અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું : દાયકામાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી

અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું : દાયકામાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી

– 9 શહેરમાં તાપમાન 43ને પાર : કંડલા 44.5 ડિગ્રી સાથે હોટેસ્ટ : આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ

– અમદાવાદમાં આજે તાપમાન 45 ડિગ્રી થવાની આગાહી : ઉનાળો આ વખતે પ્રારંભે જ ‘ટોપ ગિયર’માં 

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાએ પ્રારંભ સાથે જ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે રાજ્યના ૯ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર નોંધાયો હતો. ૪૪.૫ ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં ૪૪ ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા ૧૦ વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લા તેમજ કચ્છમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. 

અમદાવાદમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વખતે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ સર્જવાના મૂડમાં હોય તેમ જણાય છે. છેલ્લા ૧૦ વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. ૨૭ એપ્રિલ ૧૯૫૮ના ૪૬.૨ ડિગ્રી સાથે અમદાવાદમાં ઓલટાઇમ હાઈએસ્ટ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. ઉનાળાએ આ વખતે જે પ્રકારનો પ્રારંભ કર્યો છે એ જોતાં ૬૪ વર્ષ  જૂનો આ રેકોર્ડ પણ તૂટે તો નવાઇ નહીં. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં આગામી ૧૮ એપ્રિલ સુધી તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે જવાની સંભાવના નથી.

આજે અમદાવાદ-કંડલા ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ગાંધીનગર, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરામાં પણ તાપમાન ૪૩ ડિગ્રીને પાર થયું હતું. 

રાજકોટમાં ૪૩.૭ ડિગ્રી સાથે જ્યારે ગાંધીનગરમાં ૪૩.૮ ડિગ્રી સાથે  બે વર્ષ બાદ એપ્રિલમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

 હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં મોટા પરિવર્તન થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ ૩ દિવસ બાદ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. 

શનિવાર-રવિવારે અમદાવાદ-બનાસકાંઠા-પાટણ-સુરેન્દ્રનગર-મોરબી-પોરબંદર-જૂનાગઢ-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ગાંધીનગર-મહેસાણા-સાબરકાંઠા-રાજકોટ-અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. 

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી?

શહેર

ગરમી

કંડલા

૪૪.૫

અમદાવાદ

૪૪.૦

અમરેલી

૪૪.૦

જૂનાગઢ

૪૪.૦

ગાંધીનગર

૪૩.૮

પાટણ

૪૩.૮

ડીસા

૪૩.૮

રાજકોટ

૪૩.૭

વડોદરા

૪૩.૨

ભૂજ

૪૨.૪

ભાવનગર

૪૦.૬

પોરબંદર

૩૯.૮

સુરત

૩૪.૮


અમદાવાદમા છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી

વર્ષ

ગરમી

૫-૧૦ એપ્રિલ ૨૦૧૨

૪૧.૪

૨૯ એપ્રિલ ૨૦૧૩

૪૨.૪

૨૯ એપ્રિલ ૨૦૧૪

૪૩.૨

૨૮ એપ્રિલ ૨૦૧૫

૪૩.૩

૩૦ એપ્રિલ ૨૦૧૬

૪૩.૬

૧૪-૧૫ એપ્રિલ ૨૦૧૬

૪૩.૭

૩૦ એપ્રિલ ૨૦૧૮

૪૩.૧

૫-૨૯-૩૦ એપ્રિલ

૪૩.૭

૩૦ એપ્રિલ ૨૦૨૦

૪૩.૮

૨૭-૨૮ એપ્રિલ ૨૦૨૧

૪૨.૯

(*૨૭ એપ્રિલ ૧૯૫૮ના ૪૬.૨ સાથે ઓલટાઇમ હાઇએસ્ટ ગરમીનો રેકોર્ડ.)

Share: