દેશ અને દુનિયા (February 2014)

જાન્યુઆરી માસમાં જ ત્રણથી વધું બરફના તોફાનો અને શીતગારથી હાડ થીજવતી ઠંડીએ અમેરિકાને ભરડામાં લીધું છે. અમેરિકી અર્થકારણમાં હજી ચમક આવી નથી. સલામતીના વિવાદો, ગે-લેસ્બિયન પ્રતિબંધોના વાતાવરણ વચ્ચે રશિયાના શોચીમાં આ વાંચતા હશો ત્યારે ઓલમ્પિક રમતોની શરૂઆત થઇ ગઈ હશે.

બરાક ઓબામાં: રાત થોડી ને વેશ ઝાઝા: બરાક ઓબામાનું વાર્ષિક પ્રવચન ’2014: કામગીરી વર્ષ’ તરીકે ઉભરી આવ્યું. બરાક માટે હવે રાત થોડી ને વેશ ઝાઝા ની પરિસ્થિતિ છે. તેમના કાર્યકાળની બીજી મુદત આવતા વર્ષે  પૂર્ણ થશે. ભાવી રાષ્ટ્રપ્રમુખની ચુંટણીઓના નગારાં હવે વાગી રહ્યા છે, અને બરાકને પોતે ફરી ચૂંટાવાનું નથી, પરંતુ બુલડોઝર ચલાવીને, ભાવિ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારો માટે રાજમાર્ગ સમોસુતરો રાખવાની ફરજ તો તેમને પડશે જ.

આર્થિક અસમાનતાઓ અને ગરીબી સામે લડવા સુસજ્જ થવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને દેશને તેમને હાકલ કરી છે. સેનેટ અને કોંગ્રેસ જો તેમાં સહકાર નહીં આપે તો પોતાની સત્તા વાપરીને પણ આર્થિક અસમાનતા સામે બાથ ભીડવા પોતે તો પોતાની સત્તા વાપરીને પણ આર્થિક અસમાનતા સામે બાથ ભીડવા પોતે પગલાં લેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મૂડીરોકાણ માટે હવે ચીન નહીં, પરંતુ અમેરિકા વિશ્વનો દેશ છે તેવો સવો પણ તેમને કર્યો. દેશના લોકોને વધુ તકો ઉપલબ્ધ કરાવવા તેઓ વાયા. વોશિંગટનનો રસ્તો ચાતરી જરૂરી પગલાં લેવા પ્રતિબધ્ધ છે તેમ પણ જણાવ્યું.

લઘુત્તમ વેતન સંસદીય ગૃહો નક્કી કરે તે અગાઉ પોતાની સત્તા હેઠળના લશ્કર અને કેન્દ્ર સરકારની યોજનાઓમાં સંકળાયેલા કોન્ટ્રાકટરો અને તેમના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનનો દર $10.10 અમલી કરવાની જાહેરાત કરી.

ઓબામા અનુસાર મંદીના ગત ચાર વર્ષોમાં કોર્પોરેટ જગતમાં બહોળો નફો નહીં નોંધાયો હોવા છતાં અમીર અને ગરીબ વચ્ચેની આર્થિક ખાઈનું અંતર વધ્યું છે. સામાન્ય માનવીના જીવનનો સરળ અને સમૃદ્ધ કરવાનું અશક્ય બન્યું છે. વિકાસને વધુ વેગવાન બનાવવા અને માધ્યમ વર્ગને વધુ આર્થિક સક્ષમ બનાવવા આહવાન આપતાં તેમણે જણાવ્યું કે નવી તકો ઉપલબ્ધ કરાવવા નક્કર અને વાસ્તવિક પગલાં ભરવાં અનિવાર્ય છે. અમેરિકા ક્યારેય અટક્યું નથી, અને પોતે પણ નિર્ણય લેવા માટે રોકાઈ નહીં રહે.

રિપબ્લિકન પક્ષના ભારે અને સતત અવરોધ હોવા છતાં, સંસદના બંને ગૃહોમાં તેમની પાતળી બહુમતી હોવાના કારણે ઓબામા તંત્રના ઘણા ખરડા અમલી કરતાં અટકાવાય છે, અટવાઈ રખાયાં છે. પોતાના કાર્યકાળના ત્રણ વર્ષ બાકી હોવાથી રિપબ્લિકનો ઓબામાને કોરાણે રાખી મૂકે તેવી ધારણાઓ પણ છે.

તાજેતરમાં 16 લાખ લોકોના બેરોજગારી ભથ્થાંને સંસદે અટકાવ્યાં હતા, તેની સામે ઓબામાએ પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરી. બેરોજગાર લોકોને 73 સપ્તાહ સુધી ભથ્થું અપાય છે. તેનાથી અર્થકારણ ધબકતું. રાખવામાં રાહત મળે છે તેમ તેમણે કહ્યું હતું. છટણી કરાયેલ કર્મચારીઓને સરેરાશ 1166 ડોલર પ્રતિ માસ બેરોજગારી ભથ્થું ત્રણ તબક્કાઓમાં લગભગ દોઢ વર્ષ સુધી મળે છે.

રિપબ્લિકનો આ ભથ્થાને ‘ખેરાત’ ગણાવી કામ કરનાર વર્ગને આળસુ અને મફતિયા વૃત્તિના બનાવે છે તેમ માને છે. પ્રાથમિક શિક્ષણ અને યુનીવર્સીટી કક્ષાએ બેહતરીન શિક્ષણની હિમાયત કરી અને મહિલાઓને સમાન વેતન અને સમાન તકોની આવશ્યકતા ઉપર પણ ભાર મૂક્યો.

ઈમિગ્રેશન બીલ ઉપર નિષ્ક્રિય રહેલા રિપબ્લિકન પક્ષને આડે હાથે લઇ તેના ઉપર સક્રિય બનવા જણાવ્યું. આનાથી અમેરિકા આર્થિક રીતે વધુ આકર્ષક બનશે અને દરેક માટે રોજગાર ઉપલબ્ધ થશે. ગત વર્ષે ગેરકાયદે વસેલા દસ લાખ જેટલા લોકોને નાગરિકતા આપવાનો ખરડો ‘ડ્રીમ એક્ટ’ પસાર કરાયો હતો, જેને હજી કોંગ્રેસે પસાર કર્યો નથી.

વિદેશનીતિના મામલે ઓબામા ફિક્કા રહ્યા. વૈશ્વ પોલિસનું બદલાયેલું રૂપ હવે વિશ્વ પંચાયતી તંત્ર જેવું બનતું જતું હોય તેમ તેમના આ પ્રવચન પરથી લાગે છે. ઈરાકમાંથી લશ્કરી દળોની ઘર વાપસી અને 2014ના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વિદાય નિશ્ચિત છે. ત્રાસવાદીઓ માટેના વિશેષ કારાગાર ગોન્તાનમો બેને બંધ કરવાની જાહેરાત અને તેમના ઉપર અમેરિકી કાનૂન મુજબ કામ ચલાવવાની ઓબામાની વાત લંબે ગાળે નુકસાનકર્તા સાબિત થવાની છે. ત્રાસવાદીઓ ઉપર લશ્કરી કાનૂન પ્રમાણે જ કામ ચલાવવું જોઈએ તેવો પટ વ્યાપક છે. ઈરાન સાથે સમજૂતીભરી શરતોથી ‘અણુ બોમ્બ મુક્ત ઈરાન’ ની તેમની ધારણા છે. અહીં પણ સંસદના ગૃહોને, અને આડકતરી રીતે ઇઝરાયેલને ઓબામાએ ચીમકી આપતાં કહ્યું છે, જયારે ઈરાન વિશ્વસમુદાયની અણુ બોમ્બ મુક્ત ઈરાનની શરતોનું પાલન કરી રહ્યું હોય ત્યારે તેને તક આપવી જોઈએ, અને એ માટે બંને ગૃહોની ઉપરવટ જઈ પોતાની સત્તા વાપરશે. સિરિયાના સરમુખત્યારી અસદ શાસનને વિદાય કરવાનો પોતાનો નિર્ધાર તેમને વ્યક્ત કર્યો.

ચીન હવે  આર્થિક રીતે વિશ્વનું કેન્દ્ર નથી રહ્યું, એ સ્થાન અમેરિકાએ પુનઃ પ્રાપ્ત કર્યું છે તેમ જણાવી મૂડી રોકનારાઓ માટે અમેરિકાનું મહાત્મ્ય ઉજાગર કર્યું. પોતાના એક કલાકથી વધુ સમયના પ્રવચન દરમ્યાન ઓબામાએ ભારતના નામનો એક પણ વાર ઉલ્લેખ ન કર્યો. (કદાચ દેવયાની ખોબ્રાગડેના મામલે અમેરિકાનું આ પરિવર્તન જણાય છે. દેવયાની હવે અમેરિકાની સાબિત થયેલી ગુન્હેગાર છે! સ્વાર્થી અમલદારોની સામે ભારતીય રાજકારણીઓ ઘૂંટણીએ વળી જાય તે ભારતની શરમ જ છે. ભારતે અમેરિકા સામે બીજા અનેક મુદ્દે તેવર દેખાડવાના મોકા છે, પણ દેવયાની જેવા ગુન્હાહિત અમલદારોને પડખે લઈને ભારતે પોતાની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે, વૈશ્વિક રાજકરણના મોરચે ભારત નાદાન સાબિત થયું છે.)

મારી ભારતયાત્રા: 2014: સામાજિક કારણોસર બે વર્ષ બાદ ફરીથી ભારત જવાની તક મને મળી. મારા માટે નોળિયાની નોળવેલ જેવી શક્તિસંચારની ઘટના હોય છે. સ્વશિસ્તના અભાવ, ટ્રાફિકની અંધાધૂંધી અને ઝડપી બનતી જતી જીવનશૈલી સાથે ગોઠવાતાં એકાદ-બે દિવસ હવે લાગી જાય છે. બે વર્ષે મકાન ખોલીને રેહવાનું એટલે સાફસૂફી અને પછી લાઈટ, ફોનનાં કનેક્શન, ગેસના બાટલાની વ્યવસ્થા, પાણીની કાટ ખવાયેલી પાઈપને બદલવાની જધમારી જેવી ક્ષુલ્લક તકલીફોમાં ગોઠવતાં ચાર પાંચ દિવસ સ્હેજે વીતી જાય છે.

અંદાજે બે સપ્તાહની મારી યાત્રા ગુજરાતમાં 31મી ડીસેમ્બરે શરૂ થઇ અને વાયબ્રન્ટ કાઈટ ફેસ્ટીવલ સાથે પૂર્ણ થઇ. કાંકરિયા કાર્નિવલની પુર્નાહુતિનો ભવ્ય નજારો હજારો માણસોની ભીડમાં જોયો. પ્રજા અતિશય ઉત્સવઘેલી બની છે. કાઈટ ફેસ્ટીવલ અગાઉના વર્ષો કરતા વધુ ફિક્કો લાગ્યો. ‘જય હો’ ફિલ્મના પ્રમોશન માટે આવેલા સલમાન ખાનની આતુરતા કરતા વડાપ્રધાન બનવા થનગની રહેલા કનૈયા નરેન્દ્ર મોદી સલમાનની ઉપસ્થિતિથી વધુ રંગમાં હતા. સલમાન ખાનની જય હો તો પરાજય હો સાબિત થઇ ચુકી છે, અને ભાજપ શાસિત રાજસ્થાનમાં તેના ચિંકારા હરણના શિકાર કેસની સુનવણી પણ શરુ થઇ ગઈ છે. મોદી સાહેબની અસર રાજસ્થાનમાં કેટલી છે, તે સલમાનના કોર્ટ કેસના ચુકાદાથી જણાઈ આવશે. મોદી સાહેબની રંગીન ખ્વાબ્થી સજાવેલી ફિલ્મ ‘કિસ્સા વડાપ્રધાનપદ કી કુર્સીકા’ કેટલી સફળ નીવડશે તે આ વર્ષના મધ્યાંતરમાં જોવા મળશે.

દરરોજ સવારે નવો મુદ્દો વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, દોડે ગુજરાત, કાપે ગુજરાત, ભજે ગુજરાત, ઊંઘે ગુજરાતનો લઇ ને મોદી સાહેબ રાષ્ટ્રીય ફલક ઉપર છવાઈ રહ્યા છે. ઈતિહાસ બદલવાના માહિર બન્યા છે. ધીવાજી સુરતમાં માત્ર મોગલોને જ લુંટવા આવતા કે દેશમાં સમ ખાવાનાં શહીદ સ્મારકો નથી તેવા દાવા છાતી ઠોકીને કરી શકે છે.

કોંગ્રેસ નામના પક્ષનું અસ્તિત્વ છે કે કેમ તે ગુજરાતમાં તો જોઈ શકાતું નથી. કોંગ્રેસ ભવનથી રોજ સાંજના નિવેદનો મારફતે બીજા દિવસના અખબારમાં તેમની બેસણાની અને શ્રદ્ધાંજલિ આપતા હોય તેવા સમાચારો જાહેરાતોથી જ ખબર પડે કે હજી કોમમાં, પણ સ્થિર તબિયત સાથે કોંગ્રેસ ધબકતી છે.

ઉત્તરાયણમાં ગુજરાતની પ્રજાની રેઢિયાળ અને બેજવાબદાર માનસિકતા નજર આવી. ચીની બનાવટનાં એરબલૂન-તુકકલ છૂટા મુકવાની ઘટના ગુજરાતનો મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી. તુકકલ છાયા આકાશમાં તારા શોધવા પડે તેવા અદભૂત નજરો નયનરમ્ય લાગે છે, પરંતુ અત્યંત જોખમી અને મિલકતોને વ્યાપક નુકસાન કરનારો છે. પ્રતિબંધ હોવા છતાં, હજારોની સંખ્યામાં સમીસાંજથી આ એરબલૂન મોદી રાત સુધી છવાયેલાં રહે છે. ચીની પ્લાસ્ટિકની દોરીના કારણે સેંકડો પક્ષીઓ ઘાયલ થાય છે, પરંતુ અડધો ડઝન જેટલા માનવીઓ પણ ડોકાં કપાવી શહીદ બને છે! સ્કૂટર ઉપર યુ ટર્નવાળા સળીયાથી નિવારી શકાય તેવા સદા ઉપાય ન અપનાવતાં, પતંગો જીવલેણ સાબિત થાય છે.

અમદાવાદમાં રમેશ અને અનીતા, આલાપ તન્નાની આરએએ પોઝીટીવ મીડિયાના ઉપક્રમે મારા સન્માનનો લહાવો મને મળ્યો. વિદેશમાં ગુજરાતી ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરતા અમે આઠ મહાનુભાવોને તન્ના પરિવારે શાલ ઓઢાડી, સ્મૃતિચિન્હ આપીને નવાજ્ય। જાણીતા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના પ્રમુખસ્થાને અને ગુજરાતી લિટરરી અકાદમીના રામ ગઢવી તથા આણંદનીએજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીશ્રી ભાનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. સન્માન પામનાર અન્ય મહાનુભાવોમાં જાણીતા વાર્તાકાર, મમતા વાર્તા માસિકના તંત્રી મધુ રાય (ન્યુજર્સી), પ્રવાસ લેખિકા અને કવિયત્રી પ્રીતિ સેનગુપ્તા (ન્યુયોર્ક), સર્જક જાય ગજ્જર (ટોરન્ટો, કેનેડા) કવિ અને સર્જક પ્રીતમ લખલાણી (ન્યુયોર્ક), ગુજરાતી શીખો આંદોલનના જગદીશ વ્યાસ (ફ્લોરીડા), તથા ચાલો ગુજરાત ફેઈમ સુનીલ નાયક (ન્યુજર્સી) હતા.

બીજા દિવસે અન્ય કાર્યક્રમમાં તેમના દ્વારા જ સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડથી જાણીતા સર્વોદય કાર્યકર અને કર્મશીલ શ્રી સૂર્યકાન્ત પરીખને સન્માન્યા. ઇલાબેન ભટ્ટ (સેવા) ની ઉપસ્થિતિમાં એ કાર્યક્રમ હતો. સૂર્યકાન્ત પરીખ નાસા ફાઉન્ડેશનના ઉપક્રમે ‘પે એન્ડ યુઝ’ ટોઇલેટસની સુંદર કામગીરી ગુજરાતના અનેક મહત્વના સ્થળો પર સંચાલન કરે છે. ગુજરાત ફાઉન્ડેશન તેમના આ કાર્યમાં અમેરિકા સ્થિત દાતાઓના સંયોજનમાં મદદરૂપ બની સહભાગી બને છે. તેમને મારા અન્ય કર્મશીલ મિત્ર અને જાગૃત પીઢ પત્રકાર દેવશીભાઈ પટેલ સાથે ભારતની દરેક યાત્રા દરમ્યાન મળવાનું બને છે. શૌચાલય સંકુલ તેઓ યાત્રાધામ સોમનાથમાં ભવ્ય કહી શકાય તે સ્તરે બનાવવાના છે. અગાઉ અંબાજી, ડાકોર, વડોદરા, સિવિલ હોસ્પિટલ (અમદાવાદ), આંતરરાષ્ટ્રીય વિમાન મથક (અમદાવાદ), વગેરે સ્થળો પર વેશેષતઃ મહિલાઓ અને વૃદ્ધોને ઉપકારક એવાં આ સંકુલ બનાવેલાં છે. સુર્યકાન્તભાઈએ યુવાનીમાં વિનોબા સાથે તથા જમનાદાસ બજાજ અને જયપ્રકાશ નારાયણ સાથે વ્યાપક કામગીરી કરેલી છે. ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ સંઘ અને ગુજરાત ફાઉન્ડેશનની કામગીરીના કારણે એમની સાથેનો ઘરોબો જળવાઈ રહ્યો છે. તેમના પત્ની સ્વ. ગીતાબહેન મોટા ગજાનાં કવિયત્રી હતા. તેમનો પુત્ર આનંદ અને પુત્રવધુ અનુરાધા અમેરિકાના બોસ્ટનમાં સ્થિર થયેલ તબીબ દંપતિ છે. તેઓ પણ દર વર્ષે સારી એવી દાનની રકમ એકત્રિત કરી આ ‘શૌચ મંદિરો’ ના નિર્માણ માટે મોકલાવે છે.

જાણીતા પદયાત્રી સબળસિંહ વાળા અને પરિવાર સાથે ટુકી પણ યાદગાર મુલાકાત થઇ. તેમની કેનેડા-અમેરિકાની પદયાત્રાઓમાં યજમાન બનવાનો લહાવો મળ્યો હતો. તેમની નર્મદાની પરિક્રમા તાજેતરમાં પૂર્ણ થઇ, તે અનુભવોનું સુંદર પુસ્તક પણ તેમને પ્રકાશિત કર્યું છે.

સમલાયા પાસે મોટી ભાડોલ ગામમાં ફાર્મ ધરાવતા અને ઓર્ગેનિક ખાતર વાપરવાનો આગ્રહ રાખતા મારા પરિવારના રાજુ પટેલના ફાર્મ પર જવાનું દર મુલાકાતે બને છે. સાત વર્ષના વિકસિત મહોગની વૃક્ષોનો વિકાસ જોઈ આનંદ થયો. 400 જાંબુ, 4000 મોસંબી, 200 રાજાપુરી આંબા, 300 લીંબુ અને 23000 મહોગની વૃક્ષો સાથે સાઈઠ વીઘાં જમીનનું આ ફાર્મ પાવાગઢના તળેટી વિસ્તારમાં કૃષિ કામ સાથે સંકયાયેલા, રસ ધરાવનાર હર કોઈએ જોવા જેવું છે.

એક ટૂંકી મુલાકાત લખતર-હળવદના કપાસના સમૃદ્ધ વિસ્તારમાં પણ થઇ. ફરીથી એકવાર ગુજરાત-ભારત જ નહીં, એશિયાના સૌથી મોટા કપાસ ઉત્પાદક તરીકે ઉભરી રહ્યું છે. ખેડૂતોની આકરી જહેમત રંગ લાવી રહી છે. અત્યારે દસ-પંદર જીન સાથેનો વિસ્તાર અગામી પાંચ-દસ વર્ષમાં જ 50 થી વધુ જીન અને 500 જેટલા સ્પીનીંગ અને વીવીંગ એકમોથી ધમધમતો વિસ્તાર બની રહેવાનો છે. સાણંદ-લખતર સુધી ઓટોઝોન, લખતર-હળવદનો કોટન ઝોન અને રાજકોટનો ઓટો-એન્જીનીયરીંગ હબ ગુજરાત-સૌરાષ્ટ્રના આ ‘વાયા વિરમગામ’ ના ગઈકાલ સુધી અછૂત રહેલા વિસ્તારનો કયા કલાપ કરશે. હળવદના એક સેલ્ફ ફાઈનાન્સ શૈક્ષણિક વિશાળ સંકુલની મુલાકાત લીધી. યુવાન સંચાલકો શ્રી દિલીપભાઈ, શ્રી રજનીભાઈ, અને પરિવારજનો પોતે સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. આંખ ઠરે તેવું આ સંકુલ હળવદ-મોરબી-ધાંગધ્રાના ગરમીન વિસ્તારોમાં ઉપકારક બની રહ્યું છે. તેઓ મોરબી પાસે નવા સાદુળકામાં પણ એન્જીનીયરીંગ કોલેજ સાથેના શૈક્ષણિક સંકુલને વિકસાવી રહ્યા છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના રાફડા ફાટી નીકળ્યા છે ત્યારે આવી રણમાં મીઠા વીરડા જેવી સંસ્થાઓ ઉપકારક છે, જેની નોંધ લેવી રહી. આઇએસઓ-2000 જેવા સ્તરની કહી શકાય તેવી આ સંસ્થા ઝાલાવાડના અંતરિયાળ વિસ્તારમાં નિહાળી સુખદ આશ્ચર્ય થયું.

મારા અમદાવાદના પ્રવાસ દરમ્યાન સરદાર પટેલ સ્મારક, શાહીબાગમાં જવાનું બન્યું. ગુજરાત સરકારના ઓરમાયા દીકરા જેવી દશા આ ટ્રસ્ટની છે. ત્રણ વર્ષ કાનૂની દાવપેચમાં ધકેલ્યા બાદ ભારત સરકારના 17 કરોડ રૂપિયાના અનુદાનથી સમગ્ર વિસ્તારની કાયાકલ્પ થઇ છે. જો કે વિકલાંગો માટે પૂરતી હરીફરી શકાય તેવી વ્યવસ્થાનો અભાવ ખૂંચે છે. તેના પુસ્તકાલય અને વેચાણ કેન્દ્રની વ્યવસ્થા વધુ સારી અને ઉપરના ભાગમાં પ્રવેશ દ્વાર પાસે કદાચ તો આવકાર્ય ગણાશે. સારી કેન્ટીનની વ્યવસ્થા પણ આવશ્યક છે. પરંતુ વધુ સારા વિકાસ માટે, તથા સંશોધન કેન્દ્ર સહિત અભ્યાસ સંકુલ બનાવવા માટે ગુજરાત વિદ્યાપીઠના ડો. સુદર્શન આયંગર જેવા દીર્ઘદ્રષ્ટા વ્યક્તિત્વની સેવાઓનો ઉમેરો કરાય તો આવકાર્ય ગણાશે. સંસ્થાના અત્યારના ચેરમેન શ્રી દિનશા પટેલ પણ કુશળ વહીવટકર્તા છે. સરદાર પટેલની પ્રતિભાને સ્વાર્થી તત્વો ‘કોમોડેટી’ બનાવીને પ્રજાને ડફોળ બનાવી રહ્યા છે ત્યારે સરદારની અસલી ખુમારીને વધુ સારી રીતે ઉજાગર કરાય તે જરૂરી બન્યું છે.

