આંતરકલહ: CM અમરિંદર સિંહે પ્રદેશ પ્રમુખ સિદ્ધુને લંચ પાર્ટી માટે આમંત્રણ ન આપ્યું

આંતરકલહ: CM અમરિંદર સિંહે પ્રદેશ પ્રમુખ સિદ્ધુને લંચ પાર્ટી  માટે  આમંત્રણ ન આપ્યું

નવી દિલ્હી, 19 જુલાઇ 2021 સોમવાર

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નવજોત સિંહ સિદ્ધુને પંજાબના પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી પણ પંજાબ કોંગ્રેસમાં બધું ઠીક ચાલી રહ્યું નથી. આ નિમણુકને લઇને અત્યાર સુધી મુખ્યમંત્રી અમરિંદર સિંહ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જોકે એક લંચના સમાચારે માહોલ ગરમ કરી દીધો છે.

પંજાબ CM કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે પંચકૂલામાં એક પાંચ સિતારા હોટલમાં બધા સમર્થકો, ધારાસભ્યો, સાંસદો અને અન્ય નેતાઓને આમંત્રણ મોકલાવ્યું છે. જોકે નવા પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુને લંચ પર બોલાવ્યા નથી. માનવામાં આવે છે કે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા પછી અમરિંદર સિંહ ઘણા નારાજ છે.

સિદ્ધુને જવાબદારી મળ્યા પછી લંચ ડિપ્લોમેસીને હાઇકમાન્ડ સામે ઘેરાબંધી તરીકે જોવામાં આવી રહી છે. આ લંચમાં દિલ્હીથી પણ કેટલાક કોંગ્રેસી નેતા સામેલ થશે. સૂત્રો જણાવે છે કે નિમણુક પહેલા રવિવારે પંજાબના 11માંથી 10 સાંસદોએ પત્ર લખીને સોનિયા ગાંધીને સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ ના બનાવવા પર ભાર આપ્યો હતો. સોનિયા ગાંધીએ બધા સાંસદો સાથે ફોન પર વાતચીત કરી હતી છતા સિદ્ધુને આ પદ પર યોગ્ય સમજ્યા છે.

કેપ્ટનના વિરોધી હોવા છતા પ્રતાપ સિંહ બાજવાએ આ મુદ્દે મૌન રહ્યા છે. બાજવાના ઘરે થયેલી બેઠકમાં હાજર રહેલા સાંસદ ગુરુજીત સિંહ ઔજલાએ સિદ્ધુને પ્રુખ બનવાના અભિનંદન પાઠવ્યા પણ બધાને સાથે લઇને ચાલવાની સલાહ આપી છે.

બીજી તરફ અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે લંચ પાર્ટીના સમાચારનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પંજાબના સીએમે રાજ્યના કોંગ્રેસી ધારાસભ્યો અને સાંસદોને 21 જુલાઇએ લંચ પર બોલાવ્યા છે. આ ખોટા સમાચાર છે. આ પ્રકારના લંચનો કોઇ પ્લાન બનાવ્યો નથી અને આમંત્રણ પણ મોકલ્યા નથી.

સૂત્રોએ જણાવ્યું છે કે સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી પંજાબ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આ ઘર્ષણની સ્થિતિ આગળ પણ ચાલું રહી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે કેપ્ટનની નારાજગીને કારણે કોંગ્રેસને પંજાબમાં પણ નુકસાન વેઠવું પડી શકે છે.

Share: