અમેરિકી રાજદૂતની PoK યાત્રા, ભારતના અભિન્ન હિસ્સાને ગણાવ્યું આઝાદ જમ્મુ કાશ્મીર

અમેરિકી રાજદૂતની PoK યાત્રા, ભારતના અભિન્ન હિસ્સાને ગણાવ્યું આઝાદ જમ્મુ કાશ્મીર


– વિશ્લેષકોના કહેવા પ્રમાણે અમેરિકી રાજદૂતનું આ નિવેદન ચીન માટે એક જવાબ હોય તેવી પણ શક્યતા

નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર 2022, ગુરૂવાર

પાકિસ્તાનમાં તૈનાત અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે તાજેતરમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે તે સમગ્ર વિસ્તારને ‘આઝાદ જમ્મુ-કાશ્મીર’ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત સમગ્ર કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ માને છે. જોકે અમેરિકી દૂતની આ યાત્રા અંગે વિદેશ મંત્રાલયે હજું સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. 

અગાઉ એપ્રિલ મહિનામાં વિદેશ મંત્રાલયે અમેરિકી પ્રતિનિધિ ઈલ્હાન ઉમરની પીઓકે યાત્રાને સંકીર્ણ માનસિકતાવાળી રાજનીતિ ગણાવી હતી. જોકે છેલ્લા 3 વર્ષમાં કોઈ અમેરિકી પ્રતિનિધિમંડળની આ પ્રથમ યાત્રા છે. ઉમરે પોતાની યાત્રા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોના મુદ્દા ઉપરાંત કલમ 370ની નાબૂદી અંગે પણ નિવેદન આપ્યું હતું. 

અમેરિકી રાજદૂતની આ યાત્રાનો ઉદ્દેશ્ય પાકિસ્તાની વારસા અને સાંસ્કૃતિક સ્થળોને ફરી શરૂ કરવાનો હતો. આ સાથે જ 2005ના ભૂકંપ પીડિતો માટે અમેરિકી સહાયતાને ઉજાગર કરવાનો હતો. તે સિવાય તાજેતરમાં જ પાકિસ્તાનમાં આવેલા પૂરને ધ્યાનમાં રાખીને તેમણે પીઓકેની મુલાકાત લીધી હતી. 

કોઈ અમેરિકી અધિકારી દ્વારા પીઓકેની આ બીજી મુલાકાત છે. બ્લોમે સમગ્ર પીઓકેનો એજેકે (આઝાદ જમ્મુ અને કાશ્મીર- AJK) તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમનું આ નિવેદન ભારત સરકારની વિચારધારા અને સ્ટેન્ડના વિરૂદ્ધનું છે. ભારત માને છે કે, 1947માં આ ક્ષેત્ર ઉપર પાકિસ્તાને બળજબરીથી કબજો જમાવ્યો હતો. 

વિશ્લેષકોના કહેવા પ્રમાણે અમેરિકી રાજદૂતનું આ નિવેદન ચીન માટે એક જવાબ હોય તેવી પણ શક્યતા છે. ચીને ગત સપ્તાહે એવું નિવેદન આપ્યું હતું કે, અમેરિકાએ ચીન-પાકિસ્તાન સહયોગ વિરૂદ્ધ ટીકાઓ કરવાના બદલે પાકિસ્તાનના લોકો માટે કોઈ ફાયદાકારી કામ કરવું જોઈએ. 

Share: