આજથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, કેન્દ્ર સરકારની અનેક બિલ રજૂ કરવાની યોજના, ઘેરવા માટે વિપક્ષ તૈયાર

આજથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, કેન્દ્ર સરકારની અનેક બિલ રજૂ કરવાની યોજના, ઘેરવા માટે વિપક્ષ તૈયાર


– પરાળ સળગાવવાની ઘટનાઓ પર લગામ કસવા તેના માટેના વટહુકમને પણ કાયદાકીય વાઘા પહેરાવવાની તૈયારી

નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2021, સોમવાર

આજથી એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. સત્ર દરમિયાન કોરોનાની બીજી લહેર, મોંઘવારી અને ચીન સાથે સંકળાયેલા મુદ્દે હંગામો થવાની શક્યતા છે. તે સિવાય સરકાર અને વિપક્ષ વચ્ચે 2 વટહુકમોને લઈ તલવાર ખેંચાઈ શકે છે. એક તરફ વિપક્ષે એકજૂથ થઈ વિભિન્ન મુદ્દે સરકાર હુમલો કરવાની રણનીતિ બનાવી છે તો બીજી બાજુ સરકારે વિપક્ષના હુમલા સામે વળતો જવાબી હુમલો કરવા રણનીતિ બનાવી છે. 

સરકારની યોજના સત્ર દરમિયાન 14 નવા બિલ રજૂ કરવાની અને 3 વટહુકમો પર સંસદની મંજૂરી મેળવવાની છે. આ 3 વટહુકમો પૈકીના 2 પર પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. સરકાર આવશ્યક સંરક્ષણ સેવા વટહુકમ દ્વારા સેના માટે હથિયાર, ગોળાબારૂદ, વરદી બનાવતા શસ્ત્ર કારખાનાઓમાં હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે. તેમાં હડતાળ કરનારાઓ માટે 2 વર્ષની સજાની જોગવાઈ પણ છે. અનેક મજૂર સંઘ સાથે સંઘના આનુષંગિક સંગઠન ભારતીય મજૂર સંઘે પણ તેનો ભારે વિરોધ કર્યો છે. હવે સરકાર આ સત્રમાં તે વટહુકમને કાયદાકીય વાઘા પહેરાવવાની તૈયારીમાં છે. 

તે સિવાય સરકાર પરાળ સળગાવવાની ઘટનાઓ પર લગામ કસવા તેના માટેના વટહુકમને પણ કાયદાકીય વાઘા પહેરાવવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના ક્ષેત્રમાં પરાળ સળગાવવા માટેના વટહુકમમાં ભારે દંડ અને સજાની જોગવાઈ છે. ખેડૂત સંગઠનો લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે. 

Share: