અમદાવાદ સહિત રાજ્યમાં મેહુલિયાનો ધમધમાટ, હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત રાજ્યમાં મેહુલિયાનો ધમધમાટ,  હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી

તા. 30 જૂન 2023, શુક્રવાર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ જામી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઈકાલથી જ અમદાવાદમાં વરસાદી માહોલ 

ગઈકાલે સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું અને અનેક વિસ્તારમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. એટલું જ નહીં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા. જેના પગલે વાહનચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ શહેરમાં પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમદાવાદના થલતેજમાં ઘુંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન 

આજે સવારથી ફરી મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે જેમા અમદાવાદના સરખેજ હાઈવેના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલીક જગ્યા પર પાણી ભરવાના કારણે લોકો ફસાઈ ગયા હતા. હાઈવેના થલતેજ વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી જોવા મળી હતી. 

રાજ્યમાં આ પ્રમાણે વરસાદ નોંધાયો હતો. 

આ ઉપરાંત રાજ્યમાં બપોરના 4 વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતના વિવિધ શહેરોમાં આ પ્રમાણે વરસાદ નોધાયો છે. જેમા કચ્છ- અંજારમાં 8 ઈંચ તેમજ જામનગરમાં 8 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, કપરાડામાં પણ 5 ઈંચ તેમજ  વ્યારા, વંથલી અને ગાંધીધામમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આ બાજુ વિસાવદરમાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયુ હતું. અને રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. 

Share: