×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદે દેશનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ બનશે


- દિબાંગ નદી પર બનનારા પ્રોજેક્ટ માટે રૂ.32 હજાર કરોડની ફાળવણી  

- જી-20 વિદેશ મંત્રીઓની બેઠક વચ્ચે એસ. જયશંકરે ચીની વિદેશ મંત્રી કિન ગેંગ સાથે સરહદી વિવાદ સહિતના મુદ્દે ચર્ચા કરી

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશમાં દિબાંગ નદી પર ૩૨ હજાર કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ૨૮૮૦ મેગાવોટના આ પ્રોજેક્ટને પૂરો થવામાં નવ વર્ષનો સમય લાગશે. ચીન સરહદ નજીક બનનારા આ પ્રોજેક્ટથી અરૂણાચલ પ્રદેશનું વીજ ઉત્પાદન વધશે. દરમિયાન ચીનના વિદેશ મંત્રી સાથે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો અને સરહદી વિવાદ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

અરૂણાચલ પ્રદેશની દિબાંગ નદી પર ચીન સરહદે સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ હાથ ધરાશે. ૨૨૮૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા આ હાઈડ્રોપાવર પ્રોજેક્ટને નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ બનાવશે. એ માટે અંદાજે ૩૨ હજાર કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. પ્રોજેક્ટને બનતા નવ વર્ષ લાગશે. તેની ઊંચાઈ ૨૭૮ મીટર હશે. ચીન સરહદ નજીક ભારતનો આ સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ છે.

દરમિયાન જી-૨૦ વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. એ બેઠક વચ્ચે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે દ્વિપક્ષીય સંવાદ થયો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટરમાં કહ્યું હતું કે સરહદે શાંતિ સ્થાપવા માટે ચર્ચા કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે જે મુદ્દે મતભેદો અને સંઘર્ષ ચાલી રહ્યો છે તેની ચર્ચા થઈ છે. ભારત જી-૨૦ની યજમાની કરી રહ્યું છે તે એજન્ડા બાબતે પણ વાત થઈ છે. બંને દેશો સામે સર્જાયેલા પડકારો બાબતે વાતચીત થઈ હતી. સરહદી સ્થિતિ સામાન્ય કરવા પર ભાર મૂકાયો હતો. ત્રણ વર્ષથી લદાખ સરહદે બંને દેશના સૈન્ય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હિંસક અથડામણ પણ થઈ ચૂકી છે ત્યારે આ મુલાકાતમાં લદાખ સરહદે ચાલતો વિવાદ ઉકેલવા ચર્ચા થઈ હતી.

ડિસેમ્બર-૨૦૨૨માં કિન ગેંગે ચીન વિદેશમંત્રી બન્યા હતા. એ પછી તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે. જી-૨૦ દેશોના વિદેશ મંત્રીઓ ભારત આવ્યા છે, એ અંતર્ગત ચીનના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાતે આવ્યા છે. કિન ગેંગ અને એસ. જયશંકર વચ્ચે  પહેલી વખત વિદેશમંત્રી તરીકે સંવાદ થયો હતો.