અરવલ્લી ખાતે મુખ્યમંત્રીએ NFSA કાર્ડધારકોને લાભ સહિતની અનેક જાહેરાતો કરી

અરવલ્લી ખાતે મુખ્યમંત્રીએ NFSA કાર્ડધારકોને લાભ સહિતની અનેક જાહેરાતો કરી


– રાજ્યના 50 બસ મથકો ખાતે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ATM મુકવામાં આવશે

મોડાસા, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર

ગુજરાતમાં આ વર્ષે અરવલ્લીના મોડાસા ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરી રંગની પાઘડીમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અરવલ્લીમાં પ્રથમ વખત આ પ્રકારે રાજ્ય કક્ષા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રી ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના આ અવસર પર રાજ્યના નાગરિકોના લાભાર્થે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે જે નીચે મુજબ છે…

– રાજ્યના તમામ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડધારકોને પ્રતિ માસ કાર્ડ દીઠ રાહત દરે 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર 50 વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધારાશે.  

– રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં વર્તમાન આવક મર્યાદા રૂપિયા 10,000/- પ્રતિ માસમાં વધારો કરીને રૂપિયા 15000/- કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

– રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર જીરો એર પોલ્યુશન ધરાવતી ઈલેક્ટ્રીક બસ સંચાલનમાં મુકાશે. 

– રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરવા આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1,200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. 

– રાજ્યના 50 બસ મથકો ખાતે નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ATM મુકવામાં આવશે. 

– વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઈમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે. 

– એકતાનગર-કેવડીયા કોલોની ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા ધરાવતી 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 

Share: