આસામ- મિઝોરમ સીમા વિવાદ : વિવાદિત સ્થળ પર અર્ધસૈનિક બળ તહેનાત કરાશે, ગૃહ મંત્રાલયની બેઠકમાં સમજૂતી

આસામ- મિઝોરમ સીમા વિવાદ : વિવાદિત સ્થળ પર અર્ધસૈનિક બળ તહેનાત કરાશે, ગૃહ મંત્રાલયની બેઠકમાં સમજૂતી

નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2021, બુધવાર

આસામ અને મિઝોરમ સરહદ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બુધવારે બંને રાજ્યોના પ્રતિનિધીઓ વચ્ચે ગૃહ મંત્રાલયમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ બંને રાજ્ય વાતચીતના માધ્યમથી આ વિવાદના સામાધાન માટે તૈયાર થયા છે. વિવાદિત જગ્યા પરથી બંને રાજ્યોની પોલીસને હટાવવામાં આવશે અને તે જગ્યા પર અર્ધસૈનિક દળોને તહેનાત કરવામાં આવશે. આસામ મિઝોરમ સીમા વિવિદને લઇને લગભગ અઢી કલાક ચાલેલી આ બેઠકની અંદર બંને રાજ્યોના ચીફ સેક્રેટરી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

બંને રાજ્યોની સીમા પર નેશનલ હાઇવે પાસે આવેલી વિવાદિત સ્થળ કેન્દ્રિય અર્ધસૈનિક દળોના વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં સૈનિકો તહેનાત કરવામાં આવેશે, તેવો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. જેમાં બંને રાજ્યોના પ્રતિનિધીઓ પણ સહમત થયા છે. આ સિવાય બંને રાજ્યો આગળ પણ આ રીતે વાતચીતના માધ્યમથી સમસ્યાના સામાધાનનો પ્રયાસ શરુ રાખશે. પોતપોતાના પ્રશ્નો એકબીજી સમક્ષ રજૂ કરશે.

તો આ તરફ આસામ પોલીસે બુધવારે જાહેરાત કરી છે કે જે લોકો પોલીસકર્મીઓને મારનાર લોકો વિશે માહિતિ આપશે, તેમને પાંચ લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવશે. આસામ પોલીસે આ વિવાદમાં ધોલાઇ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 120(બી), 447, 379, 333, 307, 302 અંતર્ગત ગુન્હો નોંધ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આસામ અને મિઝોરમની સીમા પર કછારમાં સોમવારે બંને રાજ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ બે જૂથો વચ્ચે દબાણને લઇને થયું હતું. ત્યારબાદ પોલીસે ફાયરીંગ કર્યુ હતું. આ ઘટનામાં છ પોલીસના જવાન પણ શહીદ થયા છે.

Share: