તંત્રી લેખ (March 2014)

અંતે સાત અઠવાડિયામાં દિલ્હીની ‘આમઆદમી’ની સરકારનું ફીડલું વળી ગયું. જન લોકપાલ બીલ પસાર કરવાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મરણીયા પ્રયાસો ઉપર દિલ્હીના રાજ્યપાલે વિધાનસભાના અધ્યક્ષને પત્ર દ્વારા તે પ્રયાસ ગેરબંધારણીય હોઈ તે ખરડો રજુ કરવાની મંજુરી નથી આપતા હોવાનું જણાવ્યું. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ રાજ્યપાલનો પત્ર વાંચવાનો આગ્રહ કરી ધાંધલ ધમાલ મચાવી, મતદાનની માગણી કરી. આ મતદાનમાં ભાજપ-કોંગ્રેસ એક થયા પરિણામે 42 વિરુદ્ધ 27 મત આવતાં કેજરીવાલની સરકાર લઘુમતીમાં મુકાઈ જતાં તેમને રાજીનામું આપ્યું. કેજરીવાલે કેન્દ્ર સરકારની ‘અંગ્રેજી’ માનસિકતા સામે ક્રોધ પ્રગટ કર્યો. મુકેશ અંબાણી સહિતના ભ્રષ્ટાચારીઓનાં નામ જાહેર કરતાં કેજરીવાલે દાવો કર્યો કે સરકારના પગ નીચે રેલો આવવાની બીક લાગી તેથી તેમની સરકારનો ભોગ લેવાયો !

કેજરીવાલનું આ પગલું અત્યારે કેવાં પરિણામેં લાવશે તે તો આગામી કેટલાંક અઠવાડિયાઓમાં જ જણાઈ આવશે. દિલ્હીમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાયું છે. પરંતુ સંભવત: લોકસભાની ચુંટણીઓ સાથે જ દિલ્હી રાજ્યની ચૂંટણીઓ પુનઃ યોજાશે તેમ લાગે છે.

અરવિંદ કેજરીવાલની આ શહીદો અને તેમનું આ સમયે થયેલું આગમન ભારતના રાજકારણમાં આગવું સીમાચિહ્ન કંડારનારું બન્યું છે. ત્રીજા મોરચા ઉપરાંત એક નવા વિકલ્પની સોનેરી સવાર ઉગી છે, જેમાં દેશના 70 ટકાથી વધુ સામાન્ય નાગરિકોને પોતાનો કોઈ અવાજ હોય, પોતાના કોઈ પ્રતિનિધિ હોઈ શકે છે તેનો અહેસાસ કરાવતી તકનું સર્જન કર્યું છે. સાદગી, ભ્રષ્ટાચારનો જડમૂળથી વિરોધ, પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવાની સરકારની જવાબદારી, ‘ઝાડૂ’ દ્વારા નિર્મળ-સ્વચ્છ રહેણાંક વિસ્તારો વિગેરે અનેક મુદ્દાઓ તેમણે આપ્યા છે, જેનો સ્વીકાર કોંગ્રેસ-ભાજપ સહિતના રાજકીય પક્ષોએ પણ કરવો પડ્યો છે. ‘આપ’ દુરોગામી અસર કરનારું પરિબળ સાબિત થશે તેમ લાગે છે. ભારતની લોકશાહી માટે તે નવી આશા જન્માવે છે.

ન્યુજર્સીમાં માર્ચ 02, 2012 ના રોજ આતંકવાદના આરોપો સાથે ધરપકડ કરાયેલ હોનહાર ગુજરાતી યુવાન આકાશ દલાલના કિસ્સાએ ચકચાર જન્માવી છે. કાનૂનીતંત્ર કેટલી હદે જડ બની શકે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. બર્ગન કાઉન્ટીના યહૂદી ધર્મસ્થાન (સિનેગોગ) માં આગ લાગે તેવા બોમ્બ મૂકવાનો કારસો રચવાનો તેના ઉપર આરોપ લગાવ્યો છે. આકાશ દલાલ અમેરિકામાં ઉછરેલો તેજસ્વી વિદ્યાર્થી છે, અમેરિકાનો નાગરિક છે. તેના ઉપર આતંકવાદની કલમો લગાવીને સામાન્ય કાનૂની બચવાની તકો આપવાની પરવા અમેરિકી કાનૂન તંત્રએ કરી નથી. તેને 2.5 મિલિયન ડોલરના રોકડી રકમ જામીનગીરી માટે ભરવાનો આદેશ, પાછળથી ઘટાડીને 1 મિલિયન ડોલરનો કરાયો, જે ગેર વ્યાજબી હતો. બર્ગન કાઉન્ટીની કોર્ટ જરૂરથી વધુ એકતરફી વલણ ધરાવતી હોવાનું જણાય છે. આકાશને જેલમાં રોજના 23 કલાકની એકાંતવાસની સજા સાથે રખાયો છે, અને કાનૂની પ્રક્રિયા કીડીવેગે ચાલી રહી છે.

આકાશ ગુન્હેગાર છે કે કેમ તે તો કોર્ટમાં સાબિત થાય ત્યારે ખ્યાલ આવશે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય ત્યાં સુધી અમેરિકન નાગરિક તરીકે મળતા હક, કાનૂની ધારા ધોરણો સાથે તેની સાથે સખતાઈથી વર્તવાની જરૂર નથી.

તેના પર યુક્રેન, રશિયા, કોરિયા જેવા દેશોમાં જઈને આતંકવાદની તાલીમ લઇ આવ્યો હોવાનો આરોપ લગાવાયા છે. તેને ક્યારેય આ દેશોમાં પ્રવાસ કર્યો જ નથી, તે તો તેનો પાસપોર્ટ જોઇને પણ કહી શકાઈ તેમ છે. આવા કોઈ સબૂત જોવાની પરવા કાનૂની તંત્રએ કરી નથી. ઈન્ટરનેટના કેટલાક રેકોર્ડ, એ પણ તેના મૂળ સોર્સ ચકાસ્યા વિના જ આ આરોપો લગાવીને રીઢા આતંકવાદીની જેમ તેની વર્તાય કરાઈ રહ્યો છે, જે ખેદજનક છે.

કાનૂની તંત્રના એક તરફી વ્યવહાર જોતા આ કેસ અન્યત્ર ખસેડાય તે જરૂરી છે. ભારતીય સમુદાયે આ કેસમાં પ્રબળ અવાજ કરી એક થવાની જરૂર છે. દલાલ પરિવાર અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે સત્યનો જ વિજય થાય તેવી લાગણીઓ ગુજરાત દર્પણના વાચકો અને પરિવારજનો વતી પાઠવીએ છીએ. પ્રદીપ (પીટર) કોઠારી, હિરેન ગાંધી, ધ્રુવ શેઠના સહીતના આગેવાનોએ હાથ ધરેલી ઝુંબેશને આપણા સૌનું સમર્થન આપી આકાશને સાચો ન્યાય મળે તેવી શુભેચ્છાઓ પાઠવીએ.

← જવાબદાર વ્યક્તિ ઠરવા માટેના પાંચ મહત્વના સુત્રો (March 2014) જાગૃત જીવન (March 2014) →

Leave A Reply