×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘અદાણી-અંબાણી વિશે વાત કરવી એ PMનું અપમાન’ લોકસભાની નોટિસ મળ્યા બાદ બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી-2023, સોમવાર

લોકસભામાં જ્યારથી રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે, જ્યારેથી જોરદાર વિવાદ જોવા મળી રહ્યો છે. તે ભાષણ બાદ અસંસદીય ટિપ્પણી બદલ લોકસભા દ્વારા રાહુલ ગાંધીને નોટિસ પણ અપાઈ છે, ત્યારે આ નોટિસ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું છે કે, તેમણે સંસદમાં કઈપણ ખોટું કીધું નથી, લોકો ઈચ્છે તો ગૂગલ પણ જોઈ શકે છે.

PM મોદી-અદાણીના સંબંધો અંગે રાહુલના સંબોધન બાદ વિવાદ

રાહુલ ગાંધી કહે છે કે, કેટલાક દિવસે પહેલા મેં સંસદમાં PM મોદી અને અદાણીના સંબંધો અંગે એક સ્પીચ આપી હતી. મેં મારી વાત ખૂબ જ શાંતિથી અને નમ્રતાથી રજૂ કરી હતી, કોઈ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો નહોતો. મારા તરફથી માત્ર કેટલાક તથ્યો રજૂ કરાયા હતા. મેં બતાવ્યું કે, કેવી રીતે અદાણી PM સાથે વિદેશ પ્રવાસ પર જતા હતા અને પછી તેમને મોટા કોન્ટ્રાક્ટ મળતા હતા. અદાણી દ્વારા કેવી રીતે 30 ટકા એરપોર્ટ ટ્રાફિક નિયંત્રિત કરવામાં આવે છે.

મારું ભાષણ એડિટ કરાયું : રાહુલ ગાંધીનો દાવો

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમનું સમગ્ર ભાષણ એડિટ કરાયું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે એવું લાગે છે કે અદાણી અને અંબાણી વિશે વાત કરવી એ PMનું અપમાન છે. હવે રાહુલે દલીલ કરી છે કે, સંબોધનમાં જો તથ્ય વગરની કોઈ વાત કરાઈ હોય તો તેવી વાતને જ સંબોધનમાંથી હટાવાય છે, જોકે તેમના તરફથી કરાયેલા તમામ નિવેદને તથ્યોના આધારે જ કરાયા છે.

ભાષણમાં PM સીધું મારું અપમાન કરી શકે છે, પરંતુ તેમના શબ્દોને હટાવાતા નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, PM મોદીએ લોકસભામાં તેમના વિશે ઘણું બોલ્યા, પરંતુ તેમના સંબોધનને બિનસંસદીય ટીપ્પણી માનવામાં આવી નહીં. આ અંગે તેમણે કહ્યું કે પીએમ કહે છે કે મારી અટક ગાંધી કેમ છે, નેહરુ કેમ નથી. એટલે કે PM સીધું મારું અપમાન કર્યું, પરંતુ તેમના શબ્દોને હટાવાતા નથી. તેનો અર્થ એ નથી કે સત્ય બહાર નહીં આવે. ભાષણ દરમિયાન મારો ચહેરો અને PM મોદીનો ચહેરો જોતા તો તેમણે કેટલી વાર પાણી પીધું, તેમના હાથ કેવી રીતે ધ્રૂજતા હતા. તેઓ વિચારે છે કે તેઓ શક્તિશાળી છે અને લોકો તેમનાથી ડરી જશે.

ઉલ્લેખનિય છે કે, નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરી હતી. તો બીજી તરફ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું હતું કે, નિયમ 380 હેઠળ રાહુલ ગાંધીના કેટલાક અસંસદીય, અપમાનજનક આરોપોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવા જોઈએ. ત્યાર બાદ જ નોટિસ જારી કરાઈ અને આ નવો વિવાદ શરૂ થયો.