દલા તરવાડી નંબર બે (June 2014)

- નવો તરવાડી નવી વાર્તા

- રીંગણચોર તરવાડીની આ છે બીજી ચોરી ઃ ગાડું ભરીને દલાજી કરે તડબૂચની ચોરી

વાડી રે વાડી, શું કહો છો દલા તરવાડી,
તડબૂચ લઉં બે, ચાર અરે, લો ને દશબાર !

કૌન હૈ ચોર
કિસકો મારતા ?
દલા તરવાડી એક વખત ફાવી ગયા.
રીંગણચોર તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું. પકડાયા ખરા. પણ તેમની આદત ગઈ નહિ.
ચોરીની આદત પડે, પછી ઝટ જતી નથી.
આ બાજુ વશરામ ભૂવા સાવધ થઈ ગયા. તેમણે ખેતર પર એક રખેવાળ ગોઠવી દીધો. ચોકીદાર ચોકી કરે, પછી ખેતરમાં ચોરી શેની થાય ?
આ વખતે શેઠે ખેતરમાં તડબૂચ વાવી દીધાં. વરસાદ સારો પડી ગયો. અને કંઈ તડબૂચ થયાં….કંઈ તડબૂચ થયાં !
ખેતરમાં તો જાણે માય નહિ.
દલા તરવાડી રોજ એ જગાએથી ગાડું લઈ નીકળે. તડબૂચો જુએ. તેમને એમ કે, તડબૂચો મળી જાય તો મઝા જ મઝા. વાતે ય સાચી. રીંગણાં મળી જાય તો પછી તડબૂચ કેમ ના મળે ?
તેમણે ખેતરના રખેવાળ સાથે હાથ મિલાવી જોયા.
તેઓ પહેલાં કહે ઃ
વાડી રે વાડી
આવી ગયા તરવાડી
તડબૂચ લઉં બે-ચાર…
પણ આ વખતે રખેવાળ હતો. તેણે જ કહી દીધું ઃ
ડંડા પડશે બે-ચાર.
દલા તરવાડી રખેવાળની વાત સાંભળે. હસે. રાજી થાય. જતા રહે.
એક વખત ગાડું ઊભું કરી દીધું. તેઓ રખેવાળને પૂછે ઃ ‘શું પગાર મળે છે ?’
રખેવાળ કહે ઃ ‘દશ રૃપિયા.’
દલાજી કહે ઃ ‘એટલે એક તડબૂચ.’
‘એ વળી શું દલાજી ?’
‘એ જ કે એક તડબૂચ દશ રૃપિયામાં વેચાય છે. રોજના તમે હજાર તડબૂચ સાચવો તો તમને એક તડબૂચની કમાણી મળે.’
રખેવાળ કહે ઃ ‘તે શું છે તેનું ?’
દલાજી કહે ઃ ‘તમને બે તડબૂચ મળે તો ?’
રખેવાળ કહે ઃ ‘બે તડબૂચ એટલે ?’
દલાજી કહે ઃ ‘વીસ રૃપિયા. તમને વીસ રૃપિયા મળે તો ?’
રખેવાળ કહે ઃ ‘કોણ આપે ? વશરામ ભૂવો તો એક તડબૂચથી કંઈ જ વધારે આપે તેવો નથી !’
દલાજી કહે ઃ ‘એ ભૂવો વળી શું આપતો હતો ? હું આપું. બે તડબૂચ શું, પાંચ તડબૂચ આપું….’
રખેવાળ કહે ઃ ‘એટલે રોજના પચાસ રૃપિયા ?’
‘હા,’ દલા તરવાડી કહે ઃ ‘અને ઉપરથી વસરામજી રોજનું એક તડબૂચ તો આપશે જ….’
રખેવાળ કહે ઃ ‘એટલે છ તડબૂચ થયાં…’
દલાજી કહે ઃ ‘એથી ય વધારે થાય…’
રખેવાળ કહે ઃ ‘મારે કરવાનું શું ?’
દલાજી કહે ઃ ‘ચોકી કરવાની. હા, હું તડબૂચ ગાડામાં ગોઠવતો હોઉં, તે વખતે તમારે ચોકી કરવાની. વશરામ ભૂવા આવે તો તમારે ગીત ગાવાનું….’
‘ક્યું ગીત ?’
‘પેલું જ.’ દલા તરવાડીએ ગીત ગાઈને કહી દીધું ઃ
વાડી રે વાડી
હાંકજે તારી ગાડી
એ…આવી પહોંચી છે
(ભૂવાની ઘોડાગાડી.)
બરાબર બાજી ગોઠવાઈ ગઈ.
રોજ દલા તરવાડી પોતાનું ગાડું લાવે. ગાડું ભરીને તડબૂચ ગોઠવે. ગાડું બજાર તરફ જવા દે. તડબૂચના વેપારીને તડબૂચ વેચી દે.
રખેવાળને રોજનાં દશ તડબૂચ મળે એટલે કે સો રૃપિયા મળે. ઉપરથી માલિકનું એક તડબૂચ તો ખરું.
વશરામ શેઠ વખતો-વખત ખેતરે આવે. તડબૂચનો પાક નિહાળે. રાજી થાય !
વશરામ શેઠ આવે અને જો દલાજી ખેતરમાં હોય તો રખેવાળ ગીત લલકારી દે ઃ
વાડી રે વાડી
હાંકજે તારી ગાડી
એ….આવી પહોંચી છે
ભૂવાની ઘોડાગાડી.
અને દલાતરવાડી ગાડું હંકારી જાય કે છુપાઈ જાય !
શેઠ વશરામને પહેલાં તો ખબર પડી નહિ. પછી શંકા ગઈ કે તડબૂચ ઓછાં થતાં લાગે છે.
આગળ ઉપર તો વધારે ને વધારે તડબૂચ ઓછાં થતાં ગયાં.
તેમણે રખેવાળને ધમકાવી દીધો ઃ ‘એલા રામજી ! તડબૂચ શેનાં ઓછાં થાય ?’
રખેવાળ રામજી કહે ઃ ‘ઓછાં થાય શેનાં ? રોજ દશ વાર ફેરા લગાઉં છું અને અગિયારમી વખતે ગણતરી કરું છું.’
શેઠ કહે ઃ ‘પણ મને ઓછાં થતાં લાગે છે ને ?’
રામજી કહે ઃ ‘તો હવેથી ખેતર ફરતે બાર ફેરા લગાવીશ અને તેર વખત ગણતરી કરીશ.’
શેઠ કહે ઃ ‘એમ જ કરજે.’
રામજી એમ જ કરતો થઈ ગયો. હવે તે દલા તરવાડી પાસે બાર તડબૂચ લેતો થયો.
ભાઈ ! એમ રામજી રખેવાળની ચોકી વધી, ફેરા વધી ગયા, વધતા જ ગયા.
પણ ખેતરમાંથી તડબૂચ ઓછાં જ થતાં ગયાં.
વસરામ શેઠ જેમ રામજીને વધુ સાવધ કરે, તેમ રામજીના ફેરા વધે. ખેતરમાં તડબૂચ તો ઓછાં થતાં જ જાય.
શેઠની ધીરજ રહી નહિ. તેમણે ગામના મુખીને ફરિયાદ કરી.
મુખી કહે ઃ ‘રખેવાળ શું કહે છે ?’
ભૂવાશેઠ કહે ઃ ‘એ તો-ના જ કહે છે. તમે જ પૂછો ને !’
મુખીજીએ રામજીને પૂછી જોયું ઃ ‘એલા, કંઈ ઘાલમેલ તો નથી ને ?’
રામજી કહે ઃ નામ મારું રામજી.
ખાઉં ના હરામજી
ઉપરવાળો રખેવાળ છે
મારા જેવો રામજી.
મુખી કહે ઃ ‘એ વળી શું ?’
રામજી કહે ઃ ‘હરામનું ખાવાની મને આદત નથી. તમે કહો તો ફેરા વધારી દઉં ?’
રામજીએ કોઈ દાદ આપી નહિ. રામજી પકડાયો નહિ.
મુખીએ ખેતરની ચારે બાજુએ ફરી જોયું. કોઈક ગાડાનાં નિશાન હતાં. ભારે નિશાન હતાં. ગાડું જરૃર ભારે હશે !
ગાડાનાં આવતી વખતનાં નિશાન હળવાં હતાં, જતી વખતનાં ભારે.
મુખીએ તપાસ આગળ વધારી.
તેમને જાણવા મળી ગયું કે દલા તરવાડી રોજ ગાડું જોડીને નીકળે છે. વહેલી સવારે જ નીકળી જાય છે. સાંજ થતાં પહેલાં પાછા આવી જાય છે. દલાજી પાછા ખુશ રહે છે. એમના ચહેરા પર, મૂછ પર, ફાળિયા પર ચમક આવી છે. એમનો બળદ ખુશ છે. ગાડું ય ચેં ચૂં કરતું નથી. રોજ ઘણું બધું તેલ ઊંજાતું લાગે છે.
ગાડાની ઘરેડ વશરામ ભૂવાના ખેતર સુધી જતી. એ ઘરેડ ખાલી ગાડાની.
એ ગાડું બીજી બાજુ થઈને બજારમાં જતું. વખાર સુધી ભારે ઘરેડ નજરે પડતી.
એથી આગળ વળી પાછી ગાડાની ઘરેડ-નિશાન હળવી, હલકી અને ખાલી.
ચોર તો પકડાયા પણ સાબિત કેમ થાય ?
દલા તરવાડી અને રખેવાળ રામજી એવા સાવધ કે હાથમાં આવે જ નહિ.
રામજી ના ની ના જ કહે ઃ ‘હું કાંઈ જાણતો નથી. જાણતો જ નથી. તડબૂચ ઓછાં થાય નહિ. રોજના બાર ફેરા મારું છું હા !’
