×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામઃ CM પદ સંભાળતા જ બોલ્યા હિમંત- લવ જિહાદ અને લેન્ડ જિહાદ અંગે આપેલા વચનો પૂરા કરીશું


- તેમની સરકાર બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં 20 ટકા અને અન્ય જિલ્લાઓમાં 10 ટકા રી-વેરિફિકેશનની પક્ષધર છે અને તેની માંગણી કરશેઃ હિમંત સરમા

નવી દિલ્હી, તા. 10 મે, 2021, સોમવાર

હિમંત બિસ્વ સરમાએ સોમવારે આસામના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આસામમાં સતત બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે અને સર્વાનંદ સોનોવાલને બદલે હિમંત બિસ્વ સરમાને તક આપી છે. મંગળવારે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક યોજાવાની છે. 

જો કે, હિમંત બિસ્વ સરમાએ સોમવારે જ શપથ ગ્રહણ બાદ એક મોટી જાહેરાત કરી હતી. હિમંત સરમાએ કહ્યું હતું કે, તેમની સરકાર ચૂંટણીમાં આપવામાં આવેલા તમામ વચનો પૂરા કરશે જેમાં લવ જિહાદ-લેન્ડ જિહાદ વિરૂદ્ધ કાયદો લાવવાની વાત પણ સામેલ છે. 

શપથ ગ્રહણ બાદ હિમંત બિસ્વાએ એનઆરસી મુદ્દે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, તેમની સરકાર બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં 20 ટકા અને અન્ય જિલ્લાઓમાં 10 ટકા રી-વેરિફિકેશનની પક્ષધર છે અને તેની માંગણી કરશે. 

આસામમાં કોરોના સંકટ મામલે તેમણે કહ્યું કે, સ્થિતિ ખૂબ જ બગડી રહી છે અને દૈનિક નવા કેસનો આંકડો 5,000 સુધી પહોંચી ગયો છે. પહેલી કેબિનેટમાં કોવિડ સંકટ મુદ્દે ચર્ચા થશે. 

ઉલ્લેખનીય છે કે, આસામની ચૂંટણીમાં CAA, NRC મોટો મુદ્દો બન્યો હતો, એક તરફ ભાજપે ઘૂસણખોરોને બહાર કાઢવાની વાત કરી હતી તો કોંગ્રેસે તેમની સરકાર બનશે તો CAA લાગુ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી. જો કે, ફરી એક વખત આસામમાં ભાજપની સરકાર જ બની છે. 

આસામમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યાર બાદ એક સપ્તાહ સુધી ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને મંથન ચાલ્યુ હતું. પરંતુ રવિવારે હિમંત બિસ્વ સરમાના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સોમવારે તેમણે પોતાના મંત્રીમંડળ સાથે શપથ પણ ગ્રહણ કરી લીધા હતા. શપથ ગ્રહણ સમારંભમાં સહભાગી બનવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પોતે ઉપસ્થિત રહ્યા હતા.