હાસ્ય દર્પણ (January 2014)

સવાર થાય કે શાનાક્ર મણીના ઘરની અંદરથી ઘંટડીનો રણકાર સંભળાય. આ રણકાર લગભગ 1 કલાક ચાલે. અને એ ઘંટડી શાંત થાય પછી જ શંકરને ઘરવાળી મણી તરફથી ચ્હાનો પહેલો કપ મળે. આ શંકર અને મણી માસીના પિતરાઈ કુટુંબના એટલે વારે તહેવારે માસીને મળવાનું થાય.

શંકરે નવું ઘર રાખ્યું એ વખતે માસીને પહેલીવાર આમંત્રણ આપવા આવ્યા ત્યારે જ માસીને આ કજોડાની કોમેડી જિંદગીના દર્શન થયા હતા. તે વખતે શંકરે માસીને મણિની ઓળખાણ આપી.

‘માસી આ મારી ઘરવાળી મણી….. અખાના છાપ્પનો જીવતો જાગતો નમૂનો……’

‘ક્યાં છપ્પો?’ માસીએ પૂછ્યું.

‘અરે પેલો…. ‘ એક મૂરખને એવી ટેવ

પત્થર એટલા પૂજે દેવ

તુલ્સી દેખી તોડે પાન

પાણી દેખી કરે સ્નાન…..’

આ મારી મણી એવી છે. ભગવાનમાં માને. એનાથી વધારે જ્યોતિષમાં માને. એનાથીય વધારે આપણી કહેવતોમાં માને. મુહરત સિવાય કોઈ કામ કરવાનું નહી. ચાર રસ્તા પર વચ્ચેથી જવાનું નહી. ખરતો તારો જુએ તો કંઈ માંગવાનું. છીંક આવે તો દહીં ખાવાનું……

‘બસ લ્યા…. સમજી ગઈ. તારી મણી સોમવાર કરતી હશે. મંગળવારે માત્ર માગ ખાતી હશે. બુધવારે બે વાર બુધ ચાલીસા વાંચીને માત્ર ઘઉંની વસ્તુ ખાતી હશે ખરું ને મણી?’

‘હા માસી, બધું શાસ્ત્ર પ્રમાણે કરીએ, ચોઘડિયા પ્રમાણે વર્તીએ તો આ સારું થાય. તમને ખબર છે માસી કે આમને 32 વર્ષના થયા ત્યાં સુધી કોઈ મળ્યું નહોતું કે’ મણીએ ફરિયાદ ચાલુ કરી. અને શંકર સામે ખુલાસા કરવા માંડ્યા.

‘એતો હું પી.એચ.ડી.કરતો હતો એટલે મોડા લગ્ન કર્યા.’

‘ના હો એ તો એનો રાહુ અને કેતુનો મેળાપ થયો ને તમે મંગળવારે પુનમના દિવસે પાંચને પંદરે શુભમુહર્તમાં મને જોવા આવ્યા એટલે.’

‘ના એવું નહોતું.’

‘હા, એવું જ હતું. પાછો તમે ભૂરો રંગ પહેર્યો હતો ને મેં લાલ રંગ પહેર્યો હતો એટલે.’

‘હા એટલે મારી જીંદગી લાલ થઇ ગઈ.’

માસી બંનેને રોકે એ પહેલા શંકરે એમની લગ્નકથા કહેવા માંડી.

‘અરે માસી, એના મુહુરતની તો શું વાત કરું. હસ્તમેળાપ વખતે ગોર મહારાજે બૂમ પડી. ‘કન્યા પધરાવો સાવધાન’ મેળાપનો ટાઈમ હતો બપોરના 2 અને 12. આ મણીએ તૈયાર થવામાં વાર કરી. મુહુરત જતું રહ્યું. 2 અને 12 ની જગ્યાએ 3 વાગી ગયા. ગોર મહરાજે કહ્યું: ચાલશે, એના મામાએ કહ્યું: ચાલશે, એના ફોઈબાએ કહ્યું: ચાલશે, બધાએ કહ્યું: ચાલશે, પણ આણે કહ્યું નહી ચાલે. ને પછી અમે બધા બપોરના 2 અને 12 થી રાતના 12 ને 2 સુધી રાહ જોઈ ત્યારે એને પધરામણી કરી.’