ગુજરાત આળસ મરડીને બેઠી થઇ રહેલી વિકાસ સુંદરી જેવું લાગે છે. ઠેર ઠેર નવ નિર્મિત ઈમારતો, બાંધકામના કારણે થોડી અગવડ ઉભી કરતા, પણ ઉપયોગી એવા વિશાળ રાજમાર્ગો, પુલ, વિગેરેનાં આયોજનને આખરી ઓપ અપાઈ રહેલ છે. પ્રજાનું ખમીર અને ધીરજનાં આ ફળ છે. ગુજરાતનાં કેટલાંક બસ સ્ટેશને નવાં રંગરૂપ ધારણ કરી રહ્યા છે. બસ સેવાઓ સમયસર ચાલે છે. મોટા પાયે બસ સેવાઓમાં મૂડી રોકાણની આવશ્યકતા છે. ખાનગી રીક્ષાઓ કે જીપમાં હકડે ઠઠ મુસાફરો ભરીને હેરફેર થાય છે. ‘ખુશ્બુ ગુજરાત કી’ના છકડામાં બે થી ત્રણ ડઝન મુસાફરો ભરીને જીવના જોખમે આવ-જા કરે છે. શાળામાં બાળકો રીક્ષા, મારૂતિવાન, જેવાં વાહનોમાં એકબીજા પર ખડકાઈને અભ્યાસ માટે જાય છે. ગર્દાબાદ અમદાવાદ હવે વધુ આકર્ષક બન્યું છે. પરંતુ નડિયાદ જેવા શહેર સ્થાનિક નેતાઓની લાપરવાહીના ભોગ બની અવ્યવસ્થાના મથકો બન્યા છે.

અવસાન નોંધ: ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન એરિયલ શેરોન, દાઉદી ધર્મગુરુ ડો. સૈયદના, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના શ્રી ધીરુભાઈ ઠાકર, ફિલ્મી વ્યક્તિત્વ નાગેશ્વર રાવ, અવાજ (અમદાવાદ) સંસ્થાના ઇલાબહેન પાઠક, જાણીતા દાનવીર દીપચંદ ગાર્ડી, અમેરિકાના લોકગાયક અને સરકારી રસમો સામે અવાજ ઉઠાવનાર પીટ સીગર, દલિત પેંથર મુવમેન્ટના અને વિશ્વકવિ તથા દલિત સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરું નામ નામદેવ લક્ષ્મણ ઢસાલના અવસાન થયા છે. ઢસાલની આ પંક્તિઓ સાથે અ સર્વને શ્રદ્ધાંજલિ.

‘ આજ હમારા જો ભી કુછ હૈ, સબ તેરા હી હૈ, યહ જીવન, ઔર મૃત્યુ, યહ શબ્દ, ઔર જીભ,

યહ સુખ, ઔર દુઃખ, યહ સ્વપ્ન, ઔર યથાર્થ, યહ ભૂખ ઔર પ્યાસ, સમસ્ત પુષ્પ તેરે હૈ ‘

← આયુર્વેદ - દિનચર્યા (February 2014) હાસ્ય દર્પણ (February 2014) →

Leave A Reply