અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની, નશામાં ધૂત કાર ચાલકે દંપતીને ઉલાળ્યા

અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની, નશામાં ધૂત કાર ચાલકે દંપતીને ઉલાળ્યા

અમદાવાદ, 02 માર્ચ 2023, ગુરુવાર

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવ બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં નશામાં ધૂત એક કાર ચાલકે દંપતીને ઉલાળ્યા હતા. આ અકસ્માતમાં વૃદ્ધ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. 

કાર ચાલક કાર ખેતરમાં મુકીને ફરાર થયો હતો

અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતી BMW કારે એક દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તે બ્રિજ પરથી એક નશામાં ધૂત યુવાન પુરપાટ ઝડપે કાર હંકારીને આવતી પહેલા એક કાર સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં ચાલી રહેલા એક દંપતીને અડફેટે લીધુ હતું. આ અકસ્માત બાદ રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતો પણ કાર ચાલક કાર ખુલ્લા ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે કાર ખુબ જ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ મામલે ટ્રાફિલ પોલીસમાં ફરિયાદ નોંધાતા કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

કારની તપાસ કરતા દારુની બોટલો મળી આવી

આ અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ભાગી જતા બાદમાં કારની તપાસ કરતા કારની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારુની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું. 

Share: