અમિત શાહે પંજાબના CM પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ‘કેજરીવાલના પાયલટ બની ગયા ભગવંત માન’

અમિત શાહે પંજાબના CM પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ‘કેજરીવાલના પાયલટ બની ગયા ભગવંત માન’

ગુરુદાસપુર, તા.18 જૂન-2023, રવિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. શાહે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માન તેમનો તમામ સમય અરવિંદ કેજરીવાલ સાથે દેશભરમાં ફરવામાં વિતાવતા હોવાથી રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતી ખુબ જ કથળી રહી છે. ઉપરાંત તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, મને ક્યારેક આશ્ચર્ય થાય છે કે, ભગવંત માન મુખ્યમંત્રી છે કે, પાયલટ… નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થવાના પ્રસંગે ભાજપના જનસંપર્ક અભિયાન હેઠળ પંજાબમાં એક રેલી યોજાઈ હતી, જેમાં સંબોધન કરતા શાહે કહ્યું કે, મેં મારા જીવનમાં AAPના નેતૃત્વ હેઠળની આવી સરકાર જોઈ નથી, જે માત્ર ઠાલા વચનો આપે છે.

ભગવંત માન મુખ્યમંત્રી છે કે પાયલટ : અમિત શાહ

ભગવંત માન પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, મુખ્યમંત્રીનું માત્ર એક જ કામ છે… જો કેજરીવાલને ચેન્નાઈ જવું હોય તો તેઓ (માન) તેમને (કેજરીવાલને) ચેન્નાઈ લઈ જવા માટે વિમાનથી દિલ્હી જાય છે… જો તેમણે (કેજરીવાલને) કોલકાતા જવાનું છે, તો તેઓ (માન) વિમાન લે છે અને તેમને (કેજરીવાલને) કોલકાતા લઈ જાય છે…

કેજરીવાલના પ્રવાસની વ્યવસ્થા માન કરી રહ્યા છે : ગૃહમંત્રી

તેમણે કહ્યું કે, કેજરીવાલના દેશવ્યાપી પ્રવાસની વ્યવસ્થા પંજાબના મુખ્યમંત્રી કરી રહ્યા છે. હું હંમેશા વિચારું છું કે, તેઓ મુખ્યમંત્રી છે કે, પાયલોટ… તેમનો (માનનો) સંપૂર્ણ સમય કેજરીવાલના પ્રવાસમાં વિતે છે અને તેના પરિણાને પંજાબમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ કથળી રહી છે. અમિત શાહે કહ્યું કે, અહીંના લોકો સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે, જ્યાં ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, ત્યાં મુખ્યમંત્રી પાસે આ માટે કે ખેડૂતોની સમસ્યાઓ માટે સમય નથી.

Share: