×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આણંદના ભાજપના ધારાસભ્યએ સુભાષચંદ્ર બોઝને ગણાવ્યા આતંકવાદી પાંખનો ભાગ

image- facebook


આણંદ, 23 જાન્યુઆરી 2023 સોમવાર

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓ પછી નામ આપવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે આણંદના ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા મોટુ ભોપાળું વાળ્યું હતું. તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. આ બાબતે કોંગ્રેસે સાયબર સેલમાં ધારાસભ્ય સામે ગુનો નોંધાવાની વાત કરતાં વિવાદ વધ્યો હતો અને થોડીવારમાં ધારાસભ્યએ આ પોસ્ટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. 



પોસ્ટ અંગે વિવાદ વધતાં ડિલીટ કરી નાંખી
આજે સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સુભાષચંદ્ર બોઝને જન્મ જયંતિની શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણિતા છે.અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતાં. અને સમાજવાદી નીતિઓની હિમાલય માટે જાણિતા હતાં. તેમની આ પોસ્ટમાં તેઓ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે. 



કોંગ્રેસે પોસ્ટને આપત્તિજનક ગણાવી
તેમની આ પોસ્ટ બાદ કોંગ્રેસ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સાયબર સેલમાં યોગેશ પટેલ સામે ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. યોગેશ પટેલની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ છે. કોંગ્રેસ દ્વારા આ પોસ્ટને ખૂબજ આપત્તિજનક ગણાવી છે. વિવાદ વધતાં જ યોગેશ પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ પોસ્ટ ડીલિટ કરી દીધી હતી અને તેની જગ્યાએ ફરીવાર એક નવી પોસ્ટ શેર કરી હતી. ત્યાર બાદ તેમણે પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં માફી માંગતું નિવેદન રજૂ કર્યું હતું.