‘એટલે તો આપણા લગ્ન આટલા ટક્યા. નહીંતો તરલીકા જેવું થાત.’

‘આ કઈ તરલીકા?’ માસીએ વચ્ચે મમરો મુક્યો.

‘અમારા ગામના સાયન્સ ટીચરની છોકરી. બાપા સાયન્સમાં માને એટલે ગ્રહોને જોયા વગર દીકરીના લગ્ન કરાવ્યા. અને બે વાર છૂટાછેડા લેવા પડ્યા.’

મણિની  આ વાત પર શંકરે પાણી ફેરવી મુક્યું.

‘ ના હોં માસી. એ તાર્લીકાના છૂટાછેડા ગ્રહોને લીધે નહીં એના દુરાગ્રહોને લીધે થયેલા.’

‘લ્યા, શંકર કેવા દુરાગ્રહો.’

‘પતિ પાસે આમ જ કરવું એવો આગ્રહ.’

નોકરી પરથી છ વાગે ઘેર આવી જ જવાનો આગ્રહ.

બાજુવાળી પડોશી બહેનો સાથે ન બોલવાનો આગ્રહ.

દર પગારે પાંચ પિક્ચર બતાવવાનો આગ્રહ.

હવે આ બધા આગ્રહોની વચ્ચે બિચારા આકાશના ગ્રહોનો શું ક્લાસ?

અને પછી માસીએ બંનેને મંદ શાંત પડ્યા હતા. નવા વર્ષે એ શંકર અને મણીને ત્યાં માસીને જવાનું હતું. એમના સગાને ત્યાં નવા વર્ષે બેબીશાવરનો કાર્યક્રમ હતો. એટલે માસી શંકરની સાથે પ્રસંગમાં જવા માટે નવા વર્ષે બપોરના બાર વાગે એમના ઘર આગળ પહોંચ્યા ને ફોન કર્યો.

‘લ્યા શંકર, મણી બહાર આવી જાવ. હું ગાડીમાં રાહ જોઉં છું.’

‘હા, આવ્યા માસી.’ એમ બોલી શંકરે મણીને બૂમ પાડી. સવારથી બોલ્યા કરતી હતી કે 1 ને 12 પહેલા શુભચોઘડીયામાં ઘરની બહાર નીકળી જવાનું છે. 12 વાગી ગયા હતા. ધોયેલા કપડામાંથી એક પેન્ટ શર્ટને ઈસ્ત્રી કરી શંકર તૈયાર થઈને બેઠો હતો. મણી પણ બહાર આવી. જેવા બંને ઉંબરાની બહાર પગ મુક્યા હતા કે મણી એ બૂમ પાડી.’

‘ઉભારો…. પહેલા જમણો પગ મુકો પછી ડાબો.’

‘અરે ભઈ, પહેલા જમણો પગ જ આગળ આવે છે. આટલા વર્ષોમાં તે મારા મનના શાસ્ત્ર પ્રમાણે બહાર જતી વખતે જમના પગને આગળ કરી મારા ડાબા જમણા પગ વચ્ચે અબોલા કરાવી દીધા છે. મારી ચાલ બદલાઈ ગઈ છે. લોકો હવે મને દૂરથી જોઇને કહે છે જુઓ પેલો જમણો ડાબો ચાલ્યો.’

‘સારું હવે-નીકળો બહાર, મુહુરત જતું રહેશે.’ એમ કહી મણીએ દરવાજો બંધ કરવા માંડ્યો. સહકાર થોડો આગળ વધે ત્યાંતો ‘મિયાઉ…..મિયાઉ…..’ કરતો એક બિલાડો આગળથી દોડી ગયો. ને મણીએ બૂમ મારી.

‘હેં…. માતેય….. માતેય….. માતેય….. ઘોર અનર્થ. બિલાડો આડો ઉતાર્યો.’

‘વાંધો નહીં. તું એની આડી ઉતર એટલે સાટું વાડી જશે.’

‘ના ચાલે…. ચાલો અંદર….. કપડાં બદલી નાખો.’

‘પણ મણી… આ એક જ જોડ…. ઈસ્ત્રી કર્યા હતા.’

