ટકોર કથા – ગરમ ટેકરી (May 2014)

ટકોર કથા – ગરમ ટેકરી

(હરીશ નાયક)

કઈ ટેકરી નરમ નરમ ને કઈ ટેકરી ગરમ ગરમ શરમ છોડીને કરમ કરવાને, ભાંગો એનો ભરમ ભરમ
શિવાજીને એક વખત ભાગવું પડયું. ઔરંગઝેબના સૈન્યથી તે ઘેરાઈ ગયા અને મારતે ઘોડે ભાગ્યા. કલાકોની ભાગમભાગ બાદ અંધારી રાતે એક ઝૂંપડી આગળ આવી પહોંચ્યા.
એક માજી બહાર આવ્યા. જોયું તો કોઈ રાજવી માણસ છે. થાકેલો પણ દેખાય છે.
માજી કહે ઃ ‘બેસો વીર, હમણાં જ ભોજન લાવું છું.’
માજીએ જોતજોતામાં ઘીથી રસળતો કંસાર બનાવી કાઢ્યો, કે જેથી સૈનિકમાં તાકાત આવે.
સૈનિક જમવા બેઠો.
માજી સામે બેઠાં.
સૈનિક જ્યારે જમતો હતો ત્યારે માજીથી હસી દેવાયું.
સૈનિક કહે ઃ ‘માજી હસ્યા કેમ…?’
માજી કહે ઃ ‘ેબેટા સૈનિક! તુંય પેલા શિવાજી જેવો છે…’
સૈનિક શિવાજી જાતે જ હતા. ચોંક્યા, કોળિયો હાથમાં જ રહી ગયો. પૂછ્યું, ‘માજી! એટલે…?’
માજી કહે ઃ ‘બેટા! આજુબાજુની કંસારની ઠંડી કિનારી તો તું ખાયા કરે છે પણ અંદરની ગરમ ગરમ ઢગલી ઉપર તો હાથ પણ નાંખતો નથી. જરા ગરમ કોળિયો મોંઢામાં મૂકશે ત્યારે જ તાકાત આવશે ને! આ… આપણો શિવાજીય એવો જ છે. આજુબાજુની નાની નાની ઠંડી ઠંડી ટેકરીઓ, નાના નાના કિલ્લાઓ મેળવી લે છે અને પોતાને મોટો શૂર માને છે. વચ્ચેના મોટા ગરમ ગરમ કિલ્લા તરફ તો તે ફરકતો પણ નથી.’
માજી હસતાં હતાં.
પણ શિવાજીને જ્ઞાન થઈ ગયું. માજીની વાત સાચી જ હતી. તેણે ગરમ ગરમ કંસારની મોટી ટેકરી મોઢામાં મૂકી. અને પછી આગળ જતા કહ્યું ઃ ‘માજી! હવે શિવાજી આજુબાજુની નાની અને ઠંડી ટેકરીઓ ઉપર નહિ ઝઝૂમે. તે મોટા કિલ્લાઓ ઉપર ઝાપટશે, ગરમ ટેકરીઓમાં હાથ નાંખશે.’
અને ગરમ કંસાર ખાધેલો એ ઘોડેસ્વાર ઊછળતે ઘોડે ઉપડી ગયો, ગરમ કિલ્લાઓ સર કરવા માટે જ.

 

← જૂઠનો રફુગર (May 2014) બદલાતા બદલાવની સાથે (May 2014) →

Leave A Reply