉમેરવા મુદ્દે હાઇકોર્ટે પોલીસનો ઉધડો લીધો

અમદાવાદ,તા.30 નવેમ્બર 2022,બુધવાર 

રૂ.૪૨ લાખની ચોરીના એક કેસમાં આરોપી વિરૂધ્ધ ખોટી રીતે કલમો ઉમેરવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીએસઆઇ જે.એમ.ઝાલાનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન એક તબક્કે એટલી ગંભીર અને માર્મિક ટકોર કરી હતી કે, આ તો પોલીસ સ્ટેશન છે કે રિકવરી સ્ઠેશન...?? પીએસઆઇએ કઇ જોગવાઇ હેઠળ આ નવી ગંભીર કલમોનો ઉમેરો કર્યો અને શેના આધાર પર તે સહિતના મુદ્દે ખુલાસો કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ સમીર જે.દવેએ આ સમગ્ર મામલે ડીસીપી ઝોન-૧ પાસેથી પણ સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીએએસઆઇ ઝાલાની વર્તણંક અને કલમો ઉમેરવાના નિર્ણયને લઇ વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. 

સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીએસઆઇ ઝાલાની વર્તણૂંકને લઇ હાઇકોર્ટે ડીસીપી ઝોન- ૧ પાસે રિપોર્ટ માંગ્યો

હાઇકોર્ટે આજે પોલીસના વલણની બહુ ગંભીર શબ્દોમાં આલોચના કરી હતી. ખાસ કરીને જે રીતે પોલીસે આ કેસમાં અંગત રસ લઇ વધુ પડતી ગંભીર કલમો ઉમેરી આરોપીને કેસમાં સજા થાય અને તેને કોઇપણ સંજોગોમાં જામીન ના મળે તે પ્રકારના કરાયેલા પ્રયાસની ભારોભાર ટીકા કરી હતી.

રૂ.૪૨ લાખ ચોરીના એક કેસમાં આરોપીની જામીનઅરજીની સુનાવણી જસ્ટિસ સમીર જે.દવની કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે હાઇકોર્ટના ધ્યાન પર બહુ ગંભીર હકીકત આવી હતી કે, સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં નોંધાયેલા આ ગુનામાં જયારે એફઆઇઆર નોંધાઇ ત્યારે તો માત્ર આઇપીસીની કલમ-૩૮૧ અને ૧૧૪ હેઠળ જ ફરિયાદ નોંધાઇ હતી પરંતુ પાછળથી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.ઝાલાએ સક્ષમ કોર્ટ સમક્ષ આઇપીસીની કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૦૫,૪૬૮ અને ૪૭૧નો ઉમેરો કરવા મંજૂરી માંગી હતી.

જેથી હાઇકોર્ટ ચોંકી હતી. જસ્ટિસ સમીર જે.દવેએ સરકારી વકીલને પૃચ્છા કરી હતી કે, પીએસઆઇએ આટલી ગંભીર કલમો કાયદાની કઇ જોગવાઇ હેઠળ અને શેના આધાર પર ઉમેરવાનું પગલું લીધુ છે..? તેનો ખુલાસો કરો.

જસ્ટિસ સમીર દવેએ એક તબક્કે પોલીસના આ પ્રકારના વર્તણૂંકને લઇ એટલે સુધી ગંભીર આલોચના કરી હતી કે, આ તો વળી પોલીસ સ્ટેશન છે...કે કોઇ રિકવરી સ્ટેશન...?? હાઇકોર્ટે આ સમગ્ર મામલે પીએસઆઇ ઝાલાએ કઇ જોગવાઇ હેઠળ ખોટી રીતે આ પ્રકારે કલમો ઉમેરવાનો નિર્ણય કર્યો તે સહિતના મુદ્દે ડીસીપી ઝોન-૧ને બહુ મહત્ત્વનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે તા.૯મી ડિસેમ્બર સુધીમાં ખુલાસો સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરી દેવા પણ ડીસીપીને સ્પષ્ટ તાકીદ કરી હતી.