‘તો બીજી જોડ કરીને પહેરી લો.’

‘તારે પણ કપડાં બદલવાં પડશેને…!’

‘ના… બિલાડો આડો ઉતર્યો એટલે તમને દોષ નડે. જાવ હવે…’

માસી બહાર બંનેની રાહ જોતા હતા. બિલાડાના આડા ઉતારવાથી શંકરના કપડા ઉતારી ગયા હતા. બીજી જોડ ઈસ્ત્રી કરી શંકર બહાર આવ્યો.

‘ચાલ હવે, 12-30 થઇ ગયા છે. માસી બહાર રાહ જુએ છે.’ મણીકાન્તા બહાર આવી. દરવાજા આગળ ઉંધી ઉભી રહી.

‘આ ઉંધી કેમ? આપણે આ બાજુ જવાનું છે.’

મણીએ ખુલાસો કર્યો. ‘એક વાર બિલાડો આડો ઉતર્યો હોય એટલે ત્રણ પગલા ઉંધા ચાલીને પછી આગળ વધવાનું. ચાલો… પહેલા તમારો જમણો…. હવે મારો ઊંધો એક, ઊંધો બે અને ઊંધો ત્રણ….’

મણી ત્રણ બોલી જેવી ફરી કે બીજીબાજુથી પેલા બિલાડાએ પછી તરાપ મારી ‘મિયાઉ…..મિયાઉ…..’ કહી દોડી ગયો. મણીએ બૂમ મારી. ‘હેં…. માતેય….. માતેય….. માતેય…..’

‘મણી વાંધો નહીં…..ચાલ અંદર જઈ કપડા બદલી આવું. મેં એક સાથે ત્રણ જોડી ઈસ્ત્રી કરી રાખી છે.’ શંકરે આશ્વાસન આપ્યું.

‘ના આ વખતે તમારે પહેલા નહાવું પડશે. બે વાર બિલાડો આડો ઉતર્યો એટલે બેવડું સંકટ…. જાવ નહિ આવો ને પછી ત્રણ ચમચી ખાંડવાળું દહીં આપું એ ખાઈને જઈએ.’ અને પછી શંકરે નાહીને ડાયેબીટીશ હતો છતાં ત્રણ ચમચી ખાંડવાળું દહીં ખાધું. લગભગ પોણો વાગી ગયો. આ વખતે બિલાડાને ભગાડવા શંકરે બહાર નીકળી ચારે બાજુ ડાઘિયા કુતરા જેવા અવાજો કર્યા. પછી જેવા બંને જણ પાછા જવા લાગ્યા કે બિલાડો ફરી પાછો ‘મિયાઉ…..મિયાઉ…..’ કરી દોડી ગયો. આ વખતે મણી કઈ બોલે તે પહેલાં શંકરે ત્રીજું નેત્ર ખોલી ને વાત કરી.

‘જો 1 ને 12 પહેલા નીકળી જવું હોય તો સીધે સીધી અંદર ચાલ. આગળનો દરવાજો બંધ કરી પાછળના દરવાજાથી બહાર નીકળી આગળ વધે ત્યાં પાછો બિલાડો આડો ઉતાર્યો…. મણીનું ‘માતેય….. માતેય….’ ચાલુ થઇ ગયું. માસી ત્યાં સુધી અંદર આવી ગયા હતા. એમને ખ્યાલ આવી ગયો. એમને ખ્યાલ આવી ગયો. એમને ઘરની આજુબાજુ ભ્રમણ કર્યું.

શંકર બોલ્યો ‘માસી….. આ બિલાડાને લીધે અપશકન।…..બેબીશાવાર રહ્યુંને મેં બે વાર શાવર લીધા.’ માસી હસવા લાગ્યા.

માસી આ બિલાડાને લીધે અપશકન અને તમે હસો છો?

બિલાડાને લીધે શુકન અપશુકન ના થાય….. આ બિલાડો આડો ઉતરતો હતો એનું કારણ હતું. પેલી બાજુ જો. એની બિલાડીએ બેબીશાવાર કર્યું છે એટલે બિલાડો બચ્ચા સાચવાવનો હતો…..

← ભવિષ્ય (January 2014)

Leave A Reply