દલા તરવાડી કહે ઃ ‘ગાડાનાં નિશાન તો ગાડાનાં નિશાન છે. કંઈ એક જ ગાડાનાં થોડાં હોય ! કંઈક ગાડાં અહીંથી જતાં હોય છે. ને ગાડાંનું તો એવું જ. ખાલી જાય, ભરેલાં નીકળે, વળી પાછાં ખાલી થાય અને જાય…’
મુખી કહે ઃ ‘આ દલો હવે રીંગણચોર મટી તડબૂચચોર બની બેઠો છે. જબરી તરકીબ અજમાવી છે. ચોર છે અને ઉપરથી કહે છે કે સાબિત કરો. આપણે સાબિત કરીને જ રહીશું.’
તેઓ વહેલી સવારે દલા તરવાડીને ઘેર ગયા. તેઓ કહે ઃ ‘દલાજી ! ગાડું જોડો.’
દલાજી કહે ઃ ‘આટલી વહેલી સવારે ? બળદોને દેખાશે પણ નહિ.’
મુખી કહે ઃ ‘દલાજી ! ગાડું જોડો.’
હુકમ થયો ઃ દલાજીએ ગાડું જોડી દીધું.
તેઓ કહે ઃ ‘હવે ?’
મુખી કહે ઃ ‘તમે હાંકતાં હો એમ ડચ ડચ હૈ કરી દો. તમારે બેસવાનું નથી. એકલું ગાડું જ જશે, એકલા બળદો જશે !’
‘ડચ ડચ હૈ !’ દલાજીએ બળદોને હાંકી દીધા. અને બળદો ચાલતા થઈ ગયા.
ગાડું લઈને રોજ જતા એમ બળદો ચાલે રાખે, એ જ મારગે ચાલે રાખે.
મૂગાં પશુઓનું એવું. મારગ જાણે પછી ચાલે રાખે. એને કહેવાની જરૃર જ નહિ. દિશા બતાવવાનીય જરૃર નહિ.
મૂગાં-મંતર પશુઓની એ કરામત ભારે. ગાય, ભેંસ, ગધેડાં, ઘોડાં, બકરાં, ઘેટાં….બધાં જ પશુઓ પોતાનો રોજનો મારગ જાણી લેતાં હોય છે, જાણતાં જ હોય છે. દલા તરવાડી વગર તેમનું બળદગાડું ચાલતું થયું. ચાલતું ચાલતું સીધું ખેતરે પહોંચી ગયું.
મુખીએ આ વખતે રામજીને ય દૂર રાખી દીધો હતો, ચોરના ભાઈ ઘંટી-ચોરને કંઈ સાથે રખાય ?
ખેતરમાં બળદો ગયા તો મુખી કહે ઃ ‘દલાજી, હવે તડબૂચ ભરો.’
મુખીની પાછળ પાછળ દલાજીને જવાનું થયું હતું. તેઓ કહે ઃ ‘હું શું કામ તડબૂચ ભરું ?’
મુખી કહે ઃ ‘ભરો તો ખરા. જો જો, આખું ગાડું ભરી દેજો. ઠસોઠસ ભરજો.’
દલા તરવાડી તડબૂચ તોડતા ગયા. ગાડામાં ભરતા ગયા. ગાડું ભારોભાર ભરાયું.
મુખીએ દલાજીની તડબૂચ તોડવાની, મેળવવાની, ભેગા કરવાની, ગાડામાં ગોઠવવાની રીત જોઈ લીધી.
પછી કહે ઃ ‘હા. હવે ગાડામાં બેસશો નહિ, મુખી નહિ, કોઈ જ નહિ.’
‘ડચ ડચ હૈ !’ બળદોને હુકમ થયો.
બળદો તો ચાલતા થઈ ગયા.
રોજને મારગે ચાલીને બજારની વખાર આગળ આવીને ઊભા રહી ગયા.
વેપારીએ તડબૂચ ઉતરાવી લીધાં.
મુખી કહે ઃ તરવાડી, રે તરવાડી શું કહો છો હવે ?
દલા તરવાડી કહે ઃ
મૂગાં-મંતર પશુ સાચી વાત લાવે
દલાજી તરવાડીજી વળી શું કહે હવે ?
મૂગાં-મંતર પશુઓએ સાબિતી આપી દીધી. ચોરી પકડાઈ ગઈ. રામજી રખેવાળ તથા દલા તરવાડી પકડાઈ ગયા.
દલા તરવાડી તો બીજીવખત પકડાયા. અગાઉ તેઓ રીંગણચોર સાબિત થયા હતા, હવે તડબૂચચોર તરીકે પંકાયા.
અને લોકોએ કવિતા જોડી ઃ
મૂંગા-મંતર પશુ ભલે ન બોલે કશું
ચોરને તે પકડાવે બેડીએ જકડાવે

← ગ્રીસ દેશના બે વિદ્યાર્થીઓ (June 2014) જૂઠનો રફુગર (May 2014) →

Leave A